15.11.08

ચન્દ્ર પરની ચડાઈ વિષે બે દેશ દાઝની
પંક્તિને ઘણા મિત્રોએ હળવાશમાં લઈ
રચના આખી લાખવાનું કહ્યું, તો આખી
રચના રમૂજની રૂએ...........

ના હવે કહેશો કે માત્ર હું ધણી
લ્યો અમે પણ ચાંદને ચૂંટી ખણી

ક્યારના ચીંધ્યા કરો છો આંગળી..!!
કોઈ ના કરતા હવે સહેજે ટણી..

આજ તો નાખ્યો અમે આ ’પ્રોબ’ને
આવતી ખેપો હશે નેતા તણી

સોમ, મંગળ, બુધ ને શુક્કર શની
રાહ જોશે સૌ હવેથી આપણી..

આ બધી વાતો હશે આકાશની
ભોમ પર તો આપદા થાતી ઘણી

ચંદ્ર પર તો ઠીક, મારા બાપજી...
પહોંચશું ક્યારે અમારા ઘર ભણી