30.6.10

આવ રે વરસાદ..!
હાય રે વરસાદ...!!!

કેટ કેટલા દીધાં સાદ
તોયે ન આવે તું વરસાદ

તપ્ત ધરા ને ત્રસ્ત અબોલ
આજ કરે છે સૌ ફરીયાદ

દૂર ક્ષિતિજે કરતી "હા...ય"
વાદળીઓ કેવી ઉસ્તાદ

નાવ લઈ કાગળની બાળ
સાવ સુકાતાં રે ઉન્માદ

ગાર , કીચડ, ને નેવા ધાર
રોજ અમે સહુ કરીએ યાદ

શેર જેટલું વરસો તોય
એક ગઝલની દઈએ દાદ

ક્યાંક વરસ, છો અમદાવાદ
ભાવનગર કે હો બોટાદ

શીખ્ખ, મુસલમાં, હિન્દુ, ખ્રિસ્ત
કોઈ નથી આમા અપવાદ

ઇશ્વર, અલ્લા, ગ્રંથ, જીસસ
બાંટ હવે માગ્યો પરસાદ

29.6.10

अब तो थोडी जगाह ही काफी है
जीतनी ये जींदगानी बाकी है

कहकहे बात पुरानी अब तो
आह अब जो भी भरुं आधी है

प्यार तो युं ही एक बहाना है
तुमसे हारी हुई ये बाझी है

तुं डूबादे या पार कर साकी
मैकदेमें तुं ही तो माझी है

कोई साथी ना कोई संगी है
कब्र भी एक नई कहानी है

28.6.10

મોસમ બધી ગુલાબી હજુ એ ની એ જ છે
ઝાંખપ કદાચ મારી નજરમાં જ સહેજ છે

સુક્કા થયેલ ઓષ્ટ, અને શુષ્ક ચામડી
કિંતુ હ્રદયમાં પ્રેમનો એવોજ ભેજ છે

સાધુ, જતિ ને શોભતી વાણી હવે વદું
વાતો અમારી ક્યાં હવે એ નોન-વેજ છે..!!

લાગે નહીં કે માલ આ જુનો થયો જરી
તોયે કરચલી, તારીખો ચહેરે લખે જ છે

સંસારના આ બોજને લાદીને પીઠ પર
કાયા અમારી ખુદ હવે જાણે લગેજ છે..!!

બપ્પોરને સમય તમે સંધ્યાના રંગ દો
અલ્લાહ ઉતાવળ કરી થોડી તેં છે જ છે

25.6.10

लफ्झ बन के तेरे, छु लुं लबको
रोज करता हुं दुआ ये रबको

वाकया में समज रहा खुफिया
वो पता था, यहां वहां, सबको

में सितारा हुं ढल चुका कबका
बात सुरजकी पूछ पूरबको

हाथमें तेरे है, इतना काफी
अब कहां फुल जरूरी छबको

मार डाले अदासे कीतनी दफा
कोई सीखे तेरे ये करतबको

23.6.10

હવાએ ભલા, વેણ કેવાં કહ્યા છે
બધાં પાંદડા, કંપી થર થર રહ્યાં છે

પછી, રેશમી તારા રવનો છું પડઘો
પ્રથમ તો મેં ટકરાવ બરછટ સહ્યાં છે

હવે હાથમાં લેવરાવો શું પાણી
અમે પાણિ, અદકાં બધાથી ગ્રહ્યાં છે

અચાનક ગઝલમાં ઘણીવાર મારી
કલમથી અલૌકિક શબ્દો વહ્યાં છે

જીવનભર હું તડપ્યો જે અલફાઝ ખાતિર
કબર પર, એ બોલ્યા કે તમને ચહ્યાં છે

22.6.10

દિવાલો અરીસાની ઉભી કરાઈ
હવે બસ ફકત ’હું’ ને ’હું’ ની લડાઇ

હરણ કરતું છબછબિયાં મૃગજળ કિનારે..???
કરી લો આ ઘટનાની તુર્તજ ખરાઈ..!!!
પીડાતી બિચારી એ એકલ મદિરા
અમે પીડા જાણી સદાયે પરાઈ

ગલી, ઘર, કમડો, દિલો જાં ખુલા છે
કદી ક્યાં કરી છે તમોને મનાઈ

હવેથી કબર, આ જ ઘર છે અમારૂં

લખાવી તકત પર અમે એ વધાઈ

19.6.10

तडपुं में उनकी यादमें ईतना की ए खुदा
शायद तुम्हे ही भुलना हो्गा मुझे खुदा

दस्तक में दे रहा हुं कीसी और की गली
लगता है कोई गैरमें अपना मीले खुदा

युं चोट खा के जी रहा बहेतर सी जीदगी
मरहम को खामखा भला तकलीफ दे खुदा

चंदासे पुछलो या सितारों से पुछ लो
रातों की रात करवटें बदला कीये खुदा

शम्मा कसम, की हम भी कुछ कम ही जले नहीं
परवाने काश ईसलिये पहेचानतें खुदा

18.6.10

अब तो गोया ये मुक्कदरभी दगा देता है
दोनो हाथोंमें लीखी मौत कहां देता है

युं तो जागे ही रहे नींदके दौरां अकसर
मेरे ख्वाबोंमें कोई शख्स सदा देता है

हम जो पैदा हुए, मानो ये गुन्हा हमने कीया
कीतने सालोंसे वो जीनेकी सज़ा देता है
हाले दिल पूछता कोई भी नही है मेरा
दर्द जाने बीना हर कोई दवा देता है

मर भी जाता है कहां अपनी खुशीसे कोई
जीनको जीतनी हो ज़रूरत तुं हवा देता है

चाहे कीतनी भी बडी शख्सीयत होगी फीरभी
ये जहां वैसेभी दो गज़ ही जगा देती है

17.6.10

ખુલતાં વેકેશને

બચપણને દફતરમાં નાખી બાળક ચાલ્યું
અરમાનો મા-બાપના લાદી બાળક ચાલ્યું

ગિલ્લી દંડા, થપ્પાને પગમાં ઘાલીને
લેસન નામે લેસ કસાવી બાળક ચાલ્યું

ગિરી કંદરા, દરિયો, જંગલ ઝરણા છોડી
નવ્વાણુંની સાંકળ બાંધી, બાળક ચાલ્યું

શિંગ ચણા, મમરાને છોડી ધીરે ધીરે
ફાસ્ટ ફુડના ડૂચા ચાવી બાળક ચાલ્યું

ચટ્ટા પટ્ટા યુનિફોર્મમાં જાત લપેટી
દિશાહીનતા આંખે આંજી બાળક ચાલ્યું

શિક્ષણની હાટડિઓમા વેપારને કાજે
ખુદને જાણે, માલ બનાવી બાળક ચાલ્યું

15.6.10

માહોલ તારી યાદનો, કંઈ બેમિસાલ છે
આજેય મારા શ્વાસમાં અકબંધ કાલ છે

નક્કી અમોને આજ મળી બેવડી ખુશી
ચહેરો અમારો આયને પણ ખુશ ખુશાલ છે

નફરત ખરીદી રોકડે, ચૂકવીને લાગણી
આ મામલે કે દિ’ કરેલ ભવતાલ છે ?

મસ્જીદથી તમે યાદ વધુ આવતાં અહીં
આ મૈકદા યે ચીજ ખુદાયા, કમાલ છે

પરદા ગિરાકે ક્યા કરોગે યું હી ખામખાં
બારી વગરની આપણી વચ્ચે દિવાલ છે
ગીત વરસાદી

અમે વરસતા મુશળધારે
તમે ટપકતાં નેવે
ખળખળ પ્રેમે ધૂબકા મારો
ન્હાવું શું પરસેવે

છતરી ચંપલ નેવે મુકો
રેનકોટને ફેંકો
ઝરમરતાં અમરતમાં પલળી
સાતે કોઠે મહેકો

પંખી તરૂવર પશુઓ મારે
મૌન તણા હાકોટા
હડબડ હડબડ લથબથ લથબથ
કોઈ ન નાના મોટા

આભ ઝળુંબે ધરતી પર
તસતસતી ચૂમી લેવા
પડે શેરડા સાત શરમનાં
હરખે વાદળ કેવા

13.6.10

શબ્દને બાંધી પડીકે, નામ દ્યો કાગળ તણું
વાત મુશળધારની, ને હાથમાં ઝાકળ સમું

લાગણી નામે ન કોઈ, ના કોઈ ધિક્કારતું
આ નગર આખું દિસે આજે મને વ્યંઢળ સમું

ભોંકતા ઇકરારને, ઇનકારનું ખંજર તમે
આમ તો કાઢી લીધું, લગભગ તમે કાસળ સમું

રામનાં ચરણો સમી આંખા તમારી રાખજો
તો જ નજરૂં ભાળશે, પથ્થર મહીં ચંચળ સમું

સાંપડી અંતે કબર, આ જીંદગીની હોડમાં
ક્યાંક તો અમને મળ્યું, આખર કશું અંજળ સમું

11.6.10

નથી કંઈ આપણું એવું , કે પીવું
જીવનમાં મુલ એનુ છે નજીવું

હવે ના મોહ કોઈ ફુલનો છે
પતંગા શુ જીવન આખુંયે જીવું

ભલે નફરતનું ફાટે આભ તારૂં
અમારાં પ્રેમથી એનેય સીવું

રહો ના કોઈથી લાચાર જગમાં
બીવું તો એક બસ ખુદથી જ બીવું

10.6.10

જખમ તારા બધાયે વેંચવા છે
દિલાસા આપનાયે વેંચવા છે

અરીસો ના કહે છે રોજ, નહીંતર
પ્રતિબિંબો ઘણાયે વેંચવા છે

હથેળી પર લખેલા ભાગ્ય સઘળાં
અમારાં છે, છતાંયે વેંચવા છે

કરો છો વાત ક્યાં મીઠી નજરની
ખટકતાં આ, કણાયે વેંચવા છે

પડે જ્યાં જ્યાં અમારી હાકના એ
બધા પડઘા, સવાયે વેંચવા છે

હવે મારી કબર પર દોસ્ત તારા
સર્યા આંસુ સદાયે વેંચવા છે

8.6.10

હજુયે શ્વાસ તારા નામનો બાકી રહ્યો છે
જરા આભાસ તારા નામનો બાકી રહ્યો છે

જખમ તો કેટલાયે દિલ ઉપર આપી ગયા પણ
ખુલાસો ખાસ, તારા નામનો બાકી રહ્યો છે

હથેળીમાં શિલાલેખો સબંધોનાં ઉકેલ્યાં
ફકત ઈતીહાસ તારા નામનો, બાકી રહ્યો છે

બધાયે દોસ્ત ને દુશ્મનને નામે પી રહ્યો છું
હવે બસ ગ્લાસ તારા નામનો બાકી રહ્યો છે

તને મત્લાથી લઈ મક્તા સુધી મેં આવરી છે
ગઝલમાં પ્રાસ તારા નામનો બાકી રહ્યો છે

6.6.10

મોરપિચ્છ મુંઝાતું, ચેહેરો દેખું ક્યાં ઘનશ્યામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

વાંસલડી ની ઇર્ષ્યા કરતું
ક્રોધ થકી આખું ફરફરતું
હોઠ રતુંબલ સ્પર્શી, ફેરો ફળતો ચારે ધામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

રધાના નયનોમાં શામળ
રંગ-રસિયાનો આંજે કાજળ
રાસ રમે હર ગોપી, બાકી રહેતો ના કોઈ ગામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

પનિહારીમાં ગોતું તમને
ગોધૂલીના પુછું કણને
છાશ વલોણું, ઘમ્મર થઈને, ઝંખુ પગરવ શ્યામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

યમુના જળના કાલિ બનશું
મીરાને ઘુંઘર રણઝણશું
નરસીની કરતાલે કરશું જય જય તારા નામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો
હાથમા લઈને કલમ તું આવજે
શબ્દને શેઢે ગઝલ તું વાવજે

કૂંપળો જંગલ થવા ઇચ્છે ઘણું
એટલું સહેલું નથી, સમજાવજે

મેં નિભાવી દોસ્તી નખશિખ, લે
દુશ્મનીમાં પણ મને અજમાવજે

જીંદગી અઘરી નથી સળગાવવી
જો બને તો કોક’દિ પ્રગટાવજે

જેમનો પામ્યો નથી ટેકો કદી
લાશ થઈને એમને શરમાવજે

5.6.10

એક મુઠ્ઠીમાં હતું કંઈ રણ સમુ
મૃગજળે તરબોળ, કોરાં કણ સમુ

હું સમયને સાચવી બેઠો છતાં
હાથમાંથી જાય છટકી ક્ષણ સમુ

તીર પર સુતાં તો સુવાઈ ગયું
આકરૂં લાગે હવે એ, પ્રણ સમુ

મીણબત્તી શી હતી આ જીદગી
ઓલવાતું જાય આખું જણ સમુ

આપનું ઇનકારવું, આ દિલ ઉપર
ના કદી રૂઝાય એવું વ્રણ સમુ

એટલું ચોક્કસ પણે સમજી ગયો
ક્યાંય પણ નહોતું હવે સમજણ સમુ

શુષ્ક ચહેરાની કરચલી પાર જો
કો’ક ડોકાતું હશે બચપણ સમુ

સાવ મોઢાં મોઢ તમને કહી શકે
કોઈ એવું રાખજો દર્પણ સમુ

3.6.10

પહેલો વરસાદ-૨

કેવા મઘમઘતાં ભાણાઓ પહેલા વરસાદમાં પરોસો
જાણે ધગધગતાં તાવા પર છમ્મ કરે ઐયરનો ઢોસો

પાછાં છબછબીયા, છાંટા, ને ગારો કીચડ બધાં ખૂંદે
ખીલે થનગનતાં બાળ, અરે બાકી રહે ના કોઈ ડોસો

ઓલ્યા સણસણતાં શેઢાના ભીનાપા સાદ ફરી પાડે
હાલો ખળખળતાં ખેતર જઈ, કાછડીને કમ્મરમાં ખોસો

તારી લથબથ આ કાયાથી નિતરતાં એક એક ટીંપે
મારી મનગમતી વાત કરી મારી લઉં સહેજ તને ઠોંસો

ઝીણી ઝરમરતી મસ્તીમાં એક વાર જાત ને ઝબોળો
સાલી બળબળતી આખી આ જીંદગીનો કાંઈ ના ભરોસો

2.6.10

પહેલો વરસાદ

તીર, મુશળધાર નામે વાદળો તાક્યા કરે
શુષ્ક નાભિ પર ધરાની, છેક ટકરાયા કરે
કસ્તુરી વિંધાઈ જાણે તીરના એ વારથી
એમ ભીની ને મદીલી ખુશબુઓ આવ્યા કરે