21.9.10

ખબર છે એટલી કે મોત સામે હારશું બેશક
છતાંયે ચાલ જીવનની બધીયે ચાલશું બેશક
ભલે શૈષવને બાંધો ઓસરીમાં ખાંડણી સાથે
ફકત માખણની કાજે પણ ઘુટણીયા તાણશું બેશક
તમારી હા અને ના માં પડ્યા ભુલા અમે છો ને
હવા થઈને તમારા કેશ છુટ્ટા માણશું બેશક
ભરોસો આમતો પુરો હથેળીમાં લખ્યા પર છે
ખુદા તારાયે બે ત્રણ નાતિયા અજમાવશું બેશક
સુકેલી ડાળ ઉપર , સાવ પીળા પાનના સોગન
તમોને કાંપતા હાથે અમે પસવારશું બેશક
ન માત્ર આંખમાં, કે દિલ મહી સહુના અમે રહીશું
શિલાલેખો બની આ જાત ને કંડારશું બેશક

No comments: