31.5.12

પરાકાષ્ઠાએ પહોંચીને, પછી શરૂઆત કરવી છે
સિકંદર થઈ, જગત જીતીને, તુજને મ્હાત કરવી છે

તમે બહુ બહુ તો ન્યોચ્છાવર કરો બે ચાર નિ:સાસા
અમારે શ્વાસ ને ઉચ્છવાસની બિછાત કરવી છે

ખબર નહીં, સ્વપ્નમાંથી તું પલાયન કઈ રીતે થાતી
હવે પાંપણ ઉપર પહેરેગીરી તૈનાત કરવી છે

બહુ શબ્દોની સંગ, એકાંતમાં કાનાફુસી થઈ ગઈ
હવે તો મૌન સાથે ભર સભામાં વાત કરવી છે

સતત જીવવું પડ્યું’તુ  મોત નામે ખોફની હેઠળ
ખુદાને રૂબરૂમાં આ બધી રજુઆત કરવી છે

30.5.12

ટેરવાનુ તાર પર રણઝણ થવું
વેદનાની આંખમાં આંજણ થવું

અણગમાની ડેલીએ સાંકળ ખુલી,
કોઈને સત્કારવા આંગણ થવું

સંશયોની આ સવાલી ભીડમાં
આપણે કાયમ સબળ કારણ થવું

સાવ હળવા રાખવા તમને ભલા,
ક્યાં સુધી પાંપણ ઉપર ભારણ થવું..??

જે થયું, જોગાનુજોગે, થઈ ગયું
આગમન તારૂં, ને મુજ મારણ થયું

28.5.12

સ્ત્ય થોડું ’અ’ થી અળગું રાખજે
"અ" પછી જ્યારે તું "લખ", અજમાવજે

શક્ય છે તારા ચરણ માને નહીં
તો પછી મંઝિલ, ને રસ્તા વાળજે

બદદુઆ, જે મસ્જિદે લાવી તને
બે દુઆ, એ સખ્શ માટે માંગજે

બહુ અમે પીધી મદિરા, ને તને
આજ સાકી કંઈ નવું પીવરાવજે

શ્વાસનું પ્રકરણ અહીં પુરૂં થયું
યાદનું પાનુ હવે સુલટાવજે

27.5.12

જીંદગી અને મોત......

મોતને થાવું’તું આગળ
જીંદગીને ક્યાં ઉતાવળ..?

અંત આઘો રાખવા, મેં
શ્વાસની ગુંથી’તી સાંકળ

મોત નામે ફુલ નહીંવત
એટલે જીવું હું બાવળ..!!

મોત પણ ઉગી નીકળતું
જીંદગી એવી રસાતળ

મોતના હસ્તાક્ષરોનો
જોઈ રોતા સહુએ, કાગળ

કાળના પાબંદ બન્ને
સહેજ ના આગળ કે પાછળ....

25.5.12

આવું કે હો એવું, એ તો એની મરજી 
કીડી કે પારેવું, એ તો એની મરજી 

આશાની સાંકળ ખખડાવી ઉભા રહેજો
 ખોલીને શું કહેવું, એ તો એની મરજી 

 બહુ બહુ તો પથ્થર થઇ ઝરણા વચ્ચે રહીએ 
ક્યાં ક્યાં થઈને વહેવું, એ તો એની મરજી 

સંબંધોની લારી લઈને નીકળી પડવું 
 કોને શું શું લેવું, એ તો એની મરજી 

દિલથી માગો, જે જે માંગો, કરગરવું શું ? 
દેવું કે ના દેવું, એ તો એની મરજી 

આપણ ક્યાં જનમ્યા'તા ત્યારે નક્કી હોતું 
એંશી, બ્યાંશી....નેવું, એ તો એની મરજી 

 આતમને અજવાળ્યા કરતાં રહેજો, બાકી
 ભીતર ક્યાં લગ રહેવું, એ તો એની મરજી
જીવતાં જીવતાં મરવું, સાલું ક્યાંથી ફાવે ?
છીછરે કાયમ તરવું, સાલું ક્યાંથી ફાવે ?

પીળા થઈને પાક્યા, ચાલો માની લઈએ
લીલે કૂંપળ ખરવું, સાલું ક્યાંથી ફાવે ?

હળવેથી હું ચિઠ્ઠી ક્યો’ તો સરકાવી દઉં
મોટેથી ગણગણવું, સાલું ક્યાંથી ફાવે ?

પીવું નહીં, ના પાવું એવા સોગન લઈને
અમથું પ્યાલી ભરવું, સાલું ક્યાંથી ફાવે ?

મુશળધારે, ધીંગી ધારે ખાબકનારો
મૃગજળને કરગરવું, સાલું ક્યાંથી ફાવે ?

પથ્થર દિલ પર મનસુબા કોતરવા જાતાં
પડઘો થઈને વળવું, સાલું ક્યાંથી ફાવે ?

ચોધારૂં રોયા’તાં હરદમ સદગત ટાણે
ખુદની ઉપર રડવું, સાલું ક્યાંથી ફાવે ?

24.5.12

વૃક્ષો, થઈ પડછાયો ચડતાં સામી ભીંતે
ઘર જેવું, ઘર સાથે રાખે, આવી રીતે

ગંજીફો અમથો તું ચીપે સંજોગોનો
ચોઘડીયે જે સર ઉતરે, એ હરદમ જીતે

પોથી, પંડિત, મૌલા, બાઈબલ, ગ્રંથ વૃથા સૌ
ઘેઘુર નીચે બેસી, સળગે ભ્રમણા ચિત્તે

ખાલીપાથી ભરચક્ક ઈચ્છાની છે પ્યાલી
મનખા તું તો દુખીયો કાયમ "ખાતે પીતે"

ખુલ જા સીમ સીમ બોલે શાયદ પથ્થર ખસશે
ધરતી નહીં ફાટે કંઈ બોલે ’સીતે સીતે’

22.5.12

दुश्मने जाने जिगरको जान लो
दोस्तोंकी भीडमें पहेचान लो

दर्दो ग़म, गर बांटना चाहो नहीं
एक चुटकी हमसे ही मुस्कान लो

आज पंगा आयनेसे जो लिया
हो गये हम सौ गुना बेजान, लो

कोई ना जाने ख़ुदा क्या चीझ है
कोई तो वो ढूंढनेकी ठान लो..!!

दिल जलोंका दिल कभी मिलता नहीं
खाक़ मेरी चाहे जीतनी छान लो

20.5.12

ભીડ માહેંથી નિકાલો, કોઈ તો આપો
શ્વાસનો મીઠો નિવાલો, કોઈ તો આપો

બારણા, બારી ને સાંકળ, ઉંબરાથી ઉફ
સાવ હું થાક્યો, દિવાલો કોઈ તો આપો

પૂર્વ ને પશ્ચિમ, દખણમાં ઉત્તરો ઝાઝા
છો દિશાશૂન્યો, સવાલો, કોઈ તો આપો

પથ્થરોમાં કેદ ઈશ્વર, છે અગમ અલ્લા
સહેજ અણછડતો હવાલો, કોઈ તો આપો

બહુ ગઝલ લખતો રહ્યો, બે વ્હેંત પાણીમાં
શેરિયત વાળા ખયાલો, કોઈ તો આપો

19.5.12

બે મજબુત (!!), ’વીક’ એન્ડ ગઝલ્સ

ભીતરે હું એકલો છું ભીડમાં
ઘાવ સંતાડું સતત હું પીડમાં

સાવ સુક્કા હો તણખલાં, તે છતાં
પાંગરે છે એક કૂંપળ નીડમાં

જીંદગીને પોરવી હું ના શક્યો
સોયના એ સુખ્ખ નામે છીંડમાં

ગટગટાવી મીર એ માર્યા કરે
સો ટકા ખામી હશે એસીડમાં..!!

"હા" તણો તારો હથોડો શું પડ્યો
ગાબડું તે દિ’ પડ્યું સોલ્લીડમાં

તું પ્રયત્નો આદરી દેજે મનખ
આખરે તારે સમાવું પિંડમાં....
************************

ભડભડું હું ભીતરે
ને બરફ ઉપર તરે

ઉંઘને ફફડાવતાં
સ્વપ્નના પીછાં ખરે

હોંશ પાયાને ઘણી
પહોચવાની કાંગરે

રવ, સદા પડઘો બની
જીવતો એકાંતરે

બંદગી એવી હજો
કે ખુદા પણ કરગરે..!!

17.5.12

શ્વાસ જ્યાં બેઠો હજી, આવ્યા તમે
શાંત સરવરમાં પ્રલય લાવ્યા તમે

કંટકોના શહેરમાં વસતાં અમે
નામ દઈને ’ફુલ’, મહેકાવ્યા તમે

દ્વંસ કાજે જે સુદર્શન જ્યાં ધર્યું
આંગળીએ એ જ, ઉચકાવ્યા તમે

મૈકદા છે દુર, પણ સાકી તણા
સહેજ અણસારે જ બહેકાવ્યા તમે

આ જ માટીમાં ઉગી, પીળા થયા
લ્યો, ફરી આ પાનને વાવ્યા તમે..!!!
હવે રઢિયાળી રાત મને વહાલી લાગે
પિયુ હળવેથી આજ મારો, વાલી માંગે...હવે રઢિયાળી

હોંશ હૈયે છલકાઉં....
ચાલ નર્તનની જાઉં....
નસે નસનસમાં ઘોડા ઓલાદી ભાગે...હવે રઢિયાળી

ઢોલ ધીમો વગાડ....
નેણ અડધા ઉઘાડ....
પછી છેડતીની શરણાયુ એવી વાગે...હવે રઢિયાળી

ક્યાંક રાધાની તાન.....
ક્યાંક ગોપીનુ ગાન....
મસ્ત મીંરા થઈ શોભું વૈરાગી ધાગે...હવે રઢિયાળી

વીજ દેખાડે વાટ....
લઈને અદકેરો ઘાટ....
અમે નીકળ્યા આકાશ હાથ ઝાલી ’આગે’...હવે રઢિયાળી

15.5.12

સત્યને થોડુંક આગળ રાખજો
સારથી માફક પછી અજમાવજો

સ્પર્શમાં કિત્તો ઝબોળી ને લખી,
આ ગઝલને ટેરવાથી વાંચજો

બંધ બારીની હવે આદત પડી
આપ હો, કે ના, અચૂકે વાસજો

સાવ ઝીણી રેતથી પણ પાતળી
આ સમયની ચાલથી સંભાળજો

શ્વાસ ચડવાની પળોજણ ક્યાં હવે.?
મોતને સરખી રીતે હંફાવજો..!!

14.5.12

તમન્નાની ડાળૅ હતાશાઓ લઈને
ખરે પાન ઈચ્છાનું સુક્કુ થઈને

ફકત ચાહવાનીજ ચાહત કરી, એ
કહે કોણ અફવાની આગળ જઈને

ઘડી દે મને એક મુરત ખુદાની
કહો વિશ્વકર્મા, સુતારા-સઈને

બધાં ફુલ નિસ્તેજ કાં છે ચમનમાં ?
કદાચિત એ હમણા જ અહીંથી ગઈ ને !!

હવે વિરમુ છું તને વારસામાં,
મળી ના શક્યો હું, એ અફસોસ દઈ ને

10.5.12

એક પળ પ્રતિબિંબને અળગા કરી જો દર્પણે
સાવ મૃગજળથી છલોછલ રણ મળે, બીજી ક્ષણે

રાત ની:રવ ને પ્રણયની, ઢોલીયે, મસ્તી તણી
સહેજ અમથી વારમાં ચાડી ફુંકી’તી કંકણે

પ્રેમની કબુલાત, કે ગઈ રાતની મીઠી ચૂભન
શી ખબર, ફુલો ઉપર જઈને ભ્રમર શું ગણગણે..??

શિલ્પ નિતરતું જનેતાનું નરી મમતા ભર્યું
ઘાવ પણ બહુ પ્રેમથી માર્યા હશે કોઈ ટાંકણે

લાગણીઓ, સ્વાર્થ, સગપણ, શ્વાસ છેલ્લો લઈ ગયો
આપણે પણ ક્યાં રહ્યા’તાં એ ઘડીથી આપણે..!! 

9.5.12

ફેંકવા પાસા નથી હર વાતમાં
છે મને વિશ્વાસ મારી જાતમાં

કાળના પહેરી કવન ઉભા બધાં
રાતરાણી ફક્ત મહેકે રાતમાં

છે રિયાસત પુષ્પની, સંભાળજો
કંટકો પણ હોય છે તે’નાતમાં

રિંદગી, કે હો ખુદાની બંદગી
બેયમાં રહેવું પડે ઓકાતમાં

ક્યાં જશું ?, કોની કને, મૃત્યુ પછી
શું પડો એવી બધી પંચાતમાં
બંધ બાજીના અમે પાના હતાં
ક્યાંક તો, ક્યારેક ખુલવાના હતાં

ક્યાંય પણ વિશ્વાસનો છાંયો નથી
વૃક્ષ ચારેકોર શંકાના હતાં

આંખ મીંચી માણવું શમણુ પડે
શી ખબર આ કાયદા ક્યાંના હતાં

પહોંચવું તારા સુધી દુષ્કર હતું
એટલે ઈશ્વર, આ મયખાના હતાં

જીવવાનો કોઈ પણ મકસદ નથી
ના હવે બાકી કોઈ બહાના હતાં

8.5.12

ઈચ્છીત કદિ’ મળે ન મળે, યત્ન કર
વાવ્યું ઉગી, ફળે ન ફળે, યત્ન કર

લઈ લે મશાલ મેઘલીએ રાસમાં
બાહુ પછી બળે ન બળે, યત્ન કર

આલિંગનો હવે કદાચ બિંબ દે
દર્પણ તને છળે ન છળે, યત્ન કર

પર્વત ઉપર ભરોસો કરી, સાદ કર
પડઘો બની વળે ન વળે, યત્ન કર

અંગત બધાના હોય રખે એ, બને
તારા ખભે ઢળે ન ઢળે, યત્ન કર

7.5.12

એક બે વાદળ નિચોવી
મ્હેકની બસ રાહ જોવી
આપણી અંગત વ્યથાઓ
બંધ બે આંખે જ રોવી
જે હજી નહોતી કરી, એ
વાતને ઠાલી વગોવી
શોધવા જો તું નીકળ, તો
જાત છે મંજુર, ખોવી
મોતના મણકાએ પુગ્યો
જીંદગી આખી પરોવી

5.5.12

સત્ય સાંગોપાંગ સિંચાયુ હશે એ મુળમાં
લીમડો નહીંતર ન કડવો હોય આવો કુળમાં

લાગણી નામે રસાયણ છે જરૂરી પ્રેમમાં
એમ ક્યાં ખરડાય પડછાયો કદીયે ધૂળમાં

ગોફણે સંજોગની, ક્યાં ક્યાં મને ફેંકી દીધો
ને અમે માન્યુ, સમય બસ કેદ છે વર્તુળમાં

નીરમાં દર્પણ સમુ મળતું નથી પ્રતિબિંબ, પણ
એ મજા પલળી જવાની ક્યાં મળે છે સ્થુળમાં

દર્દ આવ્યું, ને દવા, ને હાથ હુંફાળો પછી
ફાયદો ક્યારેક અણધાર્યો મળે છે શુળમાં
બંધ ના હો કોઈ પણ એ લાગણી,...સંબંધ છે
જે સગાઈ પાંપણે અશ્રુ તણી,....સંબંધ છે

પ્રેમમાં કંઈ કણ અને મણ કોઈ દિ’ હોતું નથી
ટેરવે મેરૂ, ને પગમાં વ્રજકણી,....સંબંધ છે

આયનો જાણે કે મારો જોડિયો બંધુ હતો
જાત સાથે જાતની સરખામણી,....સંબંધ છે

આપની નફરત રગે રગમાં અમારી દોડતી
હોય ગમ્મે તેટલી અળખામણી,....સંબંધ છે

મોત, યાને આપણી આ કાચ જેવી જીંદગી
માપસરની કાપવા હીરાકણી,....સંબંધ છે

4.5.12

યાદ એની હર અદા રહેશે તને
ને જમાનો બાવરો કહેશે તને

આયના સામે ઉભો, પહેરી અહમ
મેં કદી જોયો ન આ વેષે તને

શૂન્યમાંથી સહેજ પણ સર્જન કરો
તો ગણતરીમાં પછી લેશે તને

એકલા મણકા ભજે ના ચાલશે
સુત્રના ધાગે ખુદા મળશે તને

શ્વાસના પગલે કદી ના ચાલજે
એક દિ’ બેશક દગો દેશે તને

3.5.12

અમે સદાયે રણના માણસ
અલપ ઝલપ, પાંપણના માણસ

પ્રથમ વલોવી નાખી પંડે
પછી થયા માખણના માણસ

સહજ સરી જાતાં, પણ કપરી
વખત પડે તો, ક્ષણનાં માણસ

તમે મળો તો રેશમ રેશમ
ભલે ગણો છો ઘણના માણસ

થવું સવાલી, તારી મરજી
સદા રહ્યાં કારણના માણસ

રખે મને શમણામાં શોધો
નયન મૃગી, આંજણના માણસ

વણી લીધો ખુદને દોહામાં
કબીરનાં કાંતણનાં માણસ

જીવી ચુક્યા સદીઓ, પણ આખર
ભળી જતાં થઈ કણનાં માણસ

2.5.12

૬ મે.."વિશ્વ હાસ્ય દિન" નિમિત્તે
સૌના વિલાઈ ગયેલા અને ભુલાઈ
ગયેલા હાસ્યને નામ.....


હોઠના ખુણા જરા ઉંચા કરો
તો જ રહેશે હાસ્ય કેરો મ્હાવરો

આજના દિવસે હસીલે, કાલથી
તું હતો, ને છે જ, કાયમ બહાવરો

ખિલખિલાહટ બાળ મૃત્યુ પામતાં
થઈ ગયા બચપણ તણા ભાષાંતરો

દર્દ, ગમ, ઉચાટ સૌ નિ:શુલ્ક છે
સ્મિતનો બેશક અહીં વેરો ભરો

ડાયરે છુપી રીતે હસનારને
દંડ ફટકાર્યો રૂદનનો આકરો

કામ, ક્રોધી શેર સૌ ઉંચકાય છે
ભાવ ગગડી ગ્યો "હંસી"નો પાધરો

લાશ એની કાં મરકતી’તી હજી..?
કઈ રીતે જીવ્યો, તપાસો આદરો..

આ ગઝલ વાંચી, રખે હરખાય તું
આપણા બન્નેનો થઈ જાશે મરો...હો.હો...હો......
હો...
જાત અમારી આવળ બાવળ
ફુલ ઉપર તું ઝાકળ ઝાકળ

જીવ તને ચૂમી લેતો’તો
સહેજ ખુલે તારી જ્યાં સાંકળ

પુર બધે મૃગજળના આવે
ધોમ વરસતાં વાંઢા વાદળ

સાવ કર્યો ડૂચો મુઠ્ઠીમાં
કાશ અમે હોતે એ કાગળ

મોત લખ્યુ’તું જીવન પહેલા
થાવ અમસ્તાં આકળ વ્યાકળ