27.2.10

બે ઘુંટડા
ભાંગ ઉતારીને વાંચવી

ભાં....ગ....ઝ....લ

जी़दगी कीतनी हंसी you don't know
કો’ક દિ સામે ધરી જો આયનો
.

મૃગજળો are quite naughty, मां क़सम
જઈ ઉભો, તો ક્યાં કરે છે સામનો...?
.

जाम पे तुं जाम દેતી ઓ સનમ
कहे ना पाया आपसे हर बार no..!!
.

રાતના ભમરાને , lotus hugs, honey
હમસફર મારાયે sometimes युं बनो

હી...હી...હી...હી...હી...હી...હી...

बुरा ना मानो होली है
होलि मुबारक

25.2.10

ठंडी आंहे क्युं भरता हे
गुम सुम सा तुं क्युं रहेता हे
दिलकी फितरत, टुट ही जाना
फीर पछतावा क्युं करता हे
तुं ख्वा़बोंका सुरमा डाले
दो आंखोसे क्युं बहेता हे
धुंधला साया हमसे पुछे
दिन, हरदिन ये क्युं ढलता हे
ना बदलेगी हाय लकी़रें
हाथोको तुं क्युं मलता हे
का़फी दुरी पर है मस्जीद
मयखानेमें क्युं डरता हे

છે તરસ, મૃગજળ હતું, પણ રણ નથી
તો પછી કંઈ દોડવા કારણ નથી
.

પ્રેમમાં, પાગલ બધાયે હોય છે
આ નિરિક્ષણ માત્ર છે, તારણ નથી
.

છો પતંગિયા, પાંખમાં ભારે વસંત
ફુલને કંઈ એટલું ભારણ નથી
.

તેં જ દીધેલા દિલે, આ ઘાવ પર
હાજરી તારી હવે મારણ નથી
.

ઉતર્યા ઓળા ઉજાગર રાતનાં
આંખમાં કામણ ભર્યાં આંજણ નથી
.

આપણુ ચડવું જનાજે, જોઈને
એક પણ ઇર્ષ્યા કરે, એ જણ નથી

24.2.10

ઓણુકી હોળીએ કરતો વિચાર
તને કેમ કરી રંગુ હું કાલે
કેસરીયો રંગ તરી વેણીના ગલગોટે
ગમતો ગુલાલ તરા ગાલે
ખિલખિલાટ દાંતેથી ખરતું અબિલ અને
ઝાકળ છંટાય તારા ભાલે
વાસંતી વાયરાએ લાલ ચટ્ટક ચુંદડીમા
કોણ તને રંગી ગ્યું...આ..લ્લે...
કાલ કરવું શું સાવ ખાલી ખાલે
આવી અંચઈ પ્રભુ તે કાંઈ ચાલે...???
આમા કોઈનુએ ક્યાંય કશું હાલે..!!
હવે આખ્ખો દિ’ કરવું શું કાલે...
હવે આખ્ખો દિ" કરવું શું કાલે..!!??
આવી અંચઈ પ્રભુ તે કાંઈ ચાલે...???

21.2.10

શ્વાસ હવે એક બહાનુ રે
મોત લગી ધરવાનુ રે

મોઈ, ચણોઠી, પાંચીકે
હાથ વગર રમવાનુ રે

એક રહ્યું ના ઉતરવા
આજ હુકમનું પાનુ રે

પાંખ વગરનું પંખી છું
તોય ઘણું ઉડવાનું રે

રાત ઘણીયે બાકી, પણ
જામ વિના મયખાનુ રે

સ્પર્શ તમારો ઉજવી લઉં
એજ હવે કરવાનુ રે

ખેદ નથી આથમવાનો
ક્યાંક ફરી ઉગવાનું રે

20.2.10


કાં હું નથી, કાં રોજનો આ આયનો નથી
ચહેરાએ ભાવ રૂક્ષતાનો નામનો નથી..!!

ટહુકો, અનંત સુરના આસવ સમાન છે
પર્યાય કોઈ છંદ, કોઈ રાગનો નથી

સમજણ પ્રમાણે જીંદગી આખી જીવી ગયો
પર્વત કદી અમે કરેલ રાયનો નથી

આંખો કશેક, હોઠ કશે, હાથ ક્યાંક છે
છલકાય, એમા વાંક ભલા જામનો નથી

ઈચ્છા દફન થયેલ, ને દાઝેલ મન હતું
રાખોડી રંગ સાવ બધો રાખનો નથી

ચાલ તને....!!!

મેઘ ધનુ ને તોડી, આવું
વાદળની માળા પહેરાવું
.

ધૃવ સમા અજવાળા મોતી
ભાલ તણા ટીકે પોરાવું
.

રાત અમાસી કાજળ લઈને
આંખ નશીલીમાં અંજાવું
.

દૂર ક્ષિતિજે ગિરી કંદરા
કેડ કટીલીએ બંધાવું
.

શીત લહેરથી હળવે હળવે
એક અટુલી લટ લહેરાવું
.

લાલ ચટક ઉષાની લાલી
ગાલ રતુંબડ પર રેલાવું
.

પૈર ઝમીં પર રાખો ત્યારે
હેત ભરી જાજમ પથરાવું
.

વ્હાલ સમું વરસીને તારી
જાત અબોટીને ભિંજાવું

19.2.10

યાદ તારી, આપણો સેતુ હશે
મોત, તારો આ જ તો હેતુ હશે
.

જે પતંગિયું બેસતું ફુલો ઉપર
એકબીજાની વ્યથા કહેતું હશે
.

ધડકનો દિલની વધી ગઈ, કોઈ તો
આસપાસે, આપણું રહેતું હશે
.

પત્રનું પ્રકરણ અમારૂં ખોલજો
પ્રેમનું ’શાહી’ ઝરણ વહેતું હશે
.

આખરી મારગ અજાણ્યો કાપવા
હાથમા કોઈ હાથને લેતું હશે

17.2.10

હઝલ......હોળી ખાતે

લેશ ના સમજાય, કે એ કેમ રહેતો લહેરમાં..?
ટોર્ચની દુકાન ખોલી, આગિયાના શહેરમાં..!!
.

આંબળા, બ્ર્હામીને સાધ્યા, કોપરાં વાટ્યા ઘણા
રે.. હતાશા સાંપડી અમને અનુપમ ખેરમાં..!
.

ચાર પાયા, ખેંચવા વાળા હતા ચાલીસ જણ
કોણ જાણે શું મળે છે તોય આવી ચેરમાં
.

કો’ક દિ તું બાધણાં બાયુ તણા જો તો ખરો
જીભમાં તાકાત જે, એ ક્યાં મળે સમશેરમાં
.

તું ભલે કહેતો કે અપશુકન કરે આ આંકડો
લાડવા દાબીને ઉજવ્યા કેટલા મેં તેરમાં
.

જે હતી, જેવી હતી, જીવી ગયો હું જીંદગી
તોય પણ સોડમ હજુ છે રાખના આ ઢેરમાં..!!

16.2.10


શિવાલયના
"ઘંટ"ની વ્યથા..!!

હવે ક્યાંથી સહેવાય
મારૂં મનડું મુંઝાય
અમે લટક્યા’તાં સાંજ ને સવારમાં..!!
કદી દેજો આ કથની અખબારમાં
.

કોઈ પંપાળી જાય
કોઈ અફળાવી જાય
કોઈ અવગણતું, ઉંડા વિચારમાં
જાય સીધો એ તારા દરબારમાં.....કદી
.

કો’ક સુખમાં અકળાય
કો’ક દુ:ખણાઓ ગાય
કો’ક અટવાયું ક્યાંક કોઇ પ્યારમાં
પછી ઉભે સૌ લાંબી કતારમાં...કદી
.

શિશ તમને ઝુકાય
સહેજ નંદી પુજાય
બાકી નજરૂંઓ હોય છે બજારમાં
રખે ચંપલ ચોરાય, પલકવારમાં....કદી
.

જાત ઉંધી ટીંગાય
વ્હાણ વર્ષોના વાય
તોય આઘો હું તારા પરસારમાં
જાણે કાંકરી હો મીઠા કંસારમાં....કદી
.

આમ સંતો કહેવાય
કામ શઠના સહુ થાય
નામ પંકાતું મારૂં સંસારમાં..?!?!
કેવો બદલો તેં દીધો વ્યવહારમાં....કદી

15.2.10


ચાર દિવસની ચોપાટે હું જુગટું રમતો
જેમ હથેળી પાસા ફેંકે, જીવતર ઘુમતો

પહેલ કરી મે દાવ લઈને શૈષવ કેરી
ચાર ઘુટણની ચાલ, અને એ રસ્તો ગમતો

છેલ છબીલી અલ્હડતાની પાંખ ભરીને
આભ મહીં અરમનોના હું સાતે ભમતો

ત્યાંજ મને કો’ મહેંદી રંગ્યો હાથ અડ્યોને
સાથ દીધો હર મોડ, ભલે ગમતો અણગમતો

બોજ સહીને ભવ આખાનો, સહેજ ઝુક્યો ત્યાં
વાત ઉડી કે, રોજ હવે ઈશ્વરને નમતો...!!!

10.2.10










કોઈ
ઉડતાં પતંગીયાને
પકડો તો
કેમ જાણે
મુઠ્ઠીમાં
આખી
વસંત છે.......
.
અરે !
ખુશ્બુ પણ
એમા
સંમંત છે......
.
પછી
હાથોમાં ઉતરેલા
વાસંતી
રંગ એના
ગાલે
ચોપડવાનો
તંત છે......
એ જ
હોળીનો મહીમા
અનંત છે....
બીજી
બધ્ધી
કથાઓ સાવ
દંત છે....!!!!

9.2.10


કળીયુગ
.

સમયનો હાથ ઝાલ્યો, પણ પડ્યા પાછા અમારાં ડગ
છવાયું સાવ અંધારૂં, રહ્યા સંકોરવામાં શગ
.

સમૂળગાં વૃક્ષના છેદન થી ઉત્તમ આત્મહત્યા કઈ ?

બગાડો સાવ અમથાં ખંજરો, સહુ કાપવામાં રગ
.

નથી રસ્તા, નથી ખસતાં, છલોછલ માનવી વસતાં
હવે ધરતીયે ક્યાં દેતી તમે જો માગતાં મારગ
.

નશો સત્તા ને દોલતનો ઉમેરી ડગમગું એવો
ન ઝાલો હાથ બંદાનો, ખુદા પકડો અમારાં પગ
.

પછાડી એક બીજાને કદી ઉંચાઈ ના પામ્યાં
હવે અવતાર દેજો હે પ્રભુ, નભમા વિહરવા, ખગ
.

શગ=દિવાની વાટ
સંકોરવી= સરખી કરવી
ખગ =પંખી

8.2.10

હવે અમને ચરણનો ભાર લાગે છે
મુકામે પહોંચતાં બહુ વાર લાગે છે
જીવનમાં જેટલી હું વાર હાર્યો, એ
હરેક ઠોકરથી ગુંથ્યો હાર લાગે છે
.
તરન્નુમ ટેરવાં છેડે જો ઝુલ્ફોમાં
પછી આ ધડકનો ફનકાર લાગે છે
નથી પ્યાલી, નથી સાકી, છતાયે પણ
અમારૂં દિલ ભલા ચિક્કાર લાગે છે
.
હવે પુછે જો કઈ કેમ છો તો પણ
છલોછલ છળભર્યો ધિક્કાર લાગે છે
ઘરેથી ઉંચકી લાવ્યા કબર સુધી
ન ભુલું, એટલો ઉપકાર લાગે છે

6.2.10

વાતને ઘોળીને આખી પી ગયું
મન, બધાં ઉંડાણને માપી ગયું
.

સ્પર્શના અણસારનું સપનુ ફકત
કેટલા આલિંગનો આપી ગયું
.

એક ઠસકું આપની ખાંસી તણું
તાજ મહેલો કંઈ બધા સ્થાપી ગયું..!!
,

કોણ જાણે કોણ, મારી લાગણી
કેસુડે, હર ફુલ પર છાપી ગયું
.

નિતર્યું કુમ કુમ, સમી એ સાંજનું
વ્યોમ પર કેવું સરસ વ્યાપી ગયું..

5.2.10


હાથમાં એંધાણ નોંધારૂં હતું
શી ખબર, સામેજ ઘર તારૂં હતું
.

સેરવ્યો રેશમ દુપટ્ટો, તેં હવા
જે કર્યું એ, સોણલું મારૂં હતું
.

હું લખું, ને ફાડ તું પત્રો બધાં
આ જ તો એક કામ સહિયારૂં હતું !!
.

એ ખુદા, તું મૈકદે ના હો, અને
હું મસીદે, એજ વ્યવહારૂ હતું
.

આગીયા શરમાય દિવસે, પ્રેમમાં
બેરહમ, રાતેય અંધારૂં હતું..!!
.

રામને બદલે અમારૂં, આખરે
નામ બોલાતે અગર, સારૂં હતું

4.2.10

કોઈ કાળે એમ સંભાવી શકે..??

અસ્થિઓ ખુદના જ પધરાવી શકે..!!
.

લાગણીના, હાથ આવે, બીજ જો
કેટલા વેરાન મન વાવી શકે
.

જે હજુ ખુદને જ ના સમજી શક્યો
એ મને કઈ વાત સમજાવી શકે
.

હાથ જોડ્યા ક્યારના, કંઈ કર ખુદા
તો હલેસા, હાથ હલ્લાવી શકે
.

સહેજ ખુલ્લી રાખજે મારી કબર
આપના પગલાનો રવ આવી શકે

3.2.10



જીંદગી
.


કોઈ ના આંકી શકે, અણમુલ છે
જીવતા ના આવડે તો, ભુલ છે
.


લાખ ને ચોર્યાશી વનરાજી મહીં
એક નમણી ડાળ પર એ ફુલ છે
.


જન્મને મૃત્યુ તણા બે તટ ઉપર
મોહને માયાથી બાંધ્યો પુલ છે
.


ધૂંસરી નાખીને ખભ્ભે ચાલ તું
ફાંસલા ખુટશે નહીં, વર્તુલ છે
.


આખરી મંઝિલ સમીપે પહોંચવા
માનવી એકંદરે મશગુલ છે



મોત


પુર્ણ તું વિરામ છે
એટલે બદનામ છે
ના દીસે હરરોજ તું
એજ મારી હામ છે
.


આચરે જે સૌ કોઈ
એ, ગુનો સરેઆમ છે
’એ’ નથી તો અય ખુદા
આપનુ શું કામ છે
.


ભિન્ન જાતિ, ધર્મનું
આખરી પરિણામ છે
તું શ્વસી લે કેટલું
એજ બસ અંજામ છે
.


હાથની રેખા ઉપર
પહોંચવું એ ગામ છે
લાખ ચોર્યાશી સબબ
હર પળે વિશ્રામ છે
.


મોક્ષના નામે સતત
એ પીવાતો જામ છે
જીંદગી, રાધા ગણો
તો, પછી એ શ્યામ છે

2.2.10



જ્યોત


એ ઝળાહળ દેવની મુર્તિ હતી
ને પતંગા બાળવા, પૂરતી હતી

હુંફ, પુજા, પ્રિત, સત, અજવાળીયું
પાંદવો પાંચેયની કુંતી હતી

હો મહાલય, કે ગરીબી ગોખમાં
ઈશ, પરબારી તને છુતી હતી

ફેણ રૂપે શિશ પર આભા ધરી
શેષનાગે મીણના સુતી હતી

મદભર્યા માહોલમાં બસ મૌન થઈ
આપણા બન્ને તણી યુતી હતી


શું ભરોસો રાખવો આ શ્વાસ પર
જીંદગી આખી નભી નિ:શ્વાસ પર
.


વેદના છિદ્રો તણી સહેતો, છતાં
રોષ ના દીઠો કદીયે વાંસ પર
.


જોડણી પુછો, ફકત બંધુત્વની
ને નિબંધો પુછતાં સૌ ’ત્રાસ’ પર.!!!
.


છંદ, બંધારણ, ગઝલીયત ના સહી
આખરે છોડ્યું બધું મેં પ્રાસ પર
.


એટલું તો ઠોસ રીતે કહી શકું
છે વજુદે આયના, આભાસ પર
.


આવશે મંઝિલ હજુ, ની આશમાં
ના કદી પહોંચ્યા ચરણ આવાસ પર

1.2.10



પંખી


ચાંચમાં એક બુંદ ને ચુંટી ગયું
હાશની ગાગર ભરી લુંટી ગયું
.


પાંખનાં વિસ્તારનું પુછો નહીં
આજ જાણે આભ પણ ખુટી ગયું
.


શીત લહેરો, ને ઉષા, ઝાકળ, કોઇ
કંઠમાં એક સામટું ઘુંટી ગયું
.


સહેજ ડાળી થરથરી ને ઉંઘમાં
સ્વપ્ન માળાનું હતું, તુટી ગયું
.


એક પીંછુ વ્યોમમાં ખરતું, અને
શ્વાસનું વળગણ પછી છુટી ગયું