31.12.07


ભલે નામના આજ તારી બડી છે
હતી આબરૂ જે, ઉઘાડી પડી છે

અરે! "ઉફ"ના તારો ફરી ઝણઝણ્યા કાં
હજુ આંગળી ક્યાં અમારી અડી છે

થઈ કાશ ભિક્ષુક ઉપાડી જતે પણ
તમારીજ ખેંચેલી રેખા નડી છે

હવે ના કહો કે અભાગી હતો હું
તમારા પ્રતાપે આ વસમી ઘડી છે

ફળે કે ફળે ના આ જીવતર ખબર ક્યાં
કવિતાની જાણે અધુરી કડી છે

પૂકારો છડી, સૌ ગગન ભેદી નાંખો
ચિતાએ અમારી સવારી ચડી છે

ફરી કોઈ ચોરાહે પાછા મળીશું
મને આજ કેડી ખુદાની જડી છે

સપ્તમાં હું આગવો એક સુર છું
દેવકીનું આઠમું હું નુર છું

છિનવું, ને ચીર પણ પુરા કરૂં
પ્રેમમા કાયમ પણે મગરૂર છું

લઈ સ્મરણ રાધા અને મીંરા તણું
વાસળીના શ્વાસમાં ચકચુર છું

ચક્રધારી, પણ વદન પર સ્મિત છે
વ્હાલથી નીતરું છતાં પણ ક્રુર છું

આંગળી ઉપર ભલે પર્વત હતો
ભક્તને કાજે યમુના પુર છું

પોટલી હો પ્રેમના તાંદુલ તણી
આપને સત્કારવા આતુર છું

ગાવ કેદારો, ધરો કરતાલ તો
માત્ર કહેવા પુરતો હું દુર છું

વાંસળી રૂપી જીવન ગમતું હતું
આંગળી માફક કોઈ રમતું હતું

ટેરવાં કણસી રહ્યાં ઝણકારમાં
ને જગત,ક્યા બાત હૈ, કહેતું હતું

વાહ દુબારા, કહી દીધું મ્રુત્યુ ઉપર
ક્યાં કોઈ બીજી વખત મરતું હતું

મોત નામે બંધ તે બાંધી દીધા
જીંદગી, કેવું ઝરણ વહેતું હતું

આ કિનારાને હવે ઝાઝા ઝુહાર
સાદ સામેથી કોઈ કરતું હતું

30.12.07


વાયા વાસંતી વાયરાઓ વ્હાલના
કેવા ટશીયા ફુટ્યા છે એના ગાલના
વાયા વાસંતી વાયરાઓ વ્હાલના

ઝરમર ઝરમર વર્ષા વરસે
ખળખળ ખળખળ ઝરણાં ગહેકે
એણે સાથીયા પુર્યા છે કેવા તાલના
વયા વાસંતી વાયરાઓ વ્હાલના

લાલ ચણોઠી ફાંટ ભરીલો
કેસુડાને હાથ ધરી લો
બધાં વાસી થઈ જાય રંગ કાલના
વાયા વાસંતી વાયરાઓ વ્હાલના

વીજળી ચીતરે કેડી નભમાં
ચાસ પડ્યા ખેતરના પટમાં
કોણે ચાતર્યા ચીલા છે આવા ચાલના
વાયા વાસંતી વાયરાઓ વ્હાલના

29.12.07


ये सांसो का होना कहां तक चलेगा
युं ही आना जाना कहां तक चलेगा

बुरे ही सही ख्वाब देखेंगे लेकीन
पलक ना झपकना, कहां तक चलेगा

कभी बात हमसे भी करले ओ जा़लिम
युं ही मुस्काराना कहां तक चलेगा

कटी रात सारी, अभी जाम भर दो
नझ़र से पिलाना कहां तक चलेगा

चलो आझमाये नया कोई आलम
यही एक ठिकाना कहां तक चलेगा

ज़रा मूडके देखो, है कितने दिवाने
हमे याद रखना कहां तक चलेगा

27.12.07


कभी हम भी हंसतेथे पुछो उन्हे तुम
दिलो जां मे बसतेथे पुछो उन्हे तुम

न गरझे थे बादल न चमकीथी बिजली
बखुबी बरसतेथे पुछो उन्हे तुम

हमे आयनेसे थी अक़्सर शिकायत
सम्हलते हि फंसतेथे पुछो उन्हे तुम

निकलना हि होता था कुचेसे उनके
वंही से ये रस्ते थे पुछो उन्हे तुम

पडोशी, पयंबर ये प्रितम थे महेंगे
हमी दोस्त सस्तेथे पुछो उन्हे तुम

हमे क्या पता मैक़दे कौन लाया
कोई तो फरिश्तेथे पुछो उन्हे तुम

ग़मे ईश्कमें अपना सब कुछ गंवाया
यही तो शिरश्ते थे पुछो उन्हे तुम

गिरा एक तारा जो निकले ये आंसु
निभाये युं रिश्ते थे पुछो उन्हे तुम

26.12.07


અમે ઈશુ
પ્રણામશુ
ઉરે દિવો
પ્રજાળશું
દયાનિધિ અમે તને આ સ્તંભથી ઉતારશું
ને કાષ્ઠ બે લઈને સેતુ પ્રેમના બનાવશું
અસત્યને
જલાવશું
તિમિર સદા
હટાવશું
હવે નહીં
પ્રહારશું
ફુલો થકી
વધાવશું
ઉરે દિવો
પ્રજાળશું
તને ઈશુ
પ્રણામશું

22.12.07

આગળીયો ખુલ્લો છે આવો
અટકળની સાંકળ ખખડાવો

ભીના ભીના શમણાઓથી
નીંદરની નગરી મહેકાવો

પગલું એ પરથમ મુકે ત્યાં
ચંપો ને કેસુડો વાવો

મારી રેખ તમારા સુધી
તાણું, બેય હથેળી લાવો

લગણીઓનો લુણો લાગ્યો
પત્રો હળવેથી ઉથલાવો

’કાબા’ ઉપર "રામ" લખીને
સમજણના સેતુ બંધાવો

20.12.07


અમારી ચાલ છે ને જીતની બાજી અધુરી છે
છતાંયે ચાલમાં તારી હજુ ઝાઝી ગરૂરી છે

ભરીલ્યો દુન્યવી ભાથાં અસંતોષી પટારામાં
અમારી ફાંટમાં શ્રધ્ધા અને થોડી સબુરી છે

ઘણી આશાઓથી ઈશ્વર ભરી તેં આવતીકાલો
અમે સૌ પૂજતા રહીયે, પ્રભુ તારી ચતુરી છે

ભહુ રાખ્યો ભરોસો એ ખુદા તારા ઉપર સહુએ
હવે પગભર થવા માટે હવા તાજી જરૂરી છે

સુરાલયમાં અમારી યાદ ના કંડારશો નાહક
અમારી યાદ માટે પુરતી પ્યાલી મધુરી છે

ઘટી ગઈ ઘટના પનઘટમાં
ખિલી ઉઠે સપના પનઘટમાં

લચી પડ્યાં ગુલમ્હોર ગુલાબી
રસ્તે ચાહતના પનઘટમાં

નદી વહે જાણે નીતરતી
ઝાંઝારડે પગના, પનઘટમાં

પતંગિયા, ભમરા પર ઉતર્યા
ઓળા આપદના પનઘટમાં

નયન હતાં આકાશી, જાણે
પડછાયા નભના પનઘટમાં

ઉડી હવામાં કેશ લતા સમ
મહેકે અનહદના પનઘટમાં

બહુ છલ્યાં જોબનીયા, થઈ ગ્યાં
ધજાગરા તપના પનઘટમાં

19.12.07


ધારો કે આજ ઓલો
સુરજ કહી દે કે મારી
છુટ્ટી છે કાલ નહી આવું...

બીજુ તો ઠીક ઓલા
અઢળક તારલીયાનો
ઓવર ટાઈમ કેમ કરી લાવું...

પંખીના કલરવ ને
સુંવાળી ઝાકળ, શું
ઊષાને મોઢું બતાવું....?

જાગોને જાદવા ને
ક્રુષ્ણરે ગોવાળીયાને
અમથું અમથું રે કેમ ગાવું....

સપના ખુટશે ને પછી
નીંદર ઊલેચવાને
વણઝારી વાવ ક્યાંથી લાવું...

વિનવો આ સુરજને
તપતો રહેજે રે બાપ..!
તાત થઈ કેમ કરો આવું....
હવે કહેતો નહી કે નહી આવું
હવે કહેતો નહી કે નહી આવું…….

15.12.07

तेरे ग़ममे अभी भी है वो दम
मरने वाले कहां तुज़पे है कम

झुर्म ढाता है शीशा ये अक़सर
जैसे रूठा हुआ है वो हमदम

ये नझर क्युं झुकीसी है मेरी
बोज भारी था, है आंख भी नम

ज़ीक्र कैसे करुं यारो उनका
नींदमें हम थे,ख्वाबो में भी हम

ज़ख्म इतने है दिलमें हमारे
उसका जल जाना ही बस है मरहम

14.12.07


શૂન્ય છું, તો પણ ભરોસો છે મને
એક-તારો સાથ હો, તો દસ બને

લાગણી, શબ્દો હુંફાળા ને ગઝલ
જે હતું આપી દીધું, મારી કને

વારતા ટૂંકી, અને પ્રસ્તાવના
એક આખો ગ્રંથ હો એવું બને

આંખની પિછાણ પણ ન્હોતી છતાં
ઓરતા એવા કે બસ મળવું તને

મૌનની ભાષા હતી મારી ફકત
તોય પણ ઈર્ષ્યા થતી સંવાદને

13.12.07


લીટી પ્રભુ તેં હાથમા બે ચાર દઈ દીધી
તકદીર નામે ઝાંઝવી ચકચાર દઈ દીધી

જોકે હતું સમસ્ત મારી આંખમાં છતાં
એના ગયાની લાગણી સુનકાર દઈ દીધી

દીધાં ભલા તેં જામ, સુરાહી અને પછી
ખાલી પણાની વેદના ચિક્કાર દઈ દીધી

ઉગી હજુ જ્યાં પ્રેમની ઉષા રતુંબડી
કાળી કલુષી રાત આ ભેંકાર દઈ દીધી

ચાહ્યો હતો મેં લાગણી તંતુ કમળ સમો
સગપણ સમી આ જાળ તેં હદબહાર દઈ દીધી

કાશી લગીની જાતરા પુરી કરી’તી ત્યાં
ચોર્યાશી લાખ ખેપની ભરમાર દઈ દીધી

કોડાઇ કેનાલ વિષે.....




નજરમાં સમાણું એ લુંટી રહ્યો છું
અલભ એવું શમણું હું ચુંટી રહ્યો છું

લઈ બુંદ ઝાકળ, ને પર્ણો સુંવાળા
ખરલમા હું આંખોની ઘૂંટી રહ્યો છું

ચટક લાલ ગાલીચે પર્ણો સ્વરૂપે
દિવસ રાત હળવેથી તુટી રહ્યો છું

નરમ ઘેંસ તડકામાં કૂણી હવાનો
થઈ એક પરપોટો ફુટી રહ્યો છું

પ્રભુએ દીધું છે ભરી ખુબ ખોળો
છતાં સાચવણમાં હું ત્રુટી રહ્યો છું

12.12.07


ગલી, ઘર કે ડેલીને છોડી નથી મેં
રસમ આજ વરસાદી તોડી નથી મેં

બધાં દોસ્ત ઉભા છે ખભ્ભો ધરીને
છતાંયે મટુકીને ફોડી નથી મેં

સમંદર ને ખેડ્યા પછી આ મળી છે
કરચલીઓ ઉછીની ચોડી નથી મેં

વ્યથા સાંભળીને હસો, છો મનોમન
હતી જેવી છે આ , મરોડી નથી મેં

ઉગ્યા પથ્થરો જ્યાં જ્યાં આંસુ ખર્યા’તા
અમસ્તી આ ખાંભીઓ ખોડી નથી મેં

11.12.07


સાવ ભોળું ભટાક મારૂં કુંવારૂ મન
વળી કેટલીયે હોય એમા મીઠી ચુભન
મારું કુંવારૂ મન.....

પાંચીકા ટિચતી ને ફલડાં ઉલાળતી
ગમતીલી ગલીયો ને થન ગન ઉપવન
વ્હાણાની વાવ ચડું પગલે પતંગીયાને
અલ્હડ પણાની હેલ , લચકંતું તન
મારૂં કુંવારૂ મન.....

હાટડીમાં મેળાની પપોટ લેવાને જતાં
સ્પર્શ્યો કોમળ, ને હું તો રહી ગઈ’તી સન્ન
વ્હાલ સખી સહિયરીઓ કે’દુની કહે, તેં તો
ખુલ્લમ ખુલ્લા રે દીધાં તન મન ને ધન
મારૂં કુંવારૂં મન.....

પિયરની ઝાંપલી થી સાયબાની વેલ સુધી
હોંશને દઝાડતી આ કેવી ઉલઝન
ગમતી વિદાયની આ વસમી વિટંબણાઓ
તરસું વાલમ, ને છોડું વ્હાલપનુ વન
મારૂં કુંવારૂં મન.......

સહી છે ઠોકરો પગની અમે જમણા ને ડાબામાં


સહી છે ઠોકરો પગની અમે જમણા ને ડાબામાં
પડે પગમાં બધાં , જો હોત હું મંદિર કે કાબામાં

અસંખ્યો તારલા ભાળીને ના કર કલ્પના એ દોસ્ત
હતાં મારા એ સપનાઓ જે ટાંક્યા’તા મે ધાબામાં

કહે છે મૈકદા ઢૂંકડો છે રસ્તો સ્વર્ગ નો સૌથી
પીવું છું એટલે રહેવા પ્રભુ તારા ઘરોબામાં

સમી સાંજે અમે બેઠાં ખરલ લઈને અનુભવની
ઘુંટ્યા છે ખૂબ મેં દર્દો જીગર મારા કસુંબામાં

ન ચાંપો આગ , ભારેલી છે હૈયા ઝાળ રગ રગમાં
ચિતા સળગી ઉઠે , ને રહી જશે લોકો અચંબામાં

7.12.07

રાત હતી ઈશ્વરનું મટકુ


રાત હતી ઈશ્વરનું મટકુ
મટકામા સપને હું ભટકું

વાસ કરું તારી આંખે, ને
દુનિયાની આંખે હું ખટકું

કાળ અને સંજોગો માંહી
લોલક સમ વચ્ચે હું લટકું

લાખ ઉપર ચોર્યાશી ફેરા
કેમ ખબર ક્યારે હું અટકું

મોહમયી માયા નગરીથી
ધૂમ્ર સમો થઈને હું છટકું

દ્વાર ખખડતું અરધી રાતે, અધ બિડેલી આંખે
કો’ક ટપાલી પરબિડીયામાં શમણાં બીડી, નાખે

એક તરફ ઘટનાઓ રાખું જીવતરની સંગાથે
બીજે, તારી યાદ અમસ્તી, પલડું ભારી રાખે

નીલકંઠ છું સાવ, વલોવી દરિયો આખો પીતો
કોણ ભલા શબરીની માફક ઘાટ ઘાટની ચાખે

આમ જુઓ તો જાત અમે સંકોરી નાખી તોયે
આજ હજુ વિતેલી વાતે વિસ્તરતું કોઈ પાંખે

સોડ અમે તાણી, લે ઈશ્વર હિસાબ કરીએ પુરો
રોજ ઉઠીને બીક મરણની કોણ તમારી સાંખે

છેવટે સુરજ અમોને હાથ તાળી દઇ ગયો
કેસરી ખેંચી દુપટ્ટો, રાત કાળી દઈ ગયો

બાગને સોંપ્યો ભરોસે જેમના આખો અમે
પુષ્પને ચુંટી , નરાધમ એજ માળી દઈ ગયો

દોસ્ત મે માંગી હતી ઊષ્મા ભરી બે પળ અને
ખૂંચતી દિલમા સતત યાદો સુંવાળી દઈ ગયો

ઓરતા ફાગણ ગુલાબી કંઈ હતા હોળી તણાં
દિલ મહી સળગ્યા કરે એવી દિવાળી દઈ ગયો

જ્યાં હજી જાણ્યું કે સાલી જીંદગી શું ચીજ છે
ત્યાં પ્રભુ તું મોતની લાલચ રૂપાળી દઈ ગયો

6.12.07


અશ્રુ ભીની રાત હતી એ
મારા દિલની વાત હતી એ

કાતિલ આંખો સહેજ ફરી જો
ક્ષણની, તોયે ઘાત હતી એ

થર થર ભીની કોઇ પ્રતિક્ષા
હોઠો પર તૈનાત હતી એ

રસમો તુટી , જામ છલાયા
મહેફિલની શરુઆત હતી એ

મત્લા , મક્તા કાંઇ ન જાણુ
નમણી શી રજુઆત હતી એ

છલકતાં જામનો છલકાટ છું હું


છલકતાં જામનો છલકાટ છું હું
તરસતા હોઠનો તલસાટ છું હું

ભલે કાજળ અને ઘુંઘટ હો આડે
નશીલી આંખનો ચળકાટ છું હું

ખનન ખન કાનમાં બાજે મધુરો
સુહાગી રાતનો ખનકાટ છું હું

ભરી લો શ્વાસમાં , રગરગ ધરી લો
ધરાની ગંધનો મહેકાટ છું હું

સદાયે દોસ્ત તારો હમસફર છું
ચિતા તારી તણો ચહેકાટ છું હું

પતા ખુશબુઓંકા હવાસે હી પુછો


પતા ખુશબુઓંકા હવાસે હી પુછો

અદા ચીઝ ક્યા,દિલ જવાં સે હી પુછો


યે થર્રાતે લબ ઔર યે ઝુકતી નિગાહેં

હે કિસકે લીયે વો હયા સે હી પુછો


હુઈ ચંદ રોજોમેં ઇતની કરીબી

ઝખમ દાસ્તાને દવાસે હી પુછો


પુકારોગે કબ તક મિનારો પે ચડકે

કહાં તક યે પહોંચી અઝાં સે હી પુછો


કહા કુછ ભી હોગા યું મદહોશીયો મેં

વો અલફાઝ ક્યા થે ઝુબાં સે હી પુછો


કોઇ આખરી હોગી જલનેસે પહેલે

પતંગે કી ખ્વાઈશ શમાકો હી પુછો

26.11.07

.......બોમ્બ...બ્લાસ્ટ.........


સુરંગો હજુ કેમ ફુટ્યા કરે છે
સબંધો મહી કંઈક ખુટ્યા કરે છે

ધજાઓ ધવલ બેય છેડે ફરકતી
છતાંયે હજી તીર છુટ્યા કરે છે

ભલે પ્રેમ છલકંતો બન્ને કિનારે
ભરોસાના સેતુઓ તુટ્યા કરે છે

લૂંટી આબરુ માણસે માણસોની
હવે માણસાઇને લુંટ્યા કરે છે

બધાં ગટગટાવો, બની આજ મીંરા
ભલે ઝેર રાણાઓ ઘુંટ્યા કરે છે

22.11.07

.....શિયાળા ની સવાર.......


કૂપળ ફુટ્યાનું મને સપનું આવ્યું
ને મારી ઉગી’તી લીલ્લી સવાર
સુરજ પહેરીને થયો , હરિયાળા સાફાને
લીલુડે ઘોડે અસવાર......
મરી ઉગી’તી લીલ્લી સવાર

આંખ્યુંની છાજલીયો વારતાઓ થઈ ગઈ ને
છત્રી નો ઉતર્યો ખુમાર
તડકાઓ આજ હવે લાગે છે છાંયડા ને
છાંયડાઓ મળતા ખુવાર......
મારી ઉગી’તી લીલ્લી સવાર

રણમાં લહેરાય હવે લીલા વંટોળ
નથી મ્રુગજળનો સહેજે અણસાર
ધરતીયે ટાઢકથી ધગધગતી આજ
જાણે મખમલીયો મ્હોર્યો જુવાર......
મારી ઉગી’તી લીલ્લી સવાર

ભાલેથી દડદડતાં પ્રસ્વેદી સસલાંઓ
ઝાકળનો જાણે અવતાર
અગનિની પરબુને માંડે , જે ભામાશા
એને છે ઝાઝા જુહાર.......
મરી ઉગી’તી લીલ્લી સવાર

આંખોમાં ઉભર્યું આ ધુમ્મસ


આંખોમાં ઉભર્યું આ ધુમ્મસ
કે નભથી વરસ્યું આ ધુમ્મસ

ઉષાનો ઉચ્છવાસ થઇને
શ્વાસોમાં સરક્યું આ ધુમ્મસ

કૂંપળ પર ઇશ્વરનું જાણે
વ્હાલ સમુ નિતર્યું આ ધુમ્મસ

સુરજની સંતાકુકડીમાં
આજ ફરી છટક્યું આ ધુમ્મસ

દિલ મેલા ચશ્મા ને કાઢી
દેખ , હવે વિખર્યું આ ધુમ્મસ

15.11.07


નદીઓ , ઝરણ વાંઝણા આંખમાં છે
છતાંયે સમંદર ઘણા આંખમાં છે

પડી’તી નજર જે ક્ષણે આપની પર
પછી ક્યાં સમાણા કણા આંખમાં છે

હજુ યાદની સાંકળો ખટખટાવો
એ બારી અને બારણા આંખમાં છે

થિજેલી બધી લાગણીને પિગળવા
કર્યા અશ્રુના તાપણાં આંખમા છે

કહીદો નગર વાસીઓને હવેથી
વસેલા ફકત બે જણા આંખમાં છે

સતત પામવા સ્વપ્નમાં સ્પર્શ તારો
છુંદાવ્યા અમે છુંદણાં આંખમા છે
હું
કોઇ અદનો
કવિ નથી
કે
ગીત લખું
કોઇ ગીત રચું....
હું તો
ખંતીલો
મ્રુદુ ખાણીયો,
શબ્દ ખીણમાં
ઊંડો ઉતરી
છંદ પ્રાસને
તારવતો રહી,
ભાવ સમી
ભેખડને
ખોદું.....
ભેખડના
એ ભારા
લઇને
ગઝલ રૂપી
ગાડામાં નાખી
અવિરત ચાલે
હાકે રાખું........
હાકે રાખું........ હાંકે રાખું......

6.11.07

આખે આખી રે તને ચાખી..........

ભીના આ ટેરવાને સહેજે ચાટું ને થાય, આખે આખી રે તને ચાખી
અરધો પીવું ને પછી અરધો રાખું કે જાણે નજરું સામે રે તને રાખી
અરે આખે આખી રે તને ચાખી…….
સુક્કા દરિયાને મુકી, ભીના ખાબોચીયામાં લીલ્લો રે છમ્મ થઈ ન્હાતો
સપનાનો દેશ હવે વહાલો લાગે ને પછી યાદો થઈ જાય બધી ઝાંખી
અરે આખે આખી રે તને ચાખી……..
ચુકવું હું ૠણ તારી ચીંધીં તે આંગળીનું, માંડવડે મસ્તી પધરાવું
આરતી ઉતારી તારા લઈ લઉં ઓવારણા ને પ્યાલી પરસાદી પીવું આખી
અરે આખે આખી રે તને ચાખી…….
સીધો મારગ છે આ તો હરિયાના દેશ ભણી, વચમા ના કાંટા કઢાપો
જીવતર જીતીને હું તો ઉડ્યો આકાશે, મેંતો ભવની ભરમાર બહુ સાંખી
અરે આખે આખી રે તને ચાખી……….

5.11.07

મોતને મમળાવવા બસ ક્ષણ મળે


મોતને મમળાવવા બસ ક્ષણ મળે
ને જીવન કાજે સમયના રણ મળે

એટલે માર્યું નહીં મટકુ કદી
કો’કદિ તો ઉંઘનું ભારણ મળે

સુખ નહી તો દુ:ખ ભલે દઇ દે પ્રભુ
જીવવાનું કોઇ તો કારણ મળે

કેડીઓ, રસ્તા, પથિક, મંઝિલ ગયા
હમસફરમાં બસ હવે દર્પણ મળે

બાંધ સંબંધોની ગઠરી , શું ખબર
એ અજાણ્યા ગામમાં સગપણ મળે

ખિલ્યુ’તું કમળ એક ક્યારાની વચ્ચે


ખિલ્યુ’તું કમળ એક ક્યારાની વચ્ચે
તમે ત્યારથી છો અમારાની વચ્ચે

ભલા કેમ લાગે છે પિંછા સમો આ?
હશે ક્યાંક કૂંપળ આ ભારાની વચ્ચે

સિમાડાની રસમો , રિવાજો ન તોડ્યાં
ઘુઘવતો રહ્યો હું કિનારાની વચ્ચે

શરૂ થઇ હશે મૌન ભાષા કદાચિત
અબોલાથી તારા ને મારાની વચ્ચે

ખુદા બંદગી તેં સ્વિકારી અમારી
સુતો તે દિવસથી મિનારાની વચ્ચે

મળ્યા ધૂપ , સન્માન , પુષ્પો છતાં પણ
હતો સાવ એકલ ઠઠારાની વચ્ચે

3.11.07


નરસિંહ ને ભજવાનું વાલા
જળ , પાણિ લેવાનું વાલા

કાન કરમ , ને રસમો રાધા
રાસ મહીં ઘુમવાનું વાલા

જીવતરની ભંગૂર મશાલે
હાથ સુધી બળવાનું વાલા

કામ આપણું ’શેઠ’ ભરોસે
હૂંડીઓ લખવાનું વાલા

મન મંદિરમાં એકજ માતમ
કેદારો ગાવાનું વાલા

પરભુ ’પીળી’ માળા પહેરી
હળવેથી ખરવાનું વાલા

30.10.07

એ ખુશ્બુ હતી કે તમે શ્વાસ લીધો

એ ખુશ્બુ હતી કે તમે શ્વાસ લીધો
નરી તાજગીનો મે અહેસાસ કીધો

ન પીધી મદિરા, આ શમ્માના સોગન
અમે રાત આખીયે અજવાસ પીધો

બધાં રાહબર માત્ર રસ્તાઓ ચીંધે
કોઇ તો મને એનો રહેવાસ ચીંધો

ન વરદાન દીધાં હતાં કોઇ તમને
છતાં દિલ નગરમાંથી વનવાસ દીધો

ખુદા હર દિલોમા - અમે હર ગિલામાં
હશે કંઇક નાતો અનાયાસ સીધો

29.10.07

બંધ આંખે આયનો જોતા રહો


બંધ આંખે આયનો જોતા રહો
ના પછી, હું કોણ છું પૂછતાં રહો

દોસ્ત ઝાઝા કે વધુ છે દુશ્મનો
આંગળી વેઢે સતત ગણતા રહો

છો, શમાના સ્પર્શથી ઉકળી ઉઠો
મીણ માફક તે પછી ઠરતા રહો

સાથ પડછાયો તને દેશે સદા
જો તમે અંધારથી બચતા રહો

છે સુરાહી કેટલી ખાલી , ન જો
જીંદગીનો જામ બસ ભરતા રહો

26.10.07

ખુદાતો મહેરબાની રોજ કરતો’તો


ખુદાતો મહેરબાની રોજ કરતો’તો
સમય મારોજ સારો ચાલતો ન્હોતો

ભરી પ્યાલી , જરા પણ વાર ના કરશો
તમે લીધેલ છે એ જામ ગળતો’તો

રખે માનો તમે , હું શ્વાસ લેતો’તો
ખરેખર હું પળે પળ મોત સુંઘતો’તો

નથી તલભાર આઘું કે નથી પાછું
પ્રભુ , તે જે રચ્યું નાટક ભજવતો’તો

કબર પર રોજ ફુલનો ભાર રાખે તું
તને પથ્થર ખસ્યાનો ડર પજવતો’તો

લીધી મશાલ છેક બળી જાય શું કરું
આ હાથ મીણ જેમ ગળી જાય શું કરું

બીજા તો બધાં ઠીક પરંતુ આ આયનો
પોતાનો થઇને સાવ છળી જાય શું કરું

તપતો’તો મારો સૂર્ય ચકાચોંધ ચોતરફ
મધ્યાને યકાયક એ ઢળી જાય શું કરું

સપનાને છોડ , રૂબરૂ હરગીઝ મળ્યા નથી
સંદર્ભો તોય ક્યાંક મળી જાય શું કરું

મારે તો સફર ખેડવી’તી દૂર, હજી દૂર
ચરણો તમારે દ્વાર વળી જાય શું કરું

25.10.07

મ્રુગજળના પડછાયા , લે શું વાત કરો છો




મ્રુગજળના પડછાયા , લે શું વાત કરો છો
સુરજથી અભડાયા , લે શું વાત કરો છો

શમણાના પડઘાઓ તારું રૂપ ધરીને
આંખોમાં અથડાયા , લે શું વાત કરો છો

તટ પર પૂગતાં દરિયા મોઢે ફીણ ભરાયાં
છિછરાએ હંફાવ્યા , લે શું વાત કરો છો

કોણ માણશે કોને બોલો ?, જામ મધૂરો
હોઠ સુધી એ લાવ્યા , લે શું વાત કરો છો

ચૂમી લેવા ડાળ કદંબી નીર નદીના
ધસમસતાં રોકાયા , લે શું વાત કરો છો

કાગળ લખતાં લખતાં જો ને થઇ ગ્યા શાયર
સાવ અમે અણધાર્યાં , લે શું વાત કરો છો

લખ્યો કાગળ મે મૌનની જબાનમાં,


લખ્યો કાગળ મે મૌનની જબાનમાં,
એને ઉકલી જાજે તું તારી સાનમાં....
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં.....

સંબોધી સુરજના પહેલા કિરણોથી
લીધાં ઉગતી ઉષાના ઓવરણા,
જતમાં લખવાનું કે, તું ઝાકળ ભિનાશ
તને ઝુલાવે કૂંપળના પારણા,
પછી પંખીડા ગાય તારા કાનમાં......
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં.....

વાવડમાં વરસાદી વાદળ બિડ્યાં ને
બિડ્યાં યાદ કેરા કંકુ ને ચોખા,
છતરીયે હોય છતાં ભિંજાવું હોય
એવા મોકલું છું ઓરતા અનોખાં,
સાવ નીતરતી રહેજે તું તાનમાં......
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં.....

ગમતાં કેસુડા તણાં રંગ તમે પૂરજો
ને કોરાં કાગળને ઊજાળજો
,
પરબિડીયે ચોંટાડ્યું સરનામુ ’હેત’
એને હળવેથી હૈયે સંભાળજો,
તારો લિખીતંગ નથી હું હવે ભાનમા.....
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં....



23.10.07


न मंदिर , न गिरजा , अझां में मिलेगा
बताउं खुदा कीस जगा में मिलेगा

बिछायी चरागे चमन उनके खातीर
मगर वो तो बुझती शमामे मिलेगा

युं शोरो शराबो में ढूंढोगे कबतक
तडपती हुइ ग़ुमशुदा में मिलेगा

बहारों का दामन कहां उसने थामा
खिले आंसु जीन जीन फ़ीझांमे मिलेगा

कबर में गया तुं , धूंआ भी हुआ तुं
जरा गौर कर, दिल जहां में मिलेगा

16.10.07

આંખમાં ડોકાય સપનુ તોય બસ



આંખમાં ડોકાય સપનુ તોય બસ
હોય કે ના હોય ખપનું તોય બસ

પથ્થરો લૈલાની ચારે કોર છે
જો મળે એકાદ મજનુ તોય બસ

જામને પહેલા કરો પુરો , પછી
નામ દઇ દો આચમનનું તોય બસ

રાહમાં વર્ષો વિતે , પરવા નથી
દ્વાર હો એ આગમનનું તોય બસ

ખત ભલે કોરો હો , સરનામું ઉપર
હોય જો મારાજ ઘરનું તોય બસ

હું ચરણ રજ પામવા ગોપી તણી
આંગણું થઇ જાઉં વ્રજ નું તોય બસ

હોલિકા સળગે , જરૂરી એ નથી
પારખું થઇ જાય સતનું , તોય બસ

તાજ મહેલો કે મકબરા ના ચહું
સ્થાન દો તલભાર હકનું તોય બસ

આંસુ............



આંસુ.

વ્હાલપની
વાડીએ
જ્યારે
લાગણીઓથી
લચી પડેલી
લતા ઉપર
એક
ઋણ
સમું
કોઇ ફુલ
ખિલે
તે
આંસુ............

જીવનની
સંધ્યા ટાણે
કો’ પાપી
પાક
દિલેથી
જ્યારે
પસ્તાવાનું
ફુલ
ખરે
તે
આંસુ...........

14.10.07

मोहब्बत गिला है, गिला ही सही


मोहब्बत गिला है, गिला ही सही
बुरा है ज़माना बुरा ही सही

उठा हाथ अपने मेरे चारागर
दवा ना चली तो दुआ ही सही

नज़र मे रहो इतना काफी सनम
हो आगोशमें, या जुदा ही सही

समंदर ना चाहुं ना मोती कोइ
थमादे मुज़े बुदबुदा ही सही

न था मैकदा तो ये मस्जीद सही
पीउं-मिलके बैठुं-खुदाही सही

એક ચોમાસુ અને બે આપણે

એક ચોમાસુ અને બે આપણે
ચાલ જીવી નાખીએ ભીના પણે

ઘાવ દીધાં તે, છતા ચાહું તને
શિલ્પ કંડાર્યું હમેશા ટાંકણે

સાવ રાખ્યો મેં ભરોસો મ્રુગજળે
વ્હાણ મારાં એટલે વહેતાં રણે

મ્હેક તારી યાદની વાવી અમે
મોરલા મનના પછી સપના ચણે

બંધ ડેલી કે, નથી બારી કોઇ
આવજો સંબંધ કેરા આંગણે

મોત ક્યાંથી આવશે, ડરતું હશે

મોત ક્યાંથી આવશે, ડરતું હશે
જીંદગી ને આજીજી કરતું હશે

મૈકદામાં ખૌફ છે મેવાડનો
કોણ પ્યાલી ઝેરની ધરતું હશે ?

જીરવાતી હોય ના લીલાશને
પાન પીળું એટલે ખરતું હશે

હો કિતાબે આંખ પણ, મન ક્યાંક હો
તોય પાનુ કેમ આ ફરતું હશે

કેટલી જલતી હશે એવી ચિતા
જેમનાથી કો’ક દિલ ઠરતું હશે

ઠોસ કારણ કોઇ તો નક્કી હશે
સાવ અમથું ના કોઇ મરતું હશે

13.10.07

कहां जीनेकी है ख्वाइश हमे अब

कहां जीनेकी है ख्वाइश हमे अब
करो यारों खुदा हाफीझ हमे अब

मरे हम सौ दफ़ा उनकी अदापे
भला कहेतें है वो कातिल हमे अब

गज़ल ऐसी लिखी के ढूंढते है
कभी मोमीन , कभी गालिब हमे अब

न तुम हो और हो जालिम ये सावन
जलाती और भी बारीश हमे अब

नज़रसे गिरके भी हम चुप रहे तो
जहां से कर दिया खारिज हमे अब

दबासा फुल हुं पन्ने कुर्राने
न समझो खामखा काफीर हमे अब

11.10.07

ખેલ ખેલો રે ખેલૈયા


ખેલ ખેલો રે ખેલૈયા
ઢોલ પીટો રે ઢોલૈયા
અંગ આજ છે ત્રિભંગ
નાચરે તું તા તા થૈયા

નમણી રે નાર ભરે, મસ્તીની હેલ... હાલો
અંબોડે ઝુલંતી વનરાઇ વેલ... હાલો
પગની પાનીથી મારે એવી એ ઠેસ... હાલો
પરબારી વાગે એ પિયુજીને દેસ... હાલો
ઘાયલ દલડાંને કર્યા કેટલા ઘેલૈયા
....ખેલ ખેલો રે ખેલૈયા....

પાઘડીમાં ફુમ્મતું, ને ઘુંઘરાળા કેશ... હાલો
છોરીઓની આંખોમાં વસી ગયો વેશ... હાલો
બાવડાં બળુકડા ને અણિયાળી મુછ... હાલો
કોણ છે આ મારકણો, તું જઇને પુછ... હાલો
નીતરતાં પરસેવે રંગના રેલૈયા
....ખેલ ખેલો રે ખેલૈયા....

થનગનતા હૈયામા કાનુડાનો વાસ... હાલો
જોબનીયુ રાધાનુ કરતું અજવાસ... હાલો
ગલી ગલી ધુમ મચે ગોપીઓને તાલ... હાલો
આજ બની નરસૈયો, હાથ લ્યો મશાલ... હાલો
આખો સંસાર હરિ હરખે રે હેલૈયા
....ખેલ ખેલો રે ખેલૈયા....

8.10.07

કહે કોણ હું કડકો.....

ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મે અગન સરીખો તડકો
વાલમ કોણ કહે હું કડકો....

કલરવ છે કલદાર અમારા, ગિરી કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો

હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
વાલમ કોણ કહે હું કડકો...

.લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય ચંદ્ર ની સાખે જીવીયે , ભલે રહ્યા સૌ આઘા

ધક ધકતી છાતીએ અમને એક વખત તો અડકો
વાલમ કોણ કહે હું કડકો...

.આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતાં
કાંધે લેવા મને નગરજન, હુંસા તુસી કરતાં

સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
વાલમ કોણ કહે હું કડકો....

બીજ નયા બોયા સપનોકા, કાશ ખિલે તો ઇન્શાઅલ્લાહ

બીજ નયા બોયા સપનોકા, કાશ ખિલે તો ઇન્શાઅલ્લાહ
ફુલ ખિલે તો ગુલશન ગુલશન, ખાર ખિલે તો ઇન્શાઅલ્લાહ(ખાર=કાંટા)

રૂપ તેરા નિખરા હૈ જબસે, ચાંદ છુપાયે અપને ફન કો(ફન=કારીગરી)
આપ ભલા નિકલે જો બાહર, ઇદ દિખે તો ઇન્શાઅલ્લાહ

ચૈન ન પાયા મૈખાનેમેં, ઔર ન પાયા સજદેમેં ભી (સજદા=પ્રાર્થના)
નિંદ હમે આયે અબ ગહેરી ,આંખ ખુલે તો ઇન્શાઅલ્લાહ

રાત ઘની હૈ તનહાઇસી, ઔર શબે ગમ સન્નાટા હૈ
કોઇ ચલે ના સાથ સહર તક, આપ ચલે તો ઇન્શાઅલ્લાહ (સહર=સવાર)

કૌન મેરે ખ્વાબોમેં આયા, કૌન રગોમેં દૌડ રહા થા
લમ્હા લમ્હા તરસ રહા હું, આંખ મિલે તો ઇન્શાઅલ્લાહ,

સહેજ હસીલે રોમ રોમ ઝણઝણી જવાશે

સહેજ હસીલે રોમ રોમ ઝણઝણી જવાશે
ફુલ બની જો, બાગ બાગ મઘમઘી જવાશે

છોડ બધા સંગાથ અધૂરા , જીવન પથ પર
જામ ધરીલે હાથ પછી છલછલી જવાશે

તીર ચડાવ્યું કાન લગી તો વાર હવે શું
દોર ધનુષી છોડ જરા, સનસની જવાશે

રાચ રચીલું, ઐયાશી ની ટોચ ઉપરથી
નાખ નજર બેહાલ ઉપર, કમકમી જવાશે

રોજ બિચારો લાશ બની ઉંચકે આ જીવતર
મેલ સળી, ને છોડ બધું ઝળહળી જવાશે