24.1.12

પ્રથમ મારી આંખોમાં રોપાઇ જાતાં
પછી એ જ શમણાઓ રોળાઈ જાતાં

ભરી ભીડમાંથી જે શોધી હું લાવ્યો
લઇ રૂપ એકાંત, ખોવાઈ જાતાં

અમારી ને શંકરની વિપરીત સ્થિતિ છે
ગળે સાવ આવી વલોવાઇ જાતાં

ઇબાદતની તસ્બી કે માળા હો જપની
અમે થઈને ધાગો પરોવાઈ જાતાં

થકી બાઇ મીંરા હરિ પામવાને
ઝહરના કટોરામાં ઘોળાઈ જાતાં

ડો નાણાવટી ૨૩-૧-૧૨

21.1.12

એક તારો પત્ર નાખું તાપણે
ઓગળી જાતાં ફરીથી આપણે

આંગણે અંગડાઈ ક્યારે ડગ ભરે
ઉંબરો કરતો પ્રતિક્ષા બારણે

શિલ્પ નામે "ભગ્નતા" હું થઈ ગયો
બેવફાઈના તમારા ટાંકણે

ઢૂંઢવા આવ્યો ખુદા, સાકી સુધી
ક્યાંય ના મોજુદગી ને કારણે

ઓઢવાને કબ્રમાં ચાદર વણી
સાવ છેલ્લા શ્વાસ જેવા તાંતણે
ડો.નાણાવટી..૨૨-૧-૧૨

20.1.12

આમ તો હું રણ સમો ને માવઠા જેવા તમે
તો પછી આ પ્રેમની જ્વાળા કદિ’ ક્યાંથી શમે

આ વખત ભુલી ગયો એ દોસ્ત તું તારી દિશા
પીઠમાં ઝીલ્યા જખમ આ દિલ નહીં હરગીઝ ખમે

આમ તો શમણામાં ઝંઝાવાત થઈ આવો તમે
લહેરખી થઈને હકિકતમાં વહો, તો બહુ ગમે

એ ખુદા માંગી અમે સીડી સફળતાની ફકત
તેં દીધાં દુ:ખ દર્દના સંજોગ સૌ ચડતા ક્રમે

જીંદગી આખી, ખુશીમાં ના થયા શામેલ પણ
આખરે લોકો થયા ભેગા અમારે માતમે

ડો. નણાવટી ૧૯-૧-૧૨

18.1.12

સ્પર્શની ભાષા અમે જાણી ગયા
તે પછી વાતો અને વાણી ગયા

ઝાંઝવાના સ્વપ્ન આવે જ્યારથી
ત્યારથી આંખો મહી પાણી ગયા

હું નહિ, મારા સ્મરણનો રવ હતો
ઘૂમટો અમથો તમે તાણી ગયા

તાશના મહેલો ધરાશાયી થતાં
કેટલા રાજા અને રાણી ગયા

આગિયા માફક અમે કમ-ભાગિયા
ખુદ જલી અજવાસને માણી ગયા
ડો.નાણાવટી ૧૮-૧-૧૨

17.1.12

વળી એક ચાદર વણી મેં કબીરા
ભર્યું ડગ તમારા ભણી મેં કબીરા

અરીસો ચીરી સૌ પ્રતિબિંબ છોડ્યા
થઇ ત્યાગ હીરાકણી મેં, કબીરા

પયમ્બરને પૂછું કે મયકશને પૂછું
બરોબરની કક્ષા ગણી મેં કબીરા

તમારીજ સંવેદનાઓ લખી મેં
ગઝલ તો કદી નાં ભણી મેં કબીરા

ન બાકી હતો કોઈ પણ બાળવામાં
કહ્યું તોયે ખમ્મા ઘણી મેં કબીરા
Dr nanavati

16.1.12

આમ તો સૌ હાથમાં મારું હતું
ઈશ્વરી ઈચ્છાથી પરબારું હતું

હાંફતા મૃગને ના પૂછો કોઈ પણ
ઝાંઝવું મીઠું કે 'લ્યા ખારું હતું ?

આજ પીળું પાન છેલ્લું તુટતા
વૃક્ષ જાણે સાવ નોંધારું હતું

દ્રશ્ય રૂડું લાગતું જે આયને
'હું' પણા પાછળ એ હિચકારું હતું

કેટલી આંખો અમે લુછી હતી
એટલે આ મોત ચોધારું હતું
ડો.નાણાવટી ૧૬-૧-૧૨

13.1.12

રસ્તે ફરી મળાય, એવી શક્યતા નથી
આંખોથી એ કળાય એવી શક્યતા નથી

દર્પણમાં જો, હું મૃગજળોને ગટગટાવતો
આથી વધુ છળાય એવી શક્યતા નથી

છૂટી ચૂકેલ તીર કમાનેથી, સૂર્ય છે
પૂરબ ભણી ઢળાય એવી શક્યતા નથી

તારા ખભેથી સહેજ સર્યા છેડલાના સમ
લીધી કસમ પળાય એવી શક્યતા નથી

પડઘાની જેમ મૈકાદાની ચોકટે અડી
પાછું ફરી વળાય એવી શક્યતા નથી

ક્ષણ ક્ષણ દિવસ ને રાત જલી મારી જીંદગી
બીજી વખત બળાય એવી શક્યતા નથી
ડો.જગદીપ નાણાવટી ૧૨-૧-૧૨

12.1.12

તે દીધેલા ઘાવમાંથી લાગણી ધક ધક વહી
એમ મેં સરભર કરી'તી આપણી ખાતાવહી

રાહ જોતો'તો જે પડઘાની બુલંદી વાતના
કાનમાં આવી તમે એ વાતને નાહક કહી

સાવ પથ્થર દિલ હતો, જાહેરમાં જો કે કીધું
ક્યાય પણ નહોતી શિલાલેખો ઉપર મારી સહી

જે હતા મારો સહારો, મૃગજળો થીજી ગયા
આયનામાં જાતને ઓગાળવી મારે રહી

તું હતી રસ્તો અમારા મોતના મકસદ સુધી
એટલે આખર સુધી એ જીંદગી તુજને ચહી
ડો.નાણાવટી ૧૨-૧-૧૨

11.1.12

પતંગ......
શ્વાસની દોરીએ બસ ઉડ્યા કરે
જીંદગી સૌની , પતંગો આખરે

કોઈની સીધી ચડે આકાશમાં
કોઈ ટળવળતું હજુએ છાપરે

કો'ક ગોથા મારતું, જેવી હવા
કો'ક સામે વહેણ ચીલો ચાતરે

સહેજ ઢઢઢાને તમે મરડયા કરો
તોજ એ ઉડાન સીધી આચરે

લાગણીનાં ગુન્દરે સાંધ્યા પછી
આભમાં સંબંધ કેવા નિખરે

આબરુની દોર જો તૂટી, બધા
લુંટવા બેઠા છે ખૂણે ખાચરે

દોરનો છેડો તો નક્કી હોય છે
કેટલો લાંબો , છે 'એને' આશરે
ડો,નાણાવટી

9.1.12

Jagdip Nanavati
દોસ્ત થોડો હાલતે હું તંગ છું
માર બે ઠુમકા તો એજ પતંગ છું

રાખતો પાણી સમું ચોખ્ખું વલણ
નાખશો જેમાં અસલ એ રંગ છું

નાં પછાડો એમ ટોચેથી મને
માનશે લોકો કે હું હર-ગંગ છું

જેટલી હું વાર ઉભો આયને
લાગતું અમને સતત હું વ્યંગ છું

શ્વાસ છું, ઉચ્છવાસ છું, અજવાસ છું
મોતની સામે ચડ્યો એક જંગ છું

ડૉ. જગદીપ ૯-૧-૧૨

5.1.12

અંગત ગણુ તો આયનો મારો સદા હતો
અસમંજસોની ભીડમાં એ નાખુદા હતો

સંજોગ એને મૈકદે લાવી મુકી ગયા
બાકી તો હરેક દિલમાં છુપાયો ખુદા હતો

એ વાત છે અલગ કે ખર્યો કાંગરેથી એ
ઈચ્છા રૂએ તો કાંકરોયે અર્બુદા હતો

સંબંધની દિવાલની ઉંચાઈ શી હશે..?
એવો સવાલ દોસ્ત અહીં બેહુદા હતો

કણ કણ બની મરણના રણમાં આથમી ગયો
પહેલા જીવનના જંગલોમાં ગુમશુદા હતો...

ડો.નણાવટી..૫-૧-૧૨

3.1.12

શ્વાસ ને ઉચ્છાવાસના ચરણો હતા
મૃગજળોની ખોજમાં હરણો હતાં

સહેજ ઈચ્છા કવચ કુંડળની કરો,
કેટલા સામે ઉભા કર્ણો હતાં

અશ્રુઓ, ઘટનાનાં વૃક્ષોથી સતત
યાદની ડાળે ખર્યાં, પર્ણો હતાં

એજ સાકી, એ મદિરા, એ મજા
મૈકદે ક્યાં રિન્દમાં વર્ણો હતાં

જિંદગીઓના જટિલ પ્રશ્નો તણા
સાવ સીધા ઉત્તરો, મરણો હતાં

ડો.જગદીપ ૩-૧-૧૨