6.6.10

મોરપિચ્છ મુંઝાતું, ચેહેરો દેખું ક્યાં ઘનશ્યામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

વાંસલડી ની ઇર્ષ્યા કરતું
ક્રોધ થકી આખું ફરફરતું
હોઠ રતુંબલ સ્પર્શી, ફેરો ફળતો ચારે ધામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

રધાના નયનોમાં શામળ
રંગ-રસિયાનો આંજે કાજળ
રાસ રમે હર ગોપી, બાકી રહેતો ના કોઈ ગામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

પનિહારીમાં ગોતું તમને
ગોધૂલીના પુછું કણને
છાશ વલોણું, ઘમ્મર થઈને, ઝંખુ પગરવ શ્યામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

યમુના જળના કાલિ બનશું
મીરાને ઘુંઘર રણઝણશું
નરસીની કરતાલે કરશું જય જય તારા નામનો
મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

No comments: