30.5.11

રંગ વર્ણીની ઉષા, એ શ્વાસ છે
ને ઢળેલી સાંજ એ ઉચ્છવાસ છે

રાત જાણે સ્તબ્ધતા, શ્વાસો વિના
એ જ તો વેળા પ્રણયની ખાસ છે

અવતરે ઓળા સતત અંધારનાં
સ્પર્શ ત્યારે આપણો અજવાસ છે

ઓષ્ટ બે જ્યારે મળે આલિંગને
એ સવાયો સ્વર્ગથી અહેસાસ છે

એક બીજાની હથેળીએ મુક્યો
જીંદગી ભરનો અટલ વિશ્વાસ છે

આયખાના મૃગજળો પીધાં ભલે
મોતથી સહુની બુઝાતી પ્યાસ છે

29.5.11

ખુદા હું રિંદ, બે ત્રણ ખાસ આજે મોકલું છું
તમારી મસ્જીદોની શાન ખાતર મોકલું છું

વસંતે તું સદા ચોપાસથી ઘેરાઈ એવી
અમારી વાત ટહુકાના અવાજે મોકલું છું

પ્રણય લીલો, ને લીંબુ લાગણીનું હું પરોવી
કમાડે ટાંગવું, એવા રિવાજે મોકલું છું

ભલે નાતો અમારો મૈકદેથી છે વધારે
છતાંયે કેટલા બંદા નમાજે મોકલું છું

રૂઝાતા હોય ના જો ઘાવ એકલતા તણા, તો
હુંફાળા સ્પર્શનો મરહમ, ઈલાજે મોકલું છું

ઢળેલી પાંપણે શરમિંદગી ઝીલવાને, શમણાં
પળાતાં હો જવલ્લે, એ મલાજે મોકલું છું

23.5.11

એક જ મુઠ્ઠી ઝાકળ સામે
દરિયો લખતો, તારા નામે

ટહુકાને માની લે કાગળ
સરનામુ સહિયરને ગામે

દંડાયો ફુલોને હાથે
બાવળ વાવ્યાના ઇલ્જામે

અલબત, બિન હિસાબી કર્મો
તસ્બીએ રાખ્યા ઈમામે

શ્વાસે પણ જાણે કે આજે
પોરો ખાધો’તો વિસામે

20.5.11

ડીજીટલ ગઝલ...!!!!

સાંભળ્યુંને બોસ ! છે કેવી નવાઈ
ફુલની, પરફ્યુમ સાથે થઈ સગાઇ

નેટ ઉપર બાંધ સંબંધો ડિજીટલ
લાગણીઓ છેક થઈ ગઈ છે પરાઈ

સાવ વર્ચ્યુઅલ હવે રીઆલીટી સૌ
હસ્તધૂનન પણ પછી માંગે ખરાઈ

ગણપતિ પણ માઉસ રાખે હાથ વગ્ગું
ક્લીક કરંતા, પીડ સૌની લ્યો, હરાઈ

બંદગી માટે તો ખુદ નમવું પડે છે
ત્યાં હતી મીસ્ડ કોલની તદ્દન મનાઈ
કેમ પગલાં પાધરાં પડતાં નથી
એમ કંઈ પગ સાવ લડખડતાં નથી

અશ્રુઓના રણ છવાયાં આંખમાં
ત્યારથી ભીનું અમે રડતાં નથી

ના દુઆ, કે બદ દુઆની આપ લે
એ બધામાં આપણે પડતાં નથી

સ્પર્શના પર્યાયની ચર્ચા કરી
એક બીજાને અમે અડતાં નથી

લ્યો, તમે તો ઉંચકી લીધો મને
આજથી ધરતીએ પણ નડતાં નથી

19.5.11

નર્યા આ પ્રતિબિંબના એક શહેરમાં
કદી સાચનો અંચળો તું પહેરમાં

સમુંદરમાં મળતી સરિતાની માફક
ભળી જાય શબ્દો ગઝલની બહેરમાં

વળી ક્યાંક છુટ્ટા થયા કેશ એના
વળી એ જ ખુશ્બુ હવાની લહેરમાં

પ્રભુ નામ નો લઈને શ્રધ્ધા કટોરો
હરિ રસને મીંરાએ પીધો ઝહેરમાં

સતત આંસુઓથી સિંચીને હજી પણ
બળે એક દિવો કબરનાં કહેરમાં

17.5.11

ર મહીં દિવાલ કરમાં, ચાલશે
એ ચણાઈ સૌ હ્રદયમાં, ચાલશે

પારદર્શક પ્રેમ બીડ્યો હોય, તો
એકલી કોરાશ ખતમાં, ચાલશે

હાથની રેખા અડાબીડ, ધૂંધળી
સ્વપ્નને રાખો નજરમાં, ચાલશે

શ્વાસમાં ટહુકા તણી ભીની અસર
આવનારી પાનખરમાં ચાલશે

બહાર મારૂં, પણ ભીતરમાં એમનુ
નામ, જો કોતર, કબરમાં, ચાલશે

13.5.11

જીંદગી અહીંયા જ ખોવાણી હતી
મોત પાછળ ક્યાંક સંતાણી હતી

લાગણીઓ બુદબુદાની છે હવા
એ અગર ફુટે, તો બસ પાણી હતી
...
મૌન નુ તો એટલું કહેવું હતું
એક એની યાતના, વાણી હતી

આચમન લીધું હતું મૃગજળ સમુ,
કે હથેળી આપણી કાણી હતી

શ્વાસનુ પળ પળ કરીને જાગરણ
સોડ મેં લાંબી હવે તાણી હતી
ને, પ્રથમ કાગળ તમારો ખોલતાં
વેદ ને ઋચાઓ જાણે બોલતાં

એક તો ઉજાગરા પાંપણ ઉપર
આંસુઓના ભારથી સમતોલતાં
...
કેટલી સદીઓ ગઈ ટહુકા કરે
વૃક્ષ ખખ્ખડધજ છતાંયે ડોલતાં

હું મને લાગું હવે પેન્સિલ સતત
કાળ ને સંજોગ અમને છોલતાં

કબ્રના જંગલની રોનક ઔર છે
મૌન ને એકાંત અહીં કિલ્લોલતાં

12.5.11

જીંદગી અહીંયા જ ખોવાણી હતી
મોત પાછળ ક્યાંક સંતાણી હતી

લાગણીઓ બુદબુદાની છે હવા
એ અગર ફુટે, તો બસ પાણી હતી

મૌન નુ તો એટલું કહેવું હતું
એક એની યાતના, વાણી હતી

આચમન લીધું હતું મૃગજળ સમુ,
કે હથેળી આપણી કાણી હતી

શ્વાસનુ પળ પળ કરીને જાગરણ
સોડ મેં લાંબી હવે તાણી હતી

10.5.11

હાથની રેખા અધુરી જોડવી છે
માન્યતાઓની મટુકી ફોડવી છે

સહેજ સંબંધો તણી ડાળી ઝુકાવો
એક બે મીઠી ક્ષણોને તોડવી છે

આજ જો રસ્તા વળે ના એ તરફ, તો
મંઝિલો ખુદને અમારે મોડવી છે

યૌવને જ્યાં આંગણે બચપણ હણ્યુ’તું
ત્યાંજ શૈષવ નામ ખાંભી ખોડવી છે

મન હજી ના માનતું, એને મઝારે
"છું", "નથી" ની એક તક્તી ચોડવી છે

8.5.11

577

મુકદ્દર ને કહી દો કે આડે ન આવે

અમારી વચાળે પહાડે ન આવે

એ લીલા કરમના હતાં કલ્પવૃક્ષો
ફીઝાં એમ અત્તર ઉગાડે ન આવે

હશે પોટલી લાગણીઓની, નહીંતર
કોઈ દોડતું, પગ ઉઘાડે ન આવે

તબીબો ન જાણે એ ઝખમો અનેરાં
બધી વાર પીડાઓ નાડે ન આવે

હતો શ્વાસ છેલ્લો આ લક્ષમણની રેખા
પછી મોતને એ સિમાડે ન આવે

7.5.11

બંદગી, મારી ફકત રજુઆત છે
આપવું, મરજીની તારી વાત છે

પી ગયો ઘોળીને ભરચક્ક ભીડને
એટલે તો ચોતરફ એકાંત છે

ઓસ પગદંડો જમાવે રણ ઉપર
આજ મૃગજળ પર ખરેખર ઘાત છે

તું કરે નફરત, અને પ્રેમાળ હું
વ્હાલનું વાતાવરણ સમધાત છે

આમતો એ પ્રાણવાયુ રેડતો
એક, છેલ્લો શ્વાસ ઝંઝાવાત છે

4.5.11

575

ઢુંઢવા મંઝિલ અમે નીકળ્યા હતાં
જીવવા જેવા મુકામો છે છતાં

જીંદગી નામે સજા દીધી મને
જન્મ લીધો એજ મારી છે ખતા ?

આજ સુધી ઉંબરાની કોઈએ
ના કીધી છે આગતા કે સ્વાગતા

ઠેસ વાગી આકરી જમણા પગે
મૈકદે તો બેઉ પગ સાથે જતાં..!!

શાંત, કોમળ, રાહ જોતી’તી કબર
કેમ જાણે હોય મારી વાગ્દતા..

3.5.11

દિવાલો વગરના કોઈ ઘરને શોધો
સવાલો નથી એવા ઉત્તરને શોધો

રિવાજો ભળે છે સતત માન્યતામાં
નદીમાં સમાતા સમંદરને શોધો

ઉગે પર્ણ પીળા, ખરે કુંપળો સૌ
બદલતા યુગોના ધરોહરને શોધો

ધરી ચોકટે શિશ થાક્યા હવે તો
કૃપા જ્યાં વરસતી નિરંતરને શોધો

મને નાતની બહાર કાઢી મુક્યો છે
હવે કોઈ રાણા સમા વરને શોધો

જવું કેટલે, એક "તારા" સહારે
ફટાફટ મળે એ પયંબરને શોધો

2.5.11

ચાલ ખુદા તીન પત્તી રમીએ
એક બીજા અણજાણ્યા રહીએ

લોક ત્રણેનો તું અધિપતી, ને
તઈણ અવસ્થાને અમ જીવીએ
...
બંધ તમારી બાજી, ને સૌ
બંધ કરી મુઠ્ઠી અવતરીએ

ચાલ મુજબનું પાનુ ખોલો
રોજ અમે સંજોગ ઉતરીએ

એક ન દેતા દાવ વધારે
શિશ ઝુકાવી માંગી લઈએ

જાણ બધું તું આગળ પાછળ
તોય બધું તફડંચી કરીએ

સો અભિમાની એક્કા ઉપર
એક અલખથી હારી જઈએ

1.5.11

આજ પાસા ફેંકવા છે
સૌ શકુની રહેંસવા છે

બંદગી કાજે ઉઠેલા
હાથ પાછા ખેંચવા છે

જે શિલાલેખો લખેલા
રક્તથી એ છેકવા છે

એક રેખા શું લખનની
સાત દરીયા ઠેકવા છે

પથ્થરે પોઢી ગયેલા
ઈશ્વરો છંછેડવા છે

શોધવા શૈષવને, ખિસ્સા
કાળના ખંખેરવા છે

શું ફરક પખવાજને હો
દાદરો કે કહેરવા છે