30.3.11

કેમ એકાએક થંભી ગઈ હવા..??
મહેકનો થોડો નશો ઉતારવા॥!

ના સુણી, અમથું જવું’તું મૈકદે
દર્દ પહેલા મેં કરી લીધી દવા

સ્તબ્ધતા, એકાંત, એકાકી અને
મૌનથી ભરપુર મારો કાંરવા

જો હજો સંબંધ તો એવા હજો
વાંસળીના સુર, ને આ ટેરવાં

છે અરજ, કે વ્હેંત મોટી રાખજો
કબ્ર મારી, પગ જરા લંબાવવા

29.3.11

ઋણાનુબંધ નામે એક ખાંભી ખોડજો
સ પેરે સ્વાર્થનું શ્રીફળ ધરીને ફોડજો

ચુંટાયું જે રીતે, દેખી કળીઓ થરથરે
હવેથી ફુલ હળવેથી ચમનમાં તોડજો...

બધિરની આ સભામાં એટલું કરજો તમે
લખીને મૌનમાં ભાષણ પછી સંબોધજો

હજીયે ફોતરૂં બચપણની યાદોનું હશે બધાં
ગજવાં કરી અવળા જરા ફંફોસજો

કરી મેં શ્વાસ ખુલ્લાની જરા હદ પાર, તો
બળીને ભસ્મ થ્યો આ આયખાનો તોર
સ્વાર્થનાં સુરજ ડૂબ્યા ને આથમ્યા
ને, સબંધોનાયે પડછાયા શમ્યા

ના ભલે સુતો કોઈ શય્યા ઉપર
નફરતોનાં બાણ મેં ખાસ્સા ખમ્યા

જીંદગીના દાવ સંજોગો મુજબ
યા યુધિષ્ઠીર, યા શકુની થઈ રમ્યા

આપને શું જોઇ લીધા, કે મને
એક પણ ફુલો ચમનમાં ના ગમ્યાં

કબ્રમાં મારી સુકુને સલ્તનત
જોઈને, જીવતાં બધાયે સમસમ્યા

28.3.11

મારે શમણાના સુર લઈ ગાવા છે ગીત
પછી મહેફીલમાં હું ને મારો મનડાનો મીત

ક્યાંક પનઘટ પર બેસીને શબ્દોને તીર
હેલ છલકાવી, પાવા છે વહાલપનાં નીર

એના ઘરને વિંટળાઉં બની લાગણીની વેલ
રૂડા આંગણીયે ગહેકું, થઈ માનીતી ઢેલ

હાથ સળગાવી રમવાતાં નજર્યુના રાસ
ભલે ખોવાતી નીંદરની નથડી ચોપાસ

બેય અધરોને ચૂમું થઈ વાંસલડી આજ
કંઈક વેદનાઓ સહેવી છે બનવાને સાજ

ઓલા સુરજને કહી દો, શું તારી મજાલ॥??
મારી પાંપણ ઉભી છે બની નમણીશી ઢાલ
કહ્યું’તું કે શંકાનો ઠળીયો ન વાવો
જુઓ, આજ ઉગ્યા છે અનબન બનાવો

દ્રવી જાય બેશક આ બન્ને કિનારા
અગર મારા પત્રોની હોડી બનાવો

સમયની વછેરીના અસવારને કોઈ
મહેકતી હવા પર સવારી કરાવો

કરૂં જ્યારે સઝદા, ન છલકાય પ્યાલી
મને કોઈ એકાદ નુસ્ખો બતાવો

હવે આતમા સૌ હણાઈ ચુક્યા છે
મરણ નોંધ એની બધાને બતાવો

ખભે લઈ જવાને સદાયે ઓ તત્પર !
અમસ્તાયે અમને કદી કામ આવો

26.3.11

ધડકનો છે મોતની પગથાર પર

જીંદગીની ચાલ, જાણે ઉમ્રભર

કેટલી ઇચ્છાના દોડે મૃગ , હવે

મૃગજળે બે ચાર દિ’ વસવાટ કર


યાદ શું રાખું પ્રસંગોની ગલી

એક તરફી જીંદગીની છે સફર


રાત પુરી, ને ખતમ બોતલ બધી

એમ તો પીતાં અમે પણ માપસર


શ્વાસનાં શહેરેથી નીકળ્યા લ્યો અમે

એક હું, ને હમસફર મારી કબર

ક્યાંક મારામાં કશું ખુટે હજી

આ નગરમાં કોઈ ના લુંટે હજી


સુર્ય કિરણે પુષ્પની પાટી ભુંસી

રોજ ઝાકળ એકડો ઘુંટે હજી


સાંજની વેળા, સ્મરણની ડાળીએ

પર્ણ પીળું યાદનું તુટે હજી


છો ઘુઘવતો મધ્યમાં,પણ તટ ઉપર

એક પરપોટો બની ફુટે હજી


શ્વાસનાં વળગણ, સગાં સંધી છુટ્યા

હોઠથી એક નામ ના છુટે હજી

25.3.11

અરીસો..!! હવે ક્યાં સુધી આ અરીસો
હવે તો જરા ખુદ તમારામાં દીસો
.
મસીદેથી ભરચક્ક, દુખી મૈકદેથી
ભલા કોઈ નીકળ્યાનો છે કોઈ કિસ્સો॥?
.
વ્યથા વાંસની કેટલી વાંસળીમાં
અમે સાંભળી છે સુરીલી એ ચીસો
.
ગરીબો, આ દુનિયામાં ગણવા’તા મારે
ગણતરીમાં લગભગ હતાં આ રઈસો
.
સમયના બે કાંટા છે પથ્થર સરીખા
ઘડો શિલ્પ એમાથી, યા જાત પીસો
.
સુંવાળપ તો સપનેય નહોતી અમારાં
મઝારે મળ્યો, આખરે સ્પર્શ લીસો

24.3.11

લાખ દુ:ખોની એક દવા છે
એજ ખુદા, પણ હાથ નવા છે
હોય વ્યથા, માટેજ સવાઈ
દ્વાર ઉપર શ્રી નામ સવા છે
શ્વાસ સમયની ભાળ પુછે છે
ક્યાંક ઉભી રહી આજ હવા છે
રાત, ગુનો ચિક્કાર થયો’તો
જામ ખુટ્યા જે, એ જ ગવાં છે

23.3.11

હવા કંઈક જુદી વહે છે નગરમાં
તમારી જ ચર્ચા થતી હર ખબરમાં
.
હિસાબી તમે લાગણીના ધૂરંધર
અબોલા ખપાવી દીધાં કરકસરમાં॥!!
.
કસમનુ તો એવું કે દિવસે લીધેલી
તુટે, ઘુંટ પી ને બધી રાતભરમાં
.
હવે પાંખ ફેલાવો ગેબી દિશાએ
ચરણ ક્યાં સુધી આવશે આ સફરમાં
.
તને લત હતી જે, છુટી ના હજી પણ
સતત ડોકીયું કર બીજાની કબરમાં

22.3.11

એક મુઠ્ઠી રણ મને આપો
રેતનાં કામણ મને આપો
.
હાથમા ના હાથ દેવાના
ફક્ત બે કારણ મને આપો
.
ઝૂરતી રાધા, તમે લઈ ને
વેદનાનાં ધણ મને આપો
.
હોઠ બે ભેગા મળી કાયમ
મૌનનું વળગણ મને આપો
.
એમને રોકી શકું બે પળ
એટલી અડચણ મને આપો
.
બંધ આંખે દિવ્યતા ઝંખુ
મોતનું આંજણ મને આપો
.

21.3.11

न ये सोचना की भलाई कहां है
जरा ढूंढले तुं, खुदाई कहां है

ये आंखे, अदाएं, वो घुंघराले गेसु
इन्ही उलझनोसे रिहाई कहां है

गली, आशियां, मैकदा मस्जिदोंके
कीसी मोड पे अब दुहाई कहां है

नज़रसे ही मदहोश होकर चला तुं
अभी तक किसीने पिलाई कहां है

बयां दांस्तां के लिये जींदगीकी
कलममें मेरी वो लिखाई कहां है

मिली है तो हक़से मिली है ये दो गज़
ज़मी दोस्त तुमने दिलाई कहां है
એક પણ અક્ષર મને ઝંખે નહીં
આટલું તો મૌન પણ ડંખે નહીં

જેટલો તારા વિરહમાં છે મને
એટલો વિશ્વાસ આ તણખે નહીં

રે જટાયુ ભારથી ખુદના પડ્યો
કોઈના હાથે હણી, પંખે નહીં

શોભતો પાષાણ, તું શ્રધ્ધા થકી
ચક્ર, માળા કે ગદા, શંખે નહીં

દાદ દીધી મોતનાં મક્તા સુધી
આ સભામાં એક પણ મનખે નહીં

20.3.11

એકલતા સથવારો દેવા આવ તું
ટોળે ના જીવવાનું અમને ફાવતું
.
પથ્થર દિલ બેશક એ થઈ ને આવશે
પડઘાને હોકારે ના સરખાવ તું
.
કાયમ ગમતી તારી આ અલ્હડ અદા
અણજાણી થઈ પાલવને સરકાવ તું
.
દાનો દુશમન અંગત થઈને મ્હાલતો
આખું જીવતર અમને કાં અજમાવ તું
સાકી મારા કાને પડતાં, કિસ્સા તારે લગતાં રે
મયખાનેથી પાછા વળતાં કોઈ નથી ડગમગતાં રે
ઘોંઘાટોના ટોળામાં તું કાન કરી સરવા લેજે
ચૂંટી લેજે એકલ દોકલ ટહુકા તું મનગમતાં રે
મંઝિલ કરતાં મુકામની ઝાઝી ચિંતા કરતાં લોકો
કાંઠે બેસી મધદરિયે જાવા ને એ થનગનતા રે
ફુટપાથે થાકીને સુતાં, ઓઢીને નસકોરાં, ને
સો મણ પોચી તળાઈ વચ્ચે નીંદરને કરગરતાં રે
બે ત્રણ શ્વાસો અહીં લીધા ને છેલ્લો તારા ઘરમાં રે
આપણ તો તારી ને મારી દુનિયા વચ્ચે ફરતાં રે
સરનામુ મારૂં છે શમણા બે ચાર
અજવાળે ઘર મારૂં શોધો બેકાર
.
મળશે જો વીરડીનાં મીઠા એંધાણ
કોને છે દરિયાની સહેજે દરકાર
.
પંખીના કલરવમાં સુણજો દઈ કાન
ખરતાં કોઈ પર્ણોનો હળવો ચિત્કાર
.
દરવાજો, જાળવવા ફળીયાની શાન
ડગલુંયે ભરતો ના ઉંબરની પાર
.
ચોખંડી પથ્થરમાં ધરબીને જાત
પુષ્પો, ને આંસુનો ભરતો દરબાર
ક્યાં હવે એ જામ ને સાકી મળે
મૈકદું એકાદ એકાકી મળે

બાગમાં તેં ફુલ સુંઘ્યા કેટલા
પહોંચ ના એની કદી પાકી મળે

એ હિસાબે જાગરણના ચોપડે
રાત લેણી આપણી બાકી મળે

લાગણીથી વૃધ્ધ એ ચહેરે હવે
મુછને દોરે જ કરડાકી મળે

મૌલવી કે સંત પાસે ના જવું
દર્દે દિલ ને ડામવા ફાકી મળે..!!

જે બધાં તરતા હતા, મડદા હતાં
મોતના દરિયે, ન તૈરાકી મળે

19.3.11


નફ્ફટ જલસા, યાને હોળી
વાત અમે કાઢી એ ખોળી

ક્વિંટલ, કિલ્લો, ગ્રામ કે તોલા
કોઈ શકે મસ્તી ના તોળી

રંગ ભરી પિચકારી મારો
કીસકા દામન કીસકી ચોળી

એકલ દોકલ કોઈ ના દિસતું
ચારે બાજુ ટોળાં ટોળી

કુંભકરણ ઠઠ્ઠા મસ્તીનો
જાગી ઉઠતો આંખો ચોળી

ખેતર શેઢે, કેસુડાની
રંગ છલકતી ગાગર ઢોળી

ભાંગ મહી પીતા સહુ લોકો
નફરત એક બીજાની ઘોળી

ચાંદો ઉગે થાળી જેવો
હલવા પૂરી, પૂરણ પોળી

ભડભડશે ચોરે ને ચૌટે
સઘળા દુષણ, આગ ઝબોળી

ગમ્મે તેવો હોય છતાંયે
હોળી એટલે બાપુ, હોળી

17.3.11


હતાં ના હતાં થાય, નામી અનામી
તને પૂછનારૂં, ન કોઈ સુનામી

.
ભલા એક ચીઠ્ઠી ચબરખી તો મોકલ..!!
થશું સજ્જ સત્કારવાને , સુનામી

16.3.11


પ્રતિબિંબ મારૂં મેં શંકાથી જોયું
નજીક, દૂરથી જાણે ક્યાં ક્યાંથી જોયું

હતો હું, કે મારા બુઝર્ગો હતા એ
ખણી એક ચૂંટી, અચંબાથી જોયું

કરચલી ભર્યા શહેરમાં માત્ર લીસું
શીરે આંગણું મેં હતાશાથી જોયું

ભલે સાવ ખંડેર થઈ ગઈ ઈમારત
અમે તો તમન્નાનાં પાયેથી જોયું

જીવનની શમા પર સતત જે જલે એ
પતંગાને જુદા તરીકાથી જોયું
મૃગજળ સિંચીને અમે વવ્યા’તા થોર
ઉગી’તી એમા ધગધગતી બપ્પોર

સાચું પુછો તો હતી શમણામાં મોજ
જ્યારે જોઉં, તું હતી નવલી નક્કોર

ગુસ્સામાં તારો એ છણકો તો ઠીક
પડઘોયે લાગે છે શબરીના બોર

અમથા જો ટકરાયા ખુલ્લી બજાર
શંકાનાં ઘેરાશે વાદળ ઘનઘોર

પાછળ હું પડતો’તો જેની , એ લોક
મારા જનાજાએ મારીયે મોર
શબ્દ આવ્યા બેઉના ભાગે સખી
તેં મઠાર્યું મૌન, મે ગઝલો લખી

અહીં વ્યથા રીંદો તણી હોમાય છે
આજ મયખાને અલખ ધૂણી ધખી

સ્તબ્ધતાના વહાણ દરિયે લાંગર્યા
એક ના પહોંચી કિનારે લહેરખી

અંગ વાંકા, પણ સફર સીધી સરલ
રણ અફાટે સાંઢણીને પારખી

છે લખેલા નામ ત્યાં બધ્ધાય ના
નીકળી આજે, અમારી ચબરખી
આજ મેં ખુદની કરી હત્યા, સુણો
લાગણીનો ગાળીયો લઈને કુણો
આ ધરા તો ગોળ છે, ને હું તને
શોધવા ફંફોસતો’તો હર ખુણો
દાખલા હાથે કરી અઘરા ન કર
ભાગવાની વાતને નાહક ગુણો
હાલ-એ-દિલ દુનિયાના ચીંથરેહાલ છે
ખા-મ-ખાં સંબંધના બખીયા તુણો
જે સતત ધોવાય છે આંસુ થકી
એ ક્બરને ના કદી લાગે લુણો

15.3.11

નામ પણ તારૂં નથી અમને ખબર
ફેરવું માળા છતાંયે રાત ભર

શબ્દનાં સુક્કા ખરેલા પાંદડે
પાંગરે મારી ગઝલમાં પાનખર

અંધકારે દિવ્યતા ધારણ કરી
મૌન ઉભું રાત આખી શગ ઉપર

જીંદગી આખી સતત ઝણકારવા
ટેરવાએ તાર પર ખેડી સફર

હું પણાના બોજ નીચે માનવી
આખરે ધરબાઈને બનતો કબર

11.3.11

દ્વાર હજો, ના સાંકળ બનજો
સોચ વિચારે વાદળ બનજો
ધાર મુશળ, વરસ્યાને બદલે
ફુલ ઉપર ની ઝાકળ બનજો
રાહ સદા, અખબાર નહી પણ
પ્રિય સખીનો કાગળ બનજો
આંખ સર્યું અશ્રુ ના હરગીઝ
મૃગનયનીનુ કાજળ બનજો
જીવ ભલે ચંચળ હો કિંતુ
મોત સમે વિંધ્યાચળ બનજો

10.3.11

હવે ક્યાં એ મંઝિલ, હતો ક્યાં એ રસ્તો
ચરણ લઈને સાથે ફરૂં છું અમસ્તો
.
હમેશા જ ખતમાં તમારા, પ્રથમ સૌ
લખી એજ લિખિતંગ હું તોડું શિરસ્તો
.
નગર મૌનનું આજ ખૂંદી વળ્યો હું
રખે ક્યાંક પડઘો મળી જાય સસ્તો
.
અરે...ખનદાની ને નામે જીવનમાં
સ્વિકારી અમે કેટલીયે શિકસ્તો
.
દઈ કાંધ અમને હરેક લઈ જનારો
અમારે તો મન લાગતો’તો ફિરસ્તો

9.3.11



હોળી...એક વૃધ્ધ દંપતિની...

ચાલ ફિલમ "હમદોનો" માફક, રંગ ફરીથી ભરીએ
જે કંઈ થોડા વેશ હજુ બાકી છે પુરા કરીએ

રંગ ઉષાનો શ્વાસ ભરી, ઝાકળ ઝીણી ઓઢીને
સહેજ અડપલે એક બીજાને વહાલ થકી ભિંજવીએ

ગાલ તણો ગુલ્લાલ ભરીને યાદોની પિચકારી
ધ્રુજતા હાથે મારૂં ત્યારે બન્ને બોખું હસીએ

ફાગણ બાગણ ઠીક ભલા, દિકરાનાં માગણ છઈએ
ડાળ લઈ કેસુડા કેરી ડગમગ પંથ નીસરીએ

સઘળી ઘટના કડવી આજે, ડહાપણ ચોકે ખડકી
લાગણીઓની દિવાસળીએ હૂંફની હોળી રચીએ
...

6.3.11

અજંપામાં જંપીને જીવતી આ દુનીયા
છતાં ચૂં કે ચાં પણ ન કરતી આ દુનીયા

હજી ક્યાંક ટહુકા દિવાલે જડીને
સિમેંટોના જંગલમાં રહેતી આ દુનીયા

સમયનાં સકંજામાં, અધ્ધર ચડાવી
સમી સાંજના શ્વાસ લેતી આ દુનીયા

પ્રસંગે, સબંધો ખરીદી બજારે
પડીકે રૂપાળામાં ધરતી આ દુનીયા

પ્રથમ લાશ કોની હતી એ પુછીને
દિલાસાના બે બોલ કહેતી આ દુનીયા

નથી કોઈને ખુદનો મકસદ ખબર પણ
જીવીને સમયસરનુ મરતી આ દુનીયા

5.3.11

સ્તબ્ધતાના શહેરમાં પગરવ બનીને નીકળ્યો
રામ સામે અશ્વમેઘે લવ બનીને નીકળ્યો

વ્રત ધરીને શાંત ઉભા મોરના ટહુકા તણા
મૌનના પડઘે ફરીથી રવ બનીને નીકળ્યો

આયને સંબંધના પ્રતિબિંબ સઘળા જોઇને
પાર્થનું સંધાન થઈ, અવઢવ બનીને નીકળ્યો

અવનવા મીઠા અને કડવા પ્રસંગો પી ચુક્યા
બોખલા મુખથી શબદ, આસવ બનીને નીકળ્યો

બે નઝર ટકરાઈ ને તણખો ઝર્યો જે ઈશ્કનો
એક તારી હા પછી એ દવ બનીને નીકળ્યો

જીંદગી પર્યંત બધાંયે વેશ મેં ભજવી લીધાં
એક જે બાકી હતો, એ શવ બનીને નીકળ્યો

4.3.11

સમયના કમળમાં ફસાયો ભ્રમર છું
કદી આવવાનો નથી એ પ્રહર છું

બધાં પોષતાં એક સંશય તરીકે
નથી કોઈ પહેચાન તોયે અમર છું

ભલે સાત સાગર ઘુઘવતાં હ્રદયમાં
કિનારાએ મસ્તીથી વહેતી લહર છું

તિખારો છું ચકમક વચાળે ક્ષણિક હું
કટાણે જલું તો સદાયે કહર છું

હજી કાન પગરવ તમારાથી સરવા
ખબર છે છતાં, માત્ર નિર્જન કબર છું


એક કડવા વેણનો પથ્થર જરા ફેંકી દીધો
લાગણીનો મધપૂડો અમથો તમે છેડી લીધો

મૈકદુ મેવાડ ના, રાણો નથી સાકી, છતાં
બાવરા થઈ જામનો આખો કટોરો મેં પીધો

દ્વાર પર કીધી અલી બાબાની માફક ચોકડી
એટલોયે ઘોર ક્યાં અપરાધ મેં તારો કીધો ?

બાંગ, તસ્બી, મસ્જીદો, સઝદા અઝાં એળે ગયા
આખરે રસ્તો કબરનો લઈ લીધો મળવા સીધો

2.3.11

શબ્દ જટાથી, ગંગ સ્વરૂપે રદીફ કાફીઆ વહે
એક કરે મત્લા નું ડમરૂં, ત્રિશુળે મક્તા રહે

છંદ ગળે, રજુઆત મઝાની નેણ ત્રીજું થઈ ખુલે
ચર્મ ધરે લયનું કેડે, ને તાન ભભુતિ ચહે

સહેજ સુણી ’ઈર્શાદ’, દાદ "તાંડવ" મહેફીલમાં રચે
આજ ગઝલ લઈ રૂપ અનોખું, "શિવો અહમ" જો કહે

ઓમ નમ: શિવાય
ઓમ નમ: શિવાય
ઓમ નમ: શિવાય