25.7.09

દિવાસળી ના ઘરમાં
થૈ આગિયો વિહર માં

છે મૌન ની સમાધિ
શબ્દો તણાં નગરમાં

મારાજ પગ પરસ્પર
ક્યાં ઓળખે સફરમાં

ચૂમીને બંધ આંખે
ખુલી જતો અધરમાં

જે ખાનગી ને અંગત
છે ચોતરફ ખબરમાં

મારી, છતાં ન જાણું
શું શું હશે કબરમાં

22.7.09


શ્રાવણી
મુક્તક
(મુક્ત થવાની તક..!!!)

ખાળવા જગમાં, અધમતાના આ વહેતાં વહેણ ને
ધ્યાનમાંરાખો હે શિવજી આજ મારા કહેણ ને


શંખ, ડમરૂં, ચર્મ ના ચાહું, ન ચાહું ફેણ ને
હે પ્રભુ ભોળા ઉધાડો આપ ત્રીજા નેણ ને






જ્યાં અહમ સુરજ અને ચાંદા તણો ટકરાય છે
ત્યાં નનકડી વાદળી બન્નેને ચાવી જાય છે..!!!!

19.7.09



સ્નેહી મિત્રો,
આજ સુધી આપ સૌને, તમને ગમે કે
ન ગમે, પણ મેં મારા શબ્દના બુઠ્ઠા તો બુઠ્ઠા
બાણ વડે ઘાયલ કરેલ છે.......વળી જેવું તેવું
ગાઈ બજાવીને પણ તમારા કર્ણ પટલ ઉપર
ત્રાસ ગુજાર્યો છે......તો હવે તમારી નજરનો શું
વાંક ?....તો ચાલો આજે એક ત્રાસ વધુ ગુજારૂં...
સાડત્રીસ વરસ પહેલા એસ.એસ સી. ના વેકેશનમા
સમયનો સદ ઉપયોગ કરતા અને મારી જાતને
એક ચિત્રકાર ગણી, આ પેન્સીલ સ્કેચ દોર્યો હતો
જે આજે પણ અકબંધ સાચવી રાખવા માટે
મારી પત્નિ હીનાનો જેટલો આભાર માનુ એટલો
ઓછો છે.......તેની સાચવણને સો સલામ...!!!!
આ ચિત્ર જોઈ અને એક રચના (વળી એક ત્રાસ)
લખવાનું મન થઈ આવ્યું....જે આપ સૌની સાથે
શેર કરૂં છું...........
ઈશ્વર તમને સહુને સહન કરવાની શક્તિ અર્પે..
ડો. નાણાવટી

એક આંસુ શોભતું જે ગાલ પર
સેંકડો કુરબાન, એના વ્હાલ પર

સાચવી રાખ્યું હજી રાખી જતન
સો સલામો વાઇફ્ને, કમ્માલ પર

જો પિકાસો, કે દ વિન્ચી ભાળશે
ઉતરી જાશે હવે હડતાલ પર !!

સોણલું મનના ખુણે એવું ખરૂં
ટંકશાળો ખણખણે આ માલ પર !!

છટ રે મનવા, યાદ બચપણની બધી
ઉભરે પીંછીની હર એક ચાલ પર !!

14.7.09

સાથિયા સોડમ તણા આંગણ પુર્યા
લો પ્રથમ વાસાદના પગરણ થયાં
આકરા તાપે ઘટા ઘનઘોર થઈ
આભ ઉપર "હાશ"ના આંધણ મુક્યા
મોં પખાળ્યું, ખેતરે શેઢા સુધી
પાદરે લીલાશના દાતણ ઘસ્યાં
ગર્જના પાડીને મુશળધારથી
મેઘલે દુષ્કાળના મારણ કર્યાં
ધીરને ગંભીરશી સરિતા મહીં
ઉછળ્યાં જાણે હવે બચપણ નર્યાં
તંગ યૌવન ન પલળવાના બધાં
કાગડા થઈને ઉડી કારણ ગયા
ભેદ મનના ને બધાં મતના હવે
એક છત્રીમા મળ્યાં કામણ ભયાં
માનજે તું પાડ ઈશ્વરનો મનુજ
આચર્યા તેં જે નથી, દુ:ષણ ફળ્યાં

8.7.09

સબંધો આપણાની ડાળખી બટકી રહી છે
ન જાણે વાત શા મુદ્દા ઉપર વટકી રહી છે

અમે તો પહાડને પણ કહી દીધું રસ્તો કરી દે
સવારી શી ખબર કઈ કેડીએ અટકી રહી છે

ઉડે જો ઝુલ્ફ સહેજે પણ, કરૂં દિદાર તારા
હવામાં ક્યારની એ પળ હજુ લટકી રહી છે

ન રાખું જામ હાથોમાં, તને સઝદા કરૂં જો
અમારી એજ દિલદારી તને ખટકી રહી છે

હજુયે વણફળી ઇચ્છાની રાધા ગોકુળોમાં
બિચારી ગાય થઈ ગલીઓ મહીં ભટકી રહી છે

સતત શ્વાસોમાં જકડેલી અમારી જીંદગાની
સમયની રેતની માફક હવે છટકી રહી છે

7.7.09

ટોડલે હું મોર ચિતરૂં ને પછી
મેઘ ખાંગા થાય બારે, તે પછી

શ્રીફળો તકદીરના ફોડી જુઓ
જે મળે તે હાથમાં લઈ લે પછી

ગેરસમજણમાં હવે ફાવી ગયું
આજ કરવો છે ખુલાસો, કે પછી

સહેજ પડઘાનીય ઈચ્છા પુછ તું
સાદ હળવેથી જરા તું દે પછી

મોત ના અમથું હતું કંઇ દોહ્યલું
કોઈ ના જાણે, પછી શું, એ પછી

6.7.09

शरबती आंखे युम्हारी, क्या कहें
नींदमें जागे, तुम्हारी क्या कहें
करवटें तो ठीक थी पर अब भला
सलवटें चाहें तुम्हारी, क्या कहें
ये खुला आकाश लगता है मुझे
फैलती बाहें तुम्हारी, क्या कहें
मंझिलें भी आजकल, सुनता हुं मै
पूछती राहें तुम्हारी क्या कहें
थामलो या छोडदो मरझी सनम
जो भी हो आगे तुम्हारी क्या कहें

5.7.09


ચોતરફ ગુલમહોર કાં મહેક્યા હશે ?
આજ એ નક્કી ફરી મલક્યાં હશે


સંસ્મરણ શૈશવ તણા આજે હજી
ડેલીએ સાંકળ બની લટક્યાં હશે


હાથમાં ખેંચી હતી રેખા, છતાં
કઈ રીતે આ સુખ બધાં છટક્યાં હશે


કાંપતાં હાથો વડે ખત ખોલતાં
કંકણો બેશક પણે ખણક્યાં હશે


ખુશ્બુ એ મય, છા ગઈ લોબાન પે
એટલે શાયદ ક઼દમ અટક્યાં હશે


કેટલાની ભૂખ ને અગ્નાન થી
મંદિરોના આ કળશ ચળક્યાં હશે



ચાલ સખી વરસાદે જીવતર ખંખોળીએ
રોમ રોમ ભીનાપે કાયા ઝંબોળીએ
કાગળની નાવ અને છબછબીયાં યાદ રે
ઘરમાં ન આવવાની બા ની ફરીયાદ રે
ખરડાતાં ભીંજાવું, કેવો ઊન્માદ રે
ગારો, ખાબોચીયાઓ દેતા’તાં સાદ રે
બચપણની ચોપડીના પાનાઓ ખોલશું......રોમ રોમ ભીનાપે

પહેલા વરસાદ તણી મૌસમ કંઈ ઓર છે
વાલમની વાત્યુના થનગનતાં મોર છે
દડદડતી જળધારા, મસ્તીનો તોર છે
લાગે કે પિયુ મારો આજ ચારે કોર છે
એમ કહી, શરમાતાં પાલવ સંકોરશું.....રોમ રોમ ભીનાપે
ટપકંતા નેવેથી ટીંપે સંભારણાં
કરચલ્લી પાછળના ઉઘડતાં બારણા
ઘટનાનાં ઝાળાએ અકબંધ છે તાંતણાં
વિતેલી યાદો છે હૂંફ, એજ તાપણાં
ઓસરીની કોર બેસી સઘળું વાગોળશું.....રોમ રોમ ભીનાપે

2.7.09


આવરે.....વરસાદ
સાંભળજે.. તું સાદ

છે તરસ જળની અષાડી માસના સોગંદ છે
ના ખપે મૃગજળ હવે, આભાસનાં સોગંદ છે

માનવી તો ઠીક પણ જોજે અબોલા જીવને
જે ચડ્યા અધ્ધર, બધાનાં શ્વાસના સોગંદ છે

રામ, લક્ષમણ, જાનકીનો તો સહી લીધો અમે
કેમ સહેશું, તેં લીધો વનવાસ, ના સોગંદ છે

માનવીના આંતકોથી થરથર્યા કરીએ, હવે
ઓણ સાલે તેં ગુઝાર્યા ત્રાસના સોગંદ છે

સ્થાન જે લીધું પ્રભુ, તેને હવે શોભાવજે
જેમના પર જીવતા, વિશ્વાસના સોગંદ છે

1.7.09



સૂર ને થનગાટનો સુરજ જુઓ ડુબી ગયો,
ચાંદ ઉપર ચાલવાની ઘેલછા મુકી ગયો......