31.3.12

શબ્દને બોળી જુઓ
જામમાં ઘોળી જુઓ

મૌનને ખોલી જરા
હોઠ પર તોળી જુઓ

નામ અફવાનું દઈ
વાત ફંગોળી જુઓ

શાંત પાણી પ્રેમના
સંશયે ડહોળી જુઓ

જાગતાં સુનારને
સહેજ ઢંઢોળી જુઓ

29.3.12

છલનાનું સરનામુ પુછો દર્પણને
મૃગજળનું પુછી લીધું છે કણકણને

ચહેરાની કરચલ્લી ઉપર ના જાશો
મ્હોરૂં મેં પહેરાવ્યું છે એક બચપણને

ગીતા પર મુકતા પહેલા એ હાથોની
સમજાવી દીધી લાગે છે, સમજણને

ઉગતો છું, ગઝલો વાંચીને મહેફિલમાં
દાદોના હાકોટા માનુ, ચણભણને

ઘટનાની માળા ફેરવતો હાથોમાં
જીવતો હું તારી ને મારી ક્ષણક્ષણને

શ્વાસોના તાણા વાણાને તોડીને
છોડાવો આ જીવતર જેવા વળગણને

28.3.12

હજી સહેજ પરબિડીયુ ખોલતો જ્યાં
ખબર નહીં આ મન ઉડતું આભમાં ક્યાં

ઘરે ટોડલા પર હશે ધૂળના થર
રજે રજમાં બચપણ ગુજાર્યું મળે ત્યાં

હશે મેં જ ખેંચેલી લક્ષ્મણની રેખા
કદાચિત તમોને એ રેખાએ રોક્યા

તમે સ્વપ્નનું રૂપ લઈને વિહરતા
અમે આંખ ખુલ્લીએ હર રાત ઝંખ્યા

26.3.12

વૃક્ષોની પીડાઓ લઈને પાન ખરે છે
કૂંપળ ઉપર મોટેરો અહેસાન કરે છે

ફુલોને તો આપવિતી કહેવી’તી, કિંતુ
ઉપરછલ્લો પતંગિયાઓ કાન ધરે છે

મૈકશ મળતા એવું ભાસે જાણે, સાકી
બેઈમાનોની પ્યાલીમાં ઈમાન ભરે છે

ખુલ્લી રાખો સાંકળ, ક્યારે નીકળી જાશે
જીવતર નામે સૌ સૌને મહેમાન, ઘરે છે

પથ્થર થા, કે પથ્થર વચ્ચે હોવા જેવું
ઈશ્વર અલ્લા નામે ક્યાં ઈન્સાન ડરે છે..?

25.3.12

તરસની હતી ચોતરફ બોલબાલા
ન સાકી, મદિરા ન છલકાતાં પ્યાલા

ચરણ તો સતત પંથ કાપ્યા કરે છે
તમે વેડફો છો દિવસ રાત ઠાલાં

તમારા જ પડઘા પડે છે નિરંતર
ચલાવો છતાં મૌનની પાઠશાલા..!!

કરૂં કેમ સાબિત તમોને હું કાતિલ
નજરથી ચલાવો તમે તીર ભાલા

નશો દુશ્મનીનો ચડ્યો દોસ્ત તારી
ખબરદાર, ઉચ્ચારતાં શબ્દ "વ્હાલા"

24.3.12

ક્ષણ ક્ષણના સરવાળા કરતા શેષ વધે, એ ઘટના
ઘટનાઓ જે જીવતરમાંથી બાદ થતી, એ સપના

તૃષ્ણા નામે સરવર છલકે મૃગજળથી, એ ભ્રમણા
દર્પણમાથી આખે આખી બહાર ઝરે તે છલના

મયખાને વ્યવહારો ચાલે સુખદુ:ખના મૈકશના
મસ્જિદમાં સૌ ખુદને કાજે આવે શું એ ખપના।?

શ્વાસોની પગથારે ચાલો વાટ હવે ગઈ ખુટી
અજવાળી પાંખોએ ફરશું ફેરાઓ ભવભવનાં

અમથો વાલમ આંટો દેજો, વ્હાલપની નગરીમાં
રસ્તા મહેકે લાગણીઓના ગુલમહોરે રગરગના
ડો. નાણાવટી

22.3.12

ઢળે સુરજ, ને પડછાયો મારો લંબાતો
અડી ક્ષિતીજને, માઝમ રાતો થઈ પડઘાતો

હજી તમારા હાથોને સ્પર્શું છું ત્યાં તો
વગર પૂનમનો હૂંફાળો દરિયો ઘુઘવાતો

અમે તમારા પાને પાના વાંચી જાતાં
તમે અમારા કાગળને જોતા અછડાતો

ભલે નુપૂર ના પહેરો અરધી રાતે તો પણ
મને દબાતાં પગલે પણ પગરવ સંભળાતો

વિતે, હ્રદયમાં વસવા સહુના, જીવતર આખું
જરાક અમથી કાંડીએ માનવ વિસરાતો

ડો. નાણાવટી ૨૨-૩-૧૨

20.3.12

આપણાં સંબંધના સોગન, હવે
"ગાંઠમાં બંધાઈ જાવું પાલવે"

પાંખડી પણ સાવ પાખંડી હતી
બે ઘડી પણ ઓસનું ન સાચવે

બે’ક પ્યાલી ઠાલવી મૈકશ બધાં
પોતપોતાની વ્યથાઓ ઠાલવે

આખરે, ઈર્શાદ પરણાવે, રદિફ
કાફિયા સાથે, ગઝલને માંડવે

લાશને સળગાવવામાં સૌ સગા
સહેજ પણ સૌજન્યતા ન દાખવે

ડો. નાણાવટી ૨૦-૩-૧૨

13.3.12

WORLD SPARROW DAY

દાળ ચોખાના દાણા પુછે, ચકલી ક્યાં છે ?
ઘરનાં ખૂણે ખૂણા પુછે, ચકલી ક્યાં છે ?

સિમેંટની સંસ્કૃતિ નીચે કચડાયેલા
સુક્કા તરણે તરણા પુછે, ચકલી ક્યાં છે ?

પીઢીયા, પંખા, ફોટાના પછવાડાં, કાંધી
તુટેલા સાવરણા પુછે, ચકલી ક્યાં છે ?

સાંજ સમેનો ચીં ચીં નો કલરવ સંભારી
વૃક્ષો થઈ નીમાણા પુછે, ચકલી ક્યાં છે ?

શીલા, મુન્ની, છમ્મક છલ્લે ગુંગળાયેલા
બચપણના સૌ ગાણા પુછે, ચકલી ક્યાં છે ?

ભામાશાએ ઠલવી દીધું આભ, છતાંયે
રાણા જેવા રાણા પુછે, ચકલી ક્યાં છે ?
ડો. નાણાવટી..૧૩-૨-૧૨

6.3.12

૭૦૦મી રચના..૭૦૦મી રચના

મિત્રો..તમારા બધાની શુભેચ્છા
અને સાથ લઈને આજે આ હોળીના
શુભ અવસર પર આજે મારા
સ્વરચિત રચનાઓના બ્લોગ પર
૭૦૦ મી હા..૭૦૦ મી રચના મુકી રહ્યો
છું.....આભાર....

ઓણુકી હોળી......

અમે નીંદરડી ગામે ગિયાતાં
તીંયા શમણાના રંગે રંગાતા

નથી પિચકારી, ડોલ કે ઘડુલા
નરી લાગણીથી લથ બથ ભિંજાતા

જરી મુઠ્ઠી ગુલાલ અંગ છાંટ્યો
ત્યાં તો પાલવની પ્રિતે બંધાતા

તમે રમઝટની હોળી પ્રગટાવી
અમે સળગેલા હાથે ઉભાતાં

બધા મસ્તીને માંચડે ચડીને
પછી કોલોવરી કોલોવરી ગાતાં

ભરી કેસરીયા કેસુડાં પ્યાલે
નર્યા ફાગણ ને ચૈતર પીધાતાં
તમે ઝુલતાં સુર્ય કિરણોની શાખે
અમે સાવ ઝાકળ સમા ફુલ પાંખે

હતું સિર્ફ પલડું અમારા તરફનું
છતા તીર વિંધી પ્રણય મત્સ્ય નાખે

કચડવાની બદલે તું મુઠ્ઠીમાં સઘળા
નિરર્થક હથેળીએ સંજોગ ભાખે

ગમે ત્યારે શમણામાં આવી શકો છો
સુવું એટલે સહેજ અધખુલ્લી આંખે

જવું ક્યાં કદી આપણે ચાલતા ત્યાં
ભલેને કબર આપણી દૂર રાખે

1.3.12

અમે શબ્દ નગરીના સૌથી તવંગર
ધૂરંધર અમોને કહે છે પયંબર

કળી જાવ ઉંડાણ અશ્રુ તણું જો
પછી છીછરો સાવ લાગે સમંદર

લઈ વૃક્ષ દિક્ષા ઉભું પાનખરની
ઉઘાડું, સુકાયેલ જાણે દિગંબર

હજુયે નશો આંખમાં છે વિજયનો
ગઈ રાત વાંચ્યો હતો મેં સિકંદર

હતી એક સાકી, ને મૈકષ છે અઢળક
ભરાશે હવે મૈકદે પણ સ્વયંવર

અલખને ઉતારે મુકો શ્વાસ બે પળ
સફર ચાલતી આમ રહેશે નિરંતર
ડો.નણાવટી.....૨-૩-૧૨
હરણને જરા અમથું પાણી પીવાડો
હવે ક્યાં સુધી ઝાંઝવાએ જીવાડો

પ્રતિબિંબ તારા ને મારાની વચ્ચે
દુભાયેલ છે લાગણીની તિરાડો

પ્રવેશી શક્યો ના સદન મૌન કેરૂં
શબદના નથી બારણા કે કિવાડો

વણાતી નથી ચાદરો સિર્ફ તાણે
હશે કોઈ વાણો તમારોયે આડો

ફુટે માટલી સાવ પાકીને સૌની
અજબનો છે આ જીંદગીનો નિંભાડો
ડો. નાણાવટી ૧-૩-૧૨