14.7.10

ગઝલ આજ પુરી લખાતી નથી
અરે..! શાહી કેમે સુકાતી નથી

અમે તો કલમ સહેજ ભીની કરી
અસર આંસુઓની ભુંસાતી નથી

ઝરે લાગણીઓ સતત ટેરવે
ફરક એ કે , ખળ ખળ એ ગાતી નથી

વિચારોના આંચળને દોહ્યા કરૂં
છતાં ગાય મનની દુઝાતી નથી

મતલા થી મક્તા સુધી પહોંચવા
ગલી કોઈ સીધી જણાતી નથી

સુતો, ના દીધેલી તમે, દાદ પર
બની ભિષ્મ, આંખો વિંચાતી નથી

ઘણુ થાય મારી ઉમર દઉં તને
દુઆ સાવ એવી અપાતી નથી

No comments: