સબંધો આપણાની ડાળખી બટકી રહી છે
ન જાણે વાત શા મુદ્દા ઉપર વટકી રહી છે
અમે તો પહાડને પણ કહી દીધું રસ્તો કરી દે
સવારી શી ખબર કઈ કેડીએ અટકી રહી છે
ઉડે જો ઝુલ્ફ સહેજે પણ, કરૂં દિદાર તારા
હવામાં ક્યારની એ પળ હજુ લટકી રહી છે
ન રાખું જામ હાથોમાં, તને સઝદા કરૂં જો
અમારી એજ દિલદારી તને ખટકી રહી છે
હજુયે વણફળી ઇચ્છાની રાધા ગોકુળોમાં
બિચારી ગાય થઈ ગલીઓ મહીં ભટકી રહી છે
સતત શ્વાસોમાં જકડેલી અમારી જીંદગાની
સમયની રેતની માફક હવે છટકી રહી છે
1 comment:
સુંદર ગઝલ...
Post a Comment