30.11.12

ચૂટણીના ચમકારા.....
એકતાના અર્થ અહીં નોખા હતાં
હર સળીમાં આગના ખોખા હતાં
દૂધીયાનો ભાવ ક્યાં પૂછાય છે..?
જ્યાં જુઓ ત્યાં એ જ બસ બોખા હતાં..!!
આંગળીના એક ટપકે, "શ્યામ"ના
કંસના લેખા અને જોખા હતાં
હાથ લઈ ઉભા, સુદામા બાપડાં
પોટલીમાં આશના ચોખા, હતાં
છેવટે પડતી ખબર, કે એ બધાં
ચાસણી પાયેલ સૌ ધોખા હતાં.....

20.11.12



સ્હેજ ભીનું રણ મળે, તો પણ ઘણું 
હાંફવા કારણ મળે, તો પણ ઘણું 

ટોડલે લીલાશનું શમણું અમે 
કાચનું તોરણ મળે, તો પણ ઘણું 

છું અહર્નિશ ખોજમાં એકાંતની 
ક્યાંક મહેરામણ મળે, તો પણ ઘણું 

પ્રશ્ન અલબત્ત ખૂબ પેચીદો  છતાં  
વ્યાજબી તારણ મળે, તો પણ ઘણું 

ક્યાંય પણ મારું વજન નહોતું, તને 
કાંધ પર ભારણ મળે, તો પણ ઘણું 

17.11.12


નજર, ક્યાંથી ખબર, તારા ઉપર મારી પડી 
અમે તો પાંપણોની ગોઠવી ચોકી કડી 

વ્યથા કોને કહે એ કંટકોની રાતભર 
સવારે પાંખડી બે ઓસના બૂંદે રડી 

કસમ ખાધી અમે કે ના કદી પીશું હવે 
જમાનો એમ સમજ્યો કે મને જબરી ચડી 

તમે અહીંથી ગયાનો આ બધો અણસાર છે 
હરેક ફૂલો ઉપર ખુશ્બુ તમારી  સાંપડી 

વિરહનું એટલું બારીક નકશીકામ છે 
જરા સંભાળપૂર્વક ખોલ કાગળની ગડી 

15.11.12


ચુંટણી પર્વ ........

નીલામી કરવાને નીકળ્યા સૌ દેશની 
બોલીઓ બોલાશે ભમ્મરિયા કેશની 

ભજવે સહુ નાગા થઇ ચુંટણીનાં ખેલને 
તાતી ખપ પડવાની સજ્જનના વેષની 

મતને જો વાવીશ  તું ખદબદતી ભોમમાં 
વડ્વાયું લટકાશે મંત્રીની એશની  

સઘળાયે રંગોનાં બટવારા માંગશે 
રંગોળી પુરવાની રહેશે બસ મેષની 

છો ને તે લઇ લીધો પથ્થરને  હાથમાં 
કોતરજે લીટી બે ગાંધી સંદેશની  

6.11.12

તું સતત પ્રતિબિંબની ચર્ચા કરે
કો’ક દિ તો મ્હાયલે જો ભીતરે

હાથ તો ઉપાડવો બેશક પડે
એમ ક્યાં મેળે કદી પાનુ ફરે

રૌદ્ર મોજાઓ અહમના ચૂર થઈ
ફીણ થઈ અંતે કિનારે લાંગરે

મુઠ્ઠીઓ ખોલ્યાનો છે અફસોસ બહુ
ભાગ્યની રેખા જ અમને આંતરે

છે મદિરાથી વજુ કરવુ હવે
કોઈ તો ચીલો નવિનતમ ચાતરે..!!

રેતશીશી કાળની કેવી  અજબ  ભ્રમણા 
મૃગજળો થઇ  કેટલા સરકી જતાં શમણાં 

તું નથી, તો દોસ્ત લાગે છે સતત એવું
હાથનો જાણે કે અંગૂઠો ગયો, જમણા

આભમાં ટાંકુ હું દિવસે, તારલા માફક
ગાલ પરનો તલ કદાચિત  જો ખરે હમણા

આમ તો પીંછા ઈજારો રાખતાં કાયમ
કોઈ નામે, પથ્થરોયે થાય છે નમણા

એ ખુદા તારો જ તો છે ફાયદો એમાં
ઘૂંટ બે પીધા પછી દેખાવ છો બમણા