31.1.11

શર્દુલ વિક્રિડીત...એક પ્રયોગ

ઉગે છે ડાળી ઉપર અવનવુ, આ જીંદગીના વૃક્ષ પર
કંટક હો, કૂંપળ કદી, ફળ ફુલો, પર્ણો લીલા ઉમ્રભર

સંજોગો ભજવે ઘણા પટ પરે, દ્રષ્યો રૂડાં, ધૂંધળા
કિંતુ તારો મ્હાયલો ખુદનો તને, કહેતો સદા એ જ કર

શીતળ રણના ઘૂંટ પી, શશી સહ, પ્યાલો ભરી ચાંદની
ના કરજે રવિ સંગ તું ભરોસો, દિવસે કદી મૃગજળ ઉપર

સંબંધોનાં શહેરમાં જઈ ચડી, ભૂલા પડો જો કદી
કેડી નામે લાગણી પર જજો, પહોંચી જશો છેક ઘર

તારૂં છે કોઈ સતત અહીં સદા, લાગ્યા કરે પણ ભલા
જેમા પોતિકાપણુ મળે ઘણું, અંતે હશે તારી કબર

30.1.11

પ્રેમનો કક્કો અને બારાખડી
એક તારી આંખમાં અમને જડી

વેદની ઋચા હતી બે ઓષ્ટ પર
ચૂમતા સાથે ખબર અમને પડી

ભાગ્યના સમદર સમા બે હાથમાં
નીકળ્યો પુરૂષાર્થની લઈ નાવડી

આપણા "મિ. લોર્ડ" ને "ઓર્ડર" ઉપર
કેવડી બેઠી અદાલત છે વડી

એક બીજાને સતત અળગા કરી
રાખતી’તી એક ધૃણાની કડી

ત્રણના સહયોગથી શબરી બનો
રાહ જોતો હાથ, ને બે આંખડી

જાત મુશ્કેટાટ બંધાવી, છુટ્યા
લોક એને નામ દેતા ઠાઠડી

દિવ્યતાની ભવ્યતા એવી હતી
કે મઝારો પણ પડે છે સાંકડી

26.1.11

હજી એક પિંછુ તરે છે હવામાં
સતત કોઈ પંખી સમુ ખોજવામાં

નથી જીરવાતું નિરોગીપણું આ
જરા દર્દ નાખો અમારી દવામાં

નગર આખું બહેરાશ પી ને સુતું છે
કસર ના કરી, ઢોલ મેં પીટવામાં

જમાનાની થોડી અસર થઈ ગઈ છે
ખુદા, ક્યાં રીઝાતો તું ઠાલી દુવામાં

હતા એટલા શ્વાસ ખરચી ચૂક્યો છું
કબરના ઈલાકા સુધી પહોંચવામાં

17.1.11

ઢળતાં ઢળતાં ઢાળ બન્યો છું
ઉથલાવાનુ આળ બન્યો છું

લાખો યત્નો કીધાં ત્યારે
ગુંથાયેલી ઝાળ બન્યો છું

બચપણ સાલુ બહુ ગોઠે છે
સેડાળી છો, ચાળ બન્યો છું

સીધા સાદા શબ્દો જેવો
સુરત પહોંચી ગાળ બન્યો છું..!!

તબડક ઘોડે ચાલ સમયની
કચડાયેલી નાળ બન્યો છું

સઘળા કાળે જીવતા અંતે
સાદો હું ભુતકાળ બન્યો છું


14.1.11

શાહમૃગોનુ માથું રણમાં
અટકળ નામે સો સો કણમાં

દર્પણમાં દિસતો, જેવો છે
અમથો અમથો ચૂંટી ખણમાં

રાતે બાકી રહી ગઈ’તી એ
ભટકે છે વાતો પાંપણમાં

મિત્રોથી ઝાઝા હંમેશા
દુશ્મન છે, વેઢે તું ગણ માં

ના દેવું બહેતર છે, સામે
પ્રશ્નો ઉઠતાં જે કારણમાં

બે ગજ ધરતી માટે અંતે
લ્યો મુકુ ખુદને થાપણમાં
સવારના પહોરમા મારા કવિ મિત્ર ડો.ગુરૂદત્તનો
એક હાઈકૂ લખેલ એસ.એમ.એસ. આવ્યો....

હાલને ભેરૂ
જા ની વા લી પી ના રા
ની પેલે પાર....

પછી થયું ચા....લો આજે હાઈકૂના થોડા પેચ લગાવીએ...
વચ્ચે કોઈએ લંગર લડાવવા હોય તો છૂટ છે....

પાંચ સાત ને
પાંચ ફરીથી લખી
બને હાઈકૂ...

પતંગ મારો
ઉડે , ને દોરી તારા
હાથમાં પ્રિયે

શીંગ દાળીયા
ગોળ ગોળ રમતાં
દાંતોએ ચોંટ્યા

પેચ લગાવું
પતંગ કરતાયે
આંખો સાથે, હું

કેટલાકનો
નીકળી જાતો દિન
કાઢતાં ગુંચો

તમે અમારા
આભ સરીખા, અમે
પતંગો ઘેલી

આજ કેટલી
સગાઈ થાશે નક્કી
અગાસીએથી

શ્વાસ તણી આ
દોરી જોને પતંગ
મારો ચગવે...

બસ બસ હવે હાઉં કરૂં...લંગર નાખજો....
ડો. જગદીપ

12.1.11

ચૂમતો ધરતી તને સુરજ, સમી સાંજે સદા
તોય શરમાતો, થઈ ને લાલ એ, વાહ રે અદા..!!

ડોકીયું કરતો સતત બારી મહીં અન્યોન્યની
આયના નામે જરા બારી નિરખજે એકદા

સાવ અવગણતા તમે સાકીને, શેં ચાલે ખુદા..?
જેટલી મસ્જીદ નગરમાં, એટલા છે મૈકદા..

મૃગજળે જે વૃક્ષ સિંચાયું, તમે એની તળે
ગ્યાન દીધું હાંફતા હરણોનું , દેવી શારદા

જીંદગી ચૂકવી, અમે માંગી લીધી’તી જે કબર
સંગમરમરની ભલે, પણ છે ઘણીએ આપદા

9.1.11


દુનિયાના આકાશે ઉડતાં આપણ સૌ પતંગ રે
નાના મોટા રંગબીરંગી જેવો જેનો રંગ રે

.
કોઈની દોરી ટૂંકી, કોઈની લાંબી જેવા ભાગ રે
કો’ આંબે આકાશે, કોઈની ઠુમકીઓ બેઢંગ રે

.
એક બીજાની હુંસા તુંસી, કાઇપો કાઇપો થાય રે
ખેંચ ખેંચમાં વીટવું ભુલતા, ગુંચળામાં સહુ તંગ રે

.
એક ઉડે ગંભીર સ્થિર થઈ, એક ફુદકતો જાય રે
સ્થિત પ્રગ્નને વંદી સઘળા, રહેતા કાયમ દંગ રે

.
ક્યાંક ફાંટવું, સહેજ તુટવું, જીવનની ઘટમાળ રે
લાગણીઓની લુબ્દી મારો, ઘાવ ભરેલા અંગ રે

.
સાંજ પડે ને વહેલુ મોડું, છે જ કપાવું પંડ રે
કોઈ ઝાંખરે, ઉડવા પાછું, કોઈ અલખને સંગ રે

7.1.11

સમાધાન થોડું કરો કંટકોથી
પછી મહેકશે જીદગી ખુશ્બુઓથી

તને એનો અંદાઝ પણ હોય ક્યાંથી
ઝખમ વણ ઉકેલ્યા મળ્યા દોસ્તોથી

ખુદ્દા વાત થાશે તમારી, એ ડરથી
રહું સહેજ છેટો હવે મસ્જિદોથી

તમે જો પ્રતિબિંબ થઈને જ આવો
ચરણ હું પખાળું નર્યા મૃગજળોથી

પ્રથમ વાર પહોંચ્યો કબરની લગોલગ
રહ્યો આજીવન દુર હું મંઝિલોથી

3.1.11

ઝુલણા છંદ...( જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા...)


શબ્દના અવનવા અર્થ વાઢી અમે ખેતરે ઝુલણા છંદ વાવ્યા
ને રજુઆતને દાદ સીંચી તમે, લ્યો ગઝલને પછી ફુલ આવ્યા

ગીત, મુક્તક, ગઝલથી લચ્યા વૃક્ષ પણ, મહેફિલે હાથ ના કોઈ ઝાલે
નામ શબરી તણા બોરનુ આપતા શેર મારા બધાને જ ભાવ્યા

મેઘલી રાતમા હાથ સળગાવતો, કાફીઆ ને રદીફ રાસ રમતાં
જેહ ખોવાઈ’તી નથ જડી ગઈ મને, ગીત વૃંદાવની તેં લખાવ્યા

એક હુંડી લખી નામ તારે હરી, ધામ અક્ષર, ધરી હાથ લેજો
કર્મ મારૂં હતું, મર્મ તારો, કહી વ્હાણ વિશ્વાસના મેં વહાવ્યાં

શ્વાસ ને મોહની કેદમાં હું સતત, કેમ કેદાર ગાવો અમારે
શિશ ઝુક્યું, પડે હાર તારો ગળે, એમ મક્તા થકી અંત લાવ્યા

૨૦૧૦ નો યાદગાર પ્રસંગ
આ વર્ષનો છેલ્લો દર્દી.....

૩૧મીના રાત્રિના શીર્ડી દર્શન કરી મુંબઈ
ટ્રેઈનના એ.સી. કોચમાં પાછા ફરતાં રાતે
૧૧ ને ૩૦ મિનિટે સુતો હતો ત્યાં ટી.ટી. સાથે
અમુક લોકો ચર્ચા કરતા હતા તે મારા કાને
પડતાં હું ઉઠી ગયો.....
ચેઈન ખીંચો....
દાકતર કો બુલવા કે રખ્ખો....
બહુત બેચેની હોતી હૈ.....
હાર્ટ એટેક હી લગતા હૈ....
દોનો બુઝુર્ગ અકેલે હી હૈ....
વિગેરે સંવાદો સાંભળી હું ત્યાં પહોંચ્યો..
લીસ્ટમે સે કોઇ દાકતર ઢૂંઢો....કોઈ બોલ્યું...
મેં હી ડોક્ટર હું...મેં કહ્યું અને ચાર ડબ્બા આગળ
મને લોકો લઈ ગયા...૭૦ વર્ષની આસ પાસના
દંપતિ માના માજીને છાતીમાં સખત દુ:ખાવો
થતો હતો.....ડાયાબીટીસ અને બી.પી. બન્નેના દર્દી હતા...
દવા કોઈ પણ ભેગી નહોતી.....મારી પાસે મારા હાથ અને
અનુભવ સિવાય કશું જ નહોતું..માજી ને તપાસીને બહુ
સહેલાઈથી જણાતું હતું કે માજીને સીવીયર એન્જાઈનલ
પેઈન હતું.....હાર્ટ એટેક પણ હોઇ શકે...ગાડી પુણે થી
૪૦ મિનિટની દૂરી પર હતી...તુર્તજ મે આસપાસના લોકો જે
પોતાની દવાઓ લેતા હોય તે મને બતાવવા જણાવ્યું....
જાણે અક્ષય પાત્રો ચારે તરફથી મને ઘેરી વળ્યા હોય
એમ પોતપોતાની દવાના ડબ્બા, ખોખા. સ્ટ્રીપ્સ વિગેરે
મારી આગળ ધરી દીધાં...અને માજીના નસીબ કહો
કે તેમની ઉપર સાંઈની કૃપા કહો કે આજુબાજુના લોકોની
સહાનુભુતિ કહો કે મારા નસીબ કહો પણ....જરૂરી એવી
૬ કે સાત પ્રકારની દવાઓ બધા "જીવન પાત્રોમાં" થી મને
મળી રહી.....માજીને ૧૦ મિનિટમાંજ રાહત થઈ ગઈ અને ૪૫
મિનિટ પછી પુણે આવતાં ડો. આવી ગયા અને માજીને વધુ નિદાન અને
સારવાર માટે ઉતારી લીધાં.....વૃધ્ધ બુઝુર્ગે મારી પાસે આવી અને
મારો હાથ દાબી કશુંજ બોલ્યા વગર મારી સામે જોયું
તે આજે પણ ભુલાય તેમ નથી....કારણ તેની આભારવશ
આંખોમાં મે એજ કરૂણા અને આશિર્વાદના ભાવ જોયા જે
હું સાંઈની મુર્તિમાં જોઈને આવ્યો હતો.....મે એનામાં સાઈ જોયા કે તેણે
મારામાં સાઈ જોયા તે તો સાઈ જ જાણે......પણ મારૂં નવું વરસ
અનોખી રીતે ઉજવાય ગયું......
ચાલો આપ સહુને પણ નવા વર્ષની શુભકામનાઓ...

2.1.11

મિત્રો,
એક અઠવાડીયા માટે મુંબાઈની યાત્રા
અને શીરડી સાંઈબાબાની જાતરા કરી આવ્યો....
શીરડીના અલૌકિક વાતાવરણમાં સુઝી આવેલી
રચનાઓ એક પછી એક પેશ કરીશ......
ખાસ વાત.....સામાન્ય રીતે હર વર્ષ હું શીરડી
૧૯૬૮ની સાલથી જાઉં છું....અને દરેક વખતે
આપણા ગુજરાતીઓ ની સંખ્યા કુદકે ને ભુસકે
વધતી જતી જોતો હોઉં છું.....એટલી હદે કે ૩૦ થી
૪૦ ટકા ગાડીઓ ગુજરાતની હોય છે....પણ....
આ વખતે ક્રિસ્ટમસ અને ન્યૂ યર ના દિવસો
દરમિયાન તમે નહી માનો પણ સમ ખાવા બે થી
ત્રણ ગાડીઓ ગુજરાતમાથી જોઈ અને રડ્યા ખડ્યા
ગુજરાતીઓ દેખાયા.......ખબર નહી કેમ..??
કદાચ "રેલમ છેલ" છબીલો ગુજરાતી...!!!!
ખેર બાબાની પવિત્ર જગ્યાએથી સ્ફુરેલી પહેલી
રચના.....

ભીડમાં ભરચ્ચક ભરી ભક્તિ હતી
સાંઈ તારા નામની શક્તિ હતી

કોઈ ગેબી હાથ આજે સેંકડો
દિલ તણી રજુઆતને લખતી હતી

શિશ ચરણોમાં ઝુકાવી નીકળ્યા
હર લલાટે સંતની તકતી હતી

એક શ્રધ્ધા ને સબૂરી પર જુઓ
કેટલી આકાંક્ષા ટકતી હતી

જે ફકીરી લાકડે પ્રગટી હતી
આજ સોના મહોરથી ધખતી હતી

પાર કરવા આજ ભવસાગર હવે
એક "બાબા" નામની કશ્તિ હતી
આયને ચહેરો ઉતારી આવ તું
ને પછી મન આપણા સરખાવ તું
રે..! કિનારે પથ્થરો તો સૌ બને
એક પરપોટો બની બતલાવ તું
સાત દરિયા પાર કરનારા, થશે
બે જ ઘુંટે જામમાં ગરકાવ તું
દે ખુદા મરહમ સરીખો હમસફર
તે પછી દેજે સફરમાં ઘાવ તું
માંડ શમતાં લાગણીના પૂર જ્યાં
ત્યાંજ પાલવ રેશમી સરકાવ તું
જીંદગી આખી છુપાયો તું, હવે
હું છુપાયો કબ્રમાં, દે દાવ તું