8.10.07

કહે કોણ હું કડકો.....

ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મે અગન સરીખો તડકો
વાલમ કોણ કહે હું કડકો....

કલરવ છે કલદાર અમારા, ગિરી કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો

હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
વાલમ કોણ કહે હું કડકો...

.લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય ચંદ્ર ની સાખે જીવીયે , ભલે રહ્યા સૌ આઘા

ધક ધકતી છાતીએ અમને એક વખત તો અડકો
વાલમ કોણ કહે હું કડકો...

.આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતાં
કાંધે લેવા મને નગરજન, હુંસા તુસી કરતાં

સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
વાલમ કોણ કહે હું કડકો....

No comments: