30.10.12


વિશ્વની (મારા દ્વારા લખાયેલી) સૌ પ્રથમ
ફૂ....લ....લેન્ગ્થ ........હાંફ ..ગઝલ..!!!:) :) :) :)

રણની તપતી રેતી માથે માથું મૂકી, મૃગજળના શમણા જોવાને સહુ કોઈ દોડે
એમજ માનવ, મૃત્યુનો છેડો કળવાને જીવતરના શ્વાસોની સાથે શ્વાસો જોડે

ભીની ભીની માટીનાં કણ ઝંખે છે એક આઘેરી કૂંપળનો કુમળો ઓછાયો પણ
ખખ્ખડધજ વડની વડવાયુ  ચારે બાજુ ખરબચડા વ્હાણાની વરવી ખાંભી ખોડે

ઘૂઘવતા દરિયાને કહેજો, મોજાનાં અસવારો આવે હળવે હળવે તટની ઉપર
પરપોટાની નગરીનો ફોદાનો માણસ ફૂટટી જાશે ધલવલતા તોફાની ઘોડે 

વાદળિયા આકાશે હસતા, સુરજને ખિસ્સામાં મૂકી કીધું કે કાલે આવુ છું 
ચોમાસાનાં સોગન દઈને ઉનાળાએ પગમાં પડતાં માગ્યું કે ભેરુ ને છોડે 

અગ્નિની સાખે ગંગાજળ મોઢામાં મુકીને વીરલો ચાલ્યો'તો  નવલા પરદેશે
પાછળ રહી ગ્યા લોકો વચ્ચે જગજગતા ભાલે કોઈ એને મૃત્યુ નામે તિલક ચોડે 

29.10.12


ભીતરે જે વિસ્તર્યું 
આંખમાંથી એ સર્યું 

ગમ, વિરહ, તન્હાઈયા
જામમાં શું શું ભર્યું

આભને હંફાવવા 
પાંખથી પીછું ખર્યું

નામ, તવ દિલ પર લખી
મેં શીલાલેખું કર્યું

જૂઠનાં ઓઠા તળે 
સત્ય પણ નાગું ઠર્યું 

26.10.12


મતદારો જોગ.....
આ વેળા તું મત દેજે
સારપને હિંમત દેજે

પરબીડીયામાં બંધ નહિ
ખુલ્લમ ખુલ્લો ખત દેજે

ભરમાંળી કોઈ વાતો નાં
સુફિયાણી સંગત દેજે

ક્યાં લગ રામ ભરોસે રે
એને પણ રાહત દેજે

સુતેલા જે દોખજ્માં
શમણામાં જન્નત દેજે

સઘળી પોકળતા ખોલી
સાચાને ઈજ્જત દેજે

પથ્થર પર કંડારીને
લખવાનું કે જત, દેજે

25.10.12


ક્યાંક હું મીરાં તણા તંબૂરનો એક તાર છું
ક્યાંક હું પીંછાં સમો શિરે મુગટનો ભાર છું

ક્યાંક હું સાતે લાગામે સારથિ અસવાર છું
ક્યાંક હું ગાંડીવથી નીકળ્યો અચૂકે વાર છું

ક્યાંક હું ભક્તિ સભર ચાદર વણે એ શાળ છું
ક્યાંક હું આકાશથી ડોકે પડેલો હાર છું

ક્યાંક હું પુરુશોત્તમે વિજયી કર્યો સંહાર છું
ક્યાંક હું સ્તંભે જડેલો પ્રેમનો અવતાર છું

ક્યાંક હું દામોદરે વાગી રહી કરતાલ છું
ક્યાંક હું પકડી કલમ, શાયર મનોજે યાર છું

એકેક તારી યાદને ઠાંસી, ભરી અમે
ને પૂછ તું હવે કે ભલા કોણ છો તમે.?

મુઠ્ઠીયે હજુ બંધ છે, ને શ્વાસ પણ પ્રથમ
કહી દો ખુદાને કાલથી બાજી બધી રમે

પહેલા લહેર ઉગમણી જતી આપની ગલી
અપમાન આખો બાગ સરેઆમ શેં ખમે..?

જે ભોગવી રહ્યા છીએ એ આપણી નથી
દેવાની ભૂલ પાંસળી, કીધી'તી આદમે...!!

રણમાં અફાટ ઉંઘના, શમણાના મૃગજળે
ખોબો ભર્યો ત્યાં કોઈ જગાડ્યો નરાધમે

બાંધી ને મુશ્કેટાટ , લઇ નામ રામનું
બેબસ કરી દીધો'તો મને આખી આલમે 

24.10.12


જાત બાવળ પર લાગણીનું ફૂલ..!!
કોણ કાંટાને કહી ગ્યું કે ખુલ..??

એક મુઠ્ઠીની છોડી દે આશ 
હાથ રેખાઓ તારી, તાંદુલ

ક્યાંક અવસરનો નક્કી અણસાર
આજ લટકાવી આંખોએ ઝૂલ

સ્હેજ પરવાને ચાહ્યો આગોશ
ત્યાંજ થઇ ગઈ'તી શામ્માથી ભૂલ 

સાવ સરગમના સુક્કા રે પાન 
ડાળ ઝંખે છે પાછી બુલબુલ 

20.10.12


એકનો બમણો બની, પડઘો હંમેશા ચીખતો
આમ ધંધો મૌન સામે ચાલતો બહુ ધીકતો 

હું અને પ્રતિબિંબ, કાયમ ખેલતાં ચોપાટને
હું કદી'ક હારી જતો, પણ "હું" સદાયે જીતતો

રાતના એ વાણિયાથી કમ નથી હોતો કદી
આગિયો, તડકો બધાને વ્યાજ ઉપર ધીરતો 

ના મને વરદાન છે હિરણ્યકાશીપુ તણું 
રે સમય, સંજોગના ન્હોરે ગમે ત્યાં ચીરતો 

તોડજે દીવાલ, પણ બારી સલામત રાખજે
પ્રેમના પ્રકરણ બધાયે ત્યાંજથી તો શીખતો 

જિંદગી તો એ જ બાવન પાનની છે થોકડી
બસ ખુદા હર શખ્સની બાજી જરાસી ચીપતો...

14.10.12

લાગણીનુ, "આંખ", સરનામુ હતું
અશ્રુઓ વિણ સાવ નક્કામુ હતું

છળકપટ સરેઆમ થાતું રૂબરૂ
આયને પ્રતિબિંબ જો, સામુ હતું

માંડ લાગ્યુ હાથ એક પરબિડીયું
કમનસીબે એ ય નન્નામુ હતું

જે હતું ચિતરેલ જમણા હાથમાં
એ ઉધારેલુ બધું નામુ હતું

મોત યાને સાવ નાનકડું, ક્ષણિક
શ્વાસ છેલાઓનું હંગામુ હતું

13.10.12

છેક નાની ભૂલ પણ સ્વિકાર કર
ક્યાંક ડોકાતા અહમ પર વાર કર

હું પણુ હુલ્લડ બની ફેલાય છે
જ્યાં તને દેખાય ત્યાં તું ઠાર કર

બે ચરણ, ને દોસ્ત ત્રીજો હો પછી
હાથ રાખીને ખભે, શ્રીકાર કર

દુશ્મની નિભાવવા કરતા હવે
તું સબંધો, દો દુની ને ચાર કર

જીંદગી, તુ મોતના ડરથી જિવ્યો
એટલો તો આખરે ઇકરાર કર...

11.10.12


હું જ મારું મન કળી શકતો નથી 
છું બરફ, કિન્તુ ગળી શકતો નથી

આયખું દર્પણ સમું વિત્યું છતાં
બિમ્બની માફક છળી શકતો નથી

એકધારો, હું સમયનું ત્રાજવું
કોઈ પણ બાજુ ઢળી શકતો નથી

કમનસીબે હું જ એ પડઘો હતો
જે કદી પાછો વળી શકતો નથી

એક પગ મેં જ્યાં ઉપાડ્યો, ત્યાં મને
ધ્રૂવ કહી દેતા, ચળી શકતો નથી

પ્રેમથી મુક્યો ચિતા પર, પણ હતો
પ્રિતનો દાઝ્યો, બળી શકતો નથી

10.10.12

કોઈ બી વાવ્યા વિના વટવૃક્ષ કર, એ વ્હેમ છે
વૃક્ષ વિણ છાયા સતત આપ્યા કરો, એ પ્રેમ છે
 
પ્રિતના ચશ્મા ચડાવુ, તોય ના દેખાય તું
બારીઓ ચોરસ તમારી, ગોળ મારી ફ્રેમ છે
 
કેમ છો? પુછો, ને પડઘો કાનમા પાછો ફરી
એટલુ કહી જાય કે ભેખડ કુશળ ને ક્ષેમ છે
વાદળોની ગાંસડી દઈ, મેળવો ફોરાં પરત
આમ ચોમાસું ફકત એક આપલે ની ગેમ છે
આશ નહી, કોઈ ખાસ નહી, અહેસાસ નહી કે શ્વાસ નહી
આલમે તારી મઝારે એ ખુદા બહુ રહેમ છે

9.10.12

શ્વાસને ટેકે ગુઝારી જીંદગી
લાગતી કેવી અકારી જીંદગી
મિત્ર થઈ ચાલે સફરમાં, હમસફર
હાથમાં લઈને કટારી, જીંદગી
છે શકુની ચોતરફ સંજોગના
દાવમાં સહુએ લગાવી જીંદગી
જ્યાં ફળી, ત્યાં બા અદબ પૂજાય છે
ના પચી ત્યાં છે નઠારી જીંદગી
સાંકડા સંબંધની ગલીઓ મહી
ક્યાંક અટવાતી બિચારી જીંદગી
એ ગમે, કે ના ગમે પણ સત્ય છે
મોત સુધીની સવારી જીંદગી

8.10.12

જ્યાં અમે કપરી ક્ષણો વાવી હતી
ત્યાં ફસલ, સંજોગની આવી હતી
 
રાતભરની વેદના કાળી સહી
ફુલ પર સંવેદના સ્ત્રાવી હશે
 
સાવ બોખે મ્હો, ફકત શ્રધ્ધા થકી
વણફળી ઇચ્છા સતત ચાવી હતી
 
હાથ લંબાવ્યો હતો પીવા અમે
ને ખુદા, તેં પ્યાસ પકડાવી હતી
 
જીંદગીની શેરીઓ પુરી કરી
મોતની સાંકળ મેં ખખડાવી હતી

7.10.12


દસે આંગળી ઓછી પડતી
બધી લાલસા વેઢે સડતી

કહી સ્પર્શનો પર્વત અમને, 
બની ટેરવું, ક્યાં ક્યાં અડતી

પ્રભુ તુંય છે લક્ષ્મણ જેવો 
હથેળીઓમાં રેખા નડતી 

બદન તાપવા શ્વાસે તારા 
ચહું ગ્રીષ્મ આછી કડકડતી 

રહું મઝારે સમથળ કાયમ
પછી હોય ક્યાં પડતી ચડતી

5.10.12


ક્યાંક મળ્યા'તાં મોઘમ મોઘમ
તોય રહો છો ચોગમ ચોગમ

એક કળી, થઇ ફૂલ મજાનું 
દાદ દીધી મેં, "ફોરમ" "ફોરમ"

રાસ રમું, પણ તારી સાથે
હાથ બળ્યાનું જોખમ જોખમ

સ્હેજ હજુ પાલવ સરકે, ને
ત્યાંજ છલકતી, મોસમ મોસમ

શ્વાસ હલેસે હાંકે રાખ્યું 
આજ સુધી, બસ લોલમ લોલમ..!!

ફાજલ પડી'તી, શબ્દોની પસ્તી
ગુંથી ગઝલ મેં, સૌથી આ સસ્તી

મુઠ્ઠી ભરી રણ, લીધું ફક્ત મેં
મૃગજળમાં તોયે ડૂબી'તી કશ્તી 

દર્પણની બીજી બાજુ જવામાં
ભૂલી ગયો હું, મારી જ હસ્તી

તારી અઝાં કે, પૂજા વિધિથી 
ચડિયાતી મારી છે મય પરસ્તી

મારા શહેરની એકલતા કરતાં
તારા નગરની પાંખી છે વસ્તી