26.2.08

હાલો હાલો વસંત કેરાં મેળે.....




તડકાને પહેરીને રોમ રોમ આજ હાલો
વાસંતી વાયરાને મેળે
છતરીઓ ઓઢી લઉં છાયડાની એવી કે
છાંયડો ન જાય કોઇ એળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે.....

ફાગણીયો કેસુડો, આંબાના મોર,
ઓલ્યા ખેતરીયા મોલ મારા ભેરુ
કાળી કોયલ કરે ટહુકાનું ટપકું કે
આભડે ના નજર્યુંના એરુ
બધી કોતરોયે થાય મારી ભેળે
કે હાલો હાલો વસંત કેરા મેળે

લૂમ ઝૂમ વ્રુક્ષોની હાટડીએ હિચકંતા
પોપટ, મેના ને હંસ, હોલા
કુદરતના લીલુડે પિંજર પૂરેલાને
કેમ પૂરો પાંજરમા ઓલા ?
હવે કોણ આવી વાત્યુ ઉખેળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે

ઉડતાં પતંગીયાઓ મખમલીયા ચકડોળે
બેસી આકાશ આખું માણે
આંખોને આંકડીયે લટકીને દોમ દોમ
મનડુંયે હિંચાતું જાણે
આખું આયખું એ લેતા હિલેળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે

મનખોયે આજકાલ વકર્યો છે એવો કે
હડિયુ કાઢે છે થઈ ઘેલો
ભાળે ના ભગવાને દીધેલો મેળો ને
ઊભરાતાં મોલડાં, મોટેલો
ક્યાંય સુધર્યાં છે કોઈ એની મેળે ?
કે હાલો હાલો વસંત કેરાં મેળે.....

2 comments:

None said...

Nice poem. Great to see your blog.
Hope to see your creations more often.

Pancham Shukla
www.spancham.wordpres.com

sanjay said...

Dear shri Nanavati saheb,

We are looking forward to publication of your poetry collection.

Sanjay Upadhyay
upadhyaysanjay@yahoo.com