11.12.07


સાવ ભોળું ભટાક મારૂં કુંવારૂ મન
વળી કેટલીયે હોય એમા મીઠી ચુભન
મારું કુંવારૂ મન.....

પાંચીકા ટિચતી ને ફલડાં ઉલાળતી
ગમતીલી ગલીયો ને થન ગન ઉપવન
વ્હાણાની વાવ ચડું પગલે પતંગીયાને
અલ્હડ પણાની હેલ , લચકંતું તન
મારૂં કુંવારૂ મન.....

હાટડીમાં મેળાની પપોટ લેવાને જતાં
સ્પર્શ્યો કોમળ, ને હું તો રહી ગઈ’તી સન્ન
વ્હાલ સખી સહિયરીઓ કે’દુની કહે, તેં તો
ખુલ્લમ ખુલ્લા રે દીધાં તન મન ને ધન
મારૂં કુંવારૂં મન.....

પિયરની ઝાંપલી થી સાયબાની વેલ સુધી
હોંશને દઝાડતી આ કેવી ઉલઝન
ગમતી વિદાયની આ વસમી વિટંબણાઓ
તરસું વાલમ, ને છોડું વ્હાલપનુ વન
મારૂં કુંવારૂં મન.......

No comments: