30.1.10


ગુફતેગુ.....ખુદા સાથે

.
મૈકદે જન્નત હશે સાંજે ખુદા
બે લગાવી પેગ તું જાજે ખુદા

.
કેટલા દિવસો વસુલ્યા મસ્જીદે
જીંદગી જાણે દીધી વ્યાજે ખુદા
.

આવરણ હર મોડ પર કેવા દીધાં
શીખ આપી સો ટકા, પ્યાજે ખુદા !!

.
બંદગી એ બોર છે ચાખેલ, તું
પ્રેમથી કાઢી સમય ખાજે ખુદા
.

કાલનુ તું હાથમાં રાખે ભલે
કંઈક તો કરીએ અમે આજે ખુદા
.
જ્યાં તને ઉકલ્યો, અમે ઉકલી ગયા
ના તને આવું વલણ છાજે ખુદા
.

કબ્રમાં પણ મોતની લપડાકનાં
કાનમાં પડઘા હજી ગાજે ખુદા

25.1.10


२६-जनवरी


સમય છે......


સમય આવ્યો ધજા ફરકાવવાનો
વતનની આબરૂ સંતાડવાનો


હતાશા, મોંઘવારી ને ગરીબી
ભર્યો માહોલ આ શણગારવાનો


કરો મજબુત પાયા દેશના સહુ
ન તો ખુરશી તણા, સમજાવવાનો


ધરાની ધૂળને નામે જે દિલમાં
ચડી પરદેશની, ખંખેરવાનો


પસાર્યા હાથ જે પીઠે સતત એ
પડોશી પર હવે ઉગામવાનો

24.1.10

તેં દીધી જે, હાથમાં મસળી ગયા
(ચ્યું)ગમ ગણી, સૌ યાતના ચગળી ગયા !!!

બે થીજેલી આંખના, નક્કર છતાં
આજ શમણાં આખરે પિગળી ગયા

રે પ્રતિક્ષા ઉંબરે ઉભી રહી
ને બધાયે કાફલા નીકળી ગયા

હાયકારો સહેજ તારો સાંભળી
શ્વાસના સંબંધ સહુ કથળી ગયા

ના, પીનારાઓના દુ:ખ સાંખી શક્યો
એટલે તો પી અમે સઘળી ગયા

23.1.10


इंडो पाक अभियान


शान-ऐ-अमन


सरहदकी दोनो और चहकता चमन रहे
बंदा हर एक चाहता, चैनो अमन रहे

आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे

भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे

जीना है सिर्फ सात ही सूरमें ओ हमनशीं
गानेमें चाहे ’मांलकौंस’ या ’यमन’ रहे

हूनर हो चाहे कोई भी, परवा ही क्युं करे
लगना गले ही एक दुसरेका फन रहे

22.1.10


બે કિનારા થઈને ઉભા તું અને હું
હેતના સરવરની શોભા તું અને હું


મૌનના કિલ્લોલમાં જીવી જતાં એ
હોઠ પર લીધેલ ટેભા તું અને હું


રાત કાળી કેટલી આવ્યા કરી, પણ
સાંજ ને ઉષાની આભા તું અને હું


કેડીઓ, ડુંગર, સમંદર પાર કરતાં
મેળવીને બેય ખભ્ભા તું અને હું


હંસલી ને હંસની પ્રિતી નિભાવી
સ્વર્ગલોકે ઈન્દ્ર-રંભા તું અને હું

21.1.10


આયનો ખુદનો જ ચહેરો ક્યાં પિછાણે
જેમ કોઈ માછલી જળને ન જાણે


પ્રેમમાં મજનુ બની ઉભો રહ્યો, પણ
ના પુછ્યું લોકોએ, કે પુછ્યું ન પાણે


શ્વાસ લેતો ગામમાં તારા હજુ, ત્યાં
થઈ જતાં નિ:શ્વાસ, સહુ જાણે અજાણે


પાનખર લીધી અમે, તમને વસંતો
કેસરી અક્ષરમાં દઈ દીધી લખાણે


કેટલી ઈચ્છાઓના ઘોડે ચડે મન
એકમાં પછડાય, ત્યા બીજો પલાણે


ભોળપણની હદ વટાવી, પુછમાં તું
સૌ અમે આવ્યાં છીએ તારી જ કાણે

18.1.10


અમારા કુટુંબના અભિન્ન અંગ એવા
અમારા પ્રિય શ્વાન "જહોન્ટી" ને ગુમાવ્યાની
પળે એક ઉદગાર...........


માનવી, કહી ના શકે, એ બોલતો
ને વફાદારીથી અમને તોલતો


લાગણીના સહેજ પણ અણસારથી
પૂંછથી તન્મય બનીને ડોલતો


આંખનાં મોઘમ ઈશારે વેદ ની
કેટલી જાણે ઋચાઓ ખોલતો


ભિન્ન છે જાતિ ભલે લોકો કહે
હું અભિન્ન અંગ તુજને મોલતો


દાયકાનાં સંસ્મરણના આવરણ
સાવ હળવેથી હવે હું છોલતો


................અમે સૌ...............

16.1.10


કૂંપળો એ વૃક્ષની કુણી વ્યથા છે
પાનખર કેવી રહી, એની કથા છે


મન મળ્યાં પણ શબ્દ દેહે ક્યાં મળ્યા’તાં
આપણી વચ્ચે હજુ નાનો ’તથા’ છે


લાગણીથી તરબતર પડઘો પડ્યો ના
જે અમે દીધી, સદાઓ એ યથા છે


ફુલને ઉડતાં હવે ફાવી ગયું ,પણ
હક પતંગિયાને જ છે એવી પ્રથા છે


શ્વાસ ખુટે સંગમરમરની તળે, બસ
કેટલી જાહોજહાલી અન્યથા છે

15.1.10


તારી આંખ્યુંમાં સપના ડોકાય આખા ગામના
વળી અમને તો ગણતી તું નામના
પછી આંટા ફેરાઓ શું કામના

તારી અલ્હડ અદા
રહું હરદમ ફિદા

ચાર આંખોના થઈ ગ્યા’તાં કેટલાયે સામના
તોય પૂરી થઈ એકે ના કામના
પછી આંટા ફેરાઓ શું કામના

ઉંઘ વેરણ થઈ જાય
ચૂર સપનાઓ થાય

રાત જાગીને પીધાં કંઈ પ્યાલા મેં જામના
છતાં કહેવાતા હાડકા હરામના
પછી આંટા ફેરાઓ શું કામના

રહી કાગળની વાત
લખું જાગી હું રાત

બીડી પરબિડીયે નાખી દંઉ તમને સુમસામના
મૂઈ કહેતી કે આતો પરગામના
પછી આંટા ફેરાઓ શું કામના

કીધા છેલ્લા જુહાર
રડી આંસુ ચોધાર
બે’ક કાઢ્યા તેં વેણ મારી પાછળ હે રામના..!!
મારૂં જીવતર ફળ્યું ને થયા ધામના
પછી "આંટા ફેરાઓ" શું કામના...???

14.1.10


સમયને સાચવીને બંધ મુઠ્ઠીમાં ફરૂં છું
સમય આવે, એ મુઠ્ઠી મોકળી સહેજે કરૂં છું


હશે, બે ચાર કિસ્સા લાગણી નામે નગરમાં
અહીં, બાકીતો હું, હર શ્વાસમાં નફરત ભરૂં છું


શબદનાં કંટકો ભાષાના જંગલમાં ઘણા છે
ગઝલની એટલે જાજમ સુંવાળી પાથરૂં છું


બહુ પાયા, હવે લે જામ સાકી હું પિવાડું
નવો ચીલો જગતમાં આજથી હું ચાતરૂં છું


અમારો શ્વાસ ને તારી છબી, અંતિમ હતાં બે
પલક ઝપકું તો એ ભુંસાઈ જાવાથી ડરૂં છું


જીવનમાં કેટલીયે વાર હંગામી મર્યો છું
તમારા સમ, આ છેલ્લી વાર હું સાચ્ચે મરૂં છું

11.1.10


તમે જે જે સમજતા, એ જ ભાષા બોલતાં કાયમ
છતાંયે મૌનના મુદ્દે જ બાજી હારતાં કાયમ

પ્રણયની ધાર ઉપર ચાલવા આધાર ક્યાં બીજો ?
અમારી લાગણી, તારી ધૃણા, સમતોલતાં કાયમ

નથી હું રામ, તું સીતા, નથી મૃગ સોણલાં તોયે
ખબર નહીં, કેટલી રેખાઓ, ક્યાં ક્યાં દોરતાં કાયમ

અગમ કોઈ બળ હતું, શ્રધ્ધા અડગ તારી ઉપર, નક્કી
ચરણ દે સાથ કે ના દે, અમે બસ દોડતાં કાયમ

જીવનમાં કંટકોની હો પથારી, કે કબર લીસી
સમયનો શ્વાસ ઊંડો લઈ નિરાંતે ઘોરતાં કાયમ

10.1.10



લખુ હું હાથ બાળી
ઉજાળું રાત કાળી
સળગતાં ટેરવાને
કહે છે સહુ દિવાળી


ફકત માગી હથેળી
દીધી તેં હાથ તાળી
સવા શ્રી, જ્યાં હું માંડુ
’ઈતી’ આવી સફાળી


સમય કાંટાની વચ્ચે
હતી ઈચ્છા સુંવાળી
કબર દઈને, તેં તારી
કીધેલી વાત પાળી


હિમાળે પગેરૂં ન મળતાં છળી ગઈ
ખબર ના રહી, જાત ક્યારે ગળી ગઈ


ઉતારો આ વધસ્થંભથી ઓલીયાને
કતલની ઘડી ક્યારની નીકળી ગઈ


ખુદા તક પહુંચવાની ઈચ્છા અદમ્ય
ખરે ટાણે મયખાને કેવી વળી ગઈ !!


કસમ તારી ખુશ્બુની, ફુલોથી લથ બથ
તને સુંઘવા, એક ડાળી લળી ગઈ


વ્યથા આવતીકાલની માં, ડૂબ્યો દિ’
ચલો આજ પૂરતી સમસ્યા ટળી ગઈ


હદે કેટલી એ, હતી મારી અંગત
નથી બોલતો જે, બધું સાંભળી ગઈ


અહલ્યાની માફક પડ્યો’તો સડક પર
તમે સહેજ મારી, એ ઠોકર ફળી ગઈ

7.1.10


નાચવાનું મન હથેળીમાં ઘણું
ભાગ્યને વાંકુ પડ્યું, બસ આંગણું


ના ભળ્યું, વાણીની સાથે મૌનને
એટલે કાયમ રહ્યું એ વાંઝણું


દુશ્મનો ઝાઝાં, અને વેઢા ખુટ્યાં
એ ખુદા, કેવી રીતે સઘળાં ગણું


તોરણે ઈચ્છા બની લટક્યા કરૂં
બંધ, તોયે છે તમારૂં બારણું


રામની લોરી સુણી પોઢ્યા, અમે
ચાર ખભ્ભે ઝુલતુ’તું પારણું


હવે સાદ દેવામા મોડું થયું છે
કફન હાથ બે સાવ છેટું રહ્યું છે


ત્રિભેટે ઉભો છું હું, કારણ તમારા
સગડ, કોઈ ચોથે જ આપી ગયું છે


આ ઘટનાની માળા મહી સાચવીને
સ્મરણ તારૂં એકાદ સોને મઢ્યું છે


અમાસે વધારાના વેતન ને મુદ્દે
બધાં આગીયાઓને વાંકુ પડ્યું છે


કબરમાં હતો હું, ને મારૂં જ સઘળું
મને, સ્વ લગડ્યાનું કારણ જડ્યું છે

2.1.10


...........તો સારૂં.....


હવે કંઈ થાય તો સારૂં
પનોતી જાય તો સારૂં


અમારૂં નામ, જે રીતે
ભલે, પંકાય તો સારૂં


"લિખીતંગ ’તું’ જ છે સઘળે
મને ઊકલાય તો સારૂં"


નથી ચડતી એ બહાને પણ
હજુ પિવાય તો સારૂં


ચરણ થાકી ગયા સીધે
જરા ફંટાય તો સારૂં


વસિયતના રૂપે પણ આ
ગઝલ વંચાય તો સારૂં