3.5.12

અમે સદાયે રણના માણસ
અલપ ઝલપ, પાંપણના માણસ

પ્રથમ વલોવી નાખી પંડે
પછી થયા માખણના માણસ

સહજ સરી જાતાં, પણ કપરી
વખત પડે તો, ક્ષણનાં માણસ

તમે મળો તો રેશમ રેશમ
ભલે ગણો છો ઘણના માણસ

થવું સવાલી, તારી મરજી
સદા રહ્યાં કારણના માણસ

રખે મને શમણામાં શોધો
નયન મૃગી, આંજણના માણસ

વણી લીધો ખુદને દોહામાં
કબીરનાં કાંતણનાં માણસ

જીવી ચુક્યા સદીઓ, પણ આખર
ભળી જતાં થઈ કણનાં માણસ

No comments: