9.2.10


કળીયુગ
.

સમયનો હાથ ઝાલ્યો, પણ પડ્યા પાછા અમારાં ડગ
છવાયું સાવ અંધારૂં, રહ્યા સંકોરવામાં શગ
.

સમૂળગાં વૃક્ષના છેદન થી ઉત્તમ આત્મહત્યા કઈ ?

બગાડો સાવ અમથાં ખંજરો, સહુ કાપવામાં રગ
.

નથી રસ્તા, નથી ખસતાં, છલોછલ માનવી વસતાં
હવે ધરતીયે ક્યાં દેતી તમે જો માગતાં મારગ
.

નશો સત્તા ને દોલતનો ઉમેરી ડગમગું એવો
ન ઝાલો હાથ બંદાનો, ખુદા પકડો અમારાં પગ
.

પછાડી એક બીજાને કદી ઉંચાઈ ના પામ્યાં
હવે અવતાર દેજો હે પ્રભુ, નભમા વિહરવા, ખગ
.

શગ=દિવાની વાટ
સંકોરવી= સરખી કરવી
ખગ =પંખી

No comments: