29.4.11

શ્વાસ ને ઉચ્છવાસના ધાગા તણી
મોતની ચાદર અમે કેવી વણી..!!

આભને અડવું હતુ પાયા, તને
લે, ઇમારત કાંગરેથી મેં ચણી

સ્વપ્નની પીડા હતી આંખો ઉપર
લોક કહેતા’તાં તને છે આંજણી

ઇશ્કમાં રંગાઈને સળગું પછી
આપણે તો રોજની હુતાસણી

કંઈક તો મુકો ચબરખી કબ્રમાં
ક્યાં જવું મારે, અને કોના ભણી

28.4.11

ત્રિભેટે ઉભો છું દિશા થઈને ચોથી
ત્રિશંકુ દીસું હું બધી બાજુઓથી

ભલે ટેરવાં પર કરે રક્ત તિલક
નથી અમને નારાજગી કંટકોથી

જરા પહોંચવામાં સમય તો ગયો, પણ
ઘણું શીખવાનુ મળ્યું કેડીઓથી

નિકટ છું ખુદાની ઘણો, મયકશીમાં
અમે ક્યાં લીધી કોઈ તસ્બી કે પોથી

સભામાં, અમોને પ્રસંશી બધાયે
બહાલી દીધી મોતને, તાળીઓથી

25.4.11

આયનો ઘોળીને જ્યારે પી ગયો
સૌ પ્રથમ તો મ્હાયલો આ બી ગયો

ઘેર પડછાયો મુકીને નીકળ્યો
ને સુરજ કારણ વગર ચમકી ગયો

મુઠ્ઠીઓ વાળી અમે મોડી બહુ
હાથથી મોકો ફરી છટકી ગયો

સત્ય જે વધ સ્તંભ પર ખોડ્યું હતું
આખરે પ્રાયશ્ચિતે બટકી ગયો

જ્યારથી ક્ષણને સમય, પરણ્યો હતો
ત્યારથી લોલક બની લટકી ગયો
નબળી, પણ રજુઆત હતી એ
ના કોઈ મોટી વાત હતી એ

મજબૂરીમાં હાથ ઉઠ્યા, પણ
શ્રધ્ધાની શરુઆત હતી એ

મૃગજળની અફવા હો ચાહે
હરણાની તાકાત હતી એ

પોકારે એ રોજ છડી, પણ
ઝાકળની તો ઘાત હતી એ

ઠાલા રોતા મોત ઉપર સૌ
અમને તો નિરાંત હતી એ
દાખલા સંબંધના જોજો કદી
સ્થાન મારૂં હોય કાયમની વદી

ક્ષણ સરીખા બે કિનારા જોડતો
એક સેતુ બાંધતાં લાગે સદી

પ્રેમથી એકા બીજા ઓળંગજો
છેડતાં વિખવાદ જ્યારે સરહદી

બંદગીનો મેઈલ પાછો આવશે
પ્રાર્થના તારી હશે જો તળપદી

લાશ જ્યારે આવતી કોઈ નવી
ક્બ્ર એકે એક થાતી સાબદી

24.4.11


શગ જરા સરખી કરી
થ્યો ઉજાગર તું ફરી

એક આભા જે હતી
આજ આભે ઉભરી

શ્વાસને બદલે કરી
તેં ચૂકવણી આકરી

સાવ નોંધારા બન્યા
પ્રેમ, ભક્તિ, ચાકરી

છે હજી ઈશ્વર સમુ
વાત અમને સાંભરી

22.4.11

564

લાગણીની લહેરખી કાફી હતી
બાંધવા સંબંધ, ક્યાં કોઈ ફી હતી..?

જુલ્મ, મહેણા, ઘાવ તો તેં દઈ દીધાં
આપવી મારે ફકત માફી હતી

જો, પસીનો દડદડે ફુલો ઉપર
રાત, લાગે છે ઘણું હાંફી હતી

પાંસઠે પણ પ્રિત કેવી સુમધુર..!
સાવ ધીમી આંચ પર બાફી હતી..!!

મોત મારૂં, ને ઉજવતાં આ બધાં
એ ખુદા, કેવી આ ઈન્સાફી હતી

21.4.11

એમનો વર્તુળ સરીખો પ્રેમ છે
ને અમારી સાવ ચોરસ ફ્રેમ છે

શ્વાસ ને ઉચ્છવાસ ઉપર કર નથી
એટલી મુજ પર ખુદાની રહેમ છે

તીન પત્તી જેમ શું રમતા હશો ?
જીદગી તો બોસ, ખુલ્લી ગેમ છે

હે પ્રિયે, આજે તને પરબિડીયે
ટેરવા બીડી દીધાંનો વ્હેમ છે

ચોસલાં ચારે તરફ છે મૌનના
કોઈ ક્યાં પુછે મઝારે, કેમ છે

20.4.11

562

બંદગી કે રીંદગી, રમવાનું પાનુ હોય છે
હું જીતું કે તું, ફકત જીવવાનું બહાનુ હોય છે

કેટલા પૂર્વજ અગન ઓઢી ફના થઈ જાય પણ
આ પતંગાનુ નર્યું વળગણ દીવાનુ હોય છે

સાત ઘૂઘવાતા સમંદર એટલું જાણે નહીં
ફીણ થઈને તટ ઉપર પ્રસરી જવાનું હોય છે

રાખવા સંબંધને અકબંધ કંઈ સહેલું નથી
ઊંટ આખું સોયમાથી કાઢવાનું હોય છે

મોતનો હું સાવ સીધો મર્મ સમજાવી દઉં
એકનું તદ્દન મટી, પરનું થવાનુ હોય છે

19.4.11

561

છળ તણું લઈ ટાંકણું, હળવેકથી માર્યું હતું
આયનાએ શિલ્પ આબેહુબ કંડાર્યું હતું

દોસ્ત તારૂં નામ એકે ઘાવ પર પીઠે નથી
આંખના મિચામણાનુ પ્રણ અમે પાળ્યું હતું

રેતની ઘડીયાળમાંથી એક મુઠ્ઠી રણ લઈ
થોર, મૃગજળ, વીરડી બધ્ધુયે પસવાર્યું હતું

આજ મારી બંદગીમાં એટલી તાકત હતી
આપની ખાતિર ખુદા એ તીર મેં વાર્યું હતું

મેં જ સોદો જીદગી સાથે કર્યો’તો શ્વાસનો
એ અચાનક ફોક થાવો, સાવ અણધાર્યું હતું

18.4.11

560

મેં ગઝલ મુકી દીધી છે હોડમાં
શબ્દને શ્રધ્ધા હતી રણછોડમાં

ઓગળીને થઈ જશે મૃગજળ બધું
થાંભલો ઈચ્છાનો રણમાં ખોડમાં
...
કાલ, તું પણ, શક્ય છે નીચે રહે
સૌની ઉપર થઈને મટકી ફોડમાં

હો ભલે બમણું, છતાંયે છળ હતું
સાદને, પડઘા થકી તું જોડમાં

છે જગા તારી મુકર્રર, કોઈની
કાંધ પર લઈને ચરણ, તું દોડમાં
559

સ્વપ્ન વરસ્યું’તું, ખબર એ સનસની એ ખેજ છે
ખાતરી કરવા જુઓ, આંખોમાં થોડો ભેજ છે

આ હથેળીની સફરમાં જૂજ રેખાઓ બધી
માનવીને સાવ ભુલા પાડવા માટેજ છે

આમ તો મદિરા સુરાહીમાં બડી ખામોશ, પણ
ઘુંટ બે ઉતર્યા પછી તલવાર જેવી તેજ છે

વાત, સદીઓથી સતત દોડે, નવી એ કંઈ નથી
મૃગજળે ડૂબ્યાં હરણ, એ હૈરતે અંગેજ છે

ટોપલાનો નીકળ્યો એરૂ, ને ભેરૂ આપણો
જીદગીમાં ક્યાંક તો એ ડંખ જબરો દેજ છે

આ કબર તો બેવફાઈ, વેદના ને યાદની
માનવું કઠ્ઠણ ભલે, કિંતુ સુંવાળી સેજ છે

17.4.11

558

દર્દને ગાવા કોઈ અદનો સહારો જોઇએ
નાવને લંગારવા ભીનો કિનારો જોઇએ

મૈકદે જાવા મસિદે થઈ હવે જાવું પડે
મૌલવી કહેતા, અમારે પણ ધસારો જોઇએ

એમતો બસ ચાલતા થઈ જાય સહુને પ્રેમ પણ
ઈશ્કમાં થાવા ફના, તારો ઈશારો જોઇએ

ગોઠવીને ચોકઠા, ગઝલો અમે લખતા નથી
શબ્દના ભંડોળનો ખાસ્સો ઇજારો જોઇએ

ખુબ ચર્ચાયા અમે, પણ મોતની ચોકટ ઉપર
કોઈ ખુણા પર અમારા, ના મિનારો જોઇએ

15.4.11

557

આંબાની ડાળ ડાળ, ટશીયા ફુટ્યાને કંઈ
છલકાતાં બંધ આજ લીલા, તુટ્યાને કંઈ

ખુશ્બુ ને માળીના વણસ્યા સંબંધ, પછી
ફુલોની અવજીમાં કંટક ચુંટ્યાને કંઈ

મૃગજળ તો મૃગજળ, પણ પીવાની હોડ મહી
ગભરૂ આ હરણાના ટોળા છુટ્યાને કંઈ

મધરાતે એકલો હું ઉભો’તો મૌન ધરી
શબ્દોની ટોળીએ અમને લુંટ્યાને કંઈ

જીવતરનાં લેખા, ને જોખા મુકીને અમે
પાદરમાં શૈષવનાં કક્કા ઘુંટ્યાને કંઈ

મંઝિલને પામવા, ન જોયા મુકામ કદી
ચરણો તો ઠીક, હવે શ્વાસો ખુટ્યાને કંઈ

14.4.11

556

બે હિસાબી શ્વાસ લેતો થઈ ગયો
આખરે ઈન્સાન "મહેતો" થઈ ગયો

તું સમયને બંધ મુઠ્ઠીમાં કસે
એ બનીને રેત વહેતો થઈ ગયો

પાદરે ટહુકા ગઝલના સાંભળી
પાળીયો ઈરશાદ કહેતો થઈ ગયો

એટલા મિત્રો વસે ચોપાસ, હું
ઘાવ પહેલા દર્દ સહેતો થઈ ગયો

આજીવન જીવ્યા સબબ આ મ્હાંયલો
શ્વાસની હદપાર રહેતો થઈ ગયો
જાત સાથે રોજ લડવું હોય છે
હાથમાં, પગ લઈને ચડવું હોય છે

આદરી’તી શોધ મેં ક્ષિતિજો સુધી
ને પછી ખુદમાં જ જડવું હોય છે

સ્પર્શ આછેરો સતત જીવ્યા કરૂં
આમતો નભને જ અડવું હોય છે

હાસ્યને, અટ્ટહાસ્યમાં રાચ્યા પછી
કોઈ ખૂણે, ક્યાંક રડવું હોય છે

આબરૂને કારણે મુઠ્ઠી વળે
આંગળીને તો ઉઘડવું હોય છે

સાવ મુશ્કેટાટ બંધાયા અમે
ને ખુદા સાથે ઝઘડવું હોય છે

13.4.11

554

માઈગ્રેટેડ..શહેરીજન ની વ્યથા

કીચૂડ...ધીરેથી ખુલતી ડેલીએ કચડાટ ઝંખુ છું
અજાણ્યા, શેરી ના એ શ્વાનનો પ્રતિસાદ ઝંખુ છું

ડિઓ, પરફ્યુમ, વાતાનુકુલિત, ડૂમો બઝાડે છે
ગમાણે, છાણ વાસીદા તણો પમરાટ ઝંખુ છું

હલો..હાઉ આર યુ ની અણદીઠી દિવાલ કરતાં તો
એ હા..લો, સાંભળી ભેળી થતી ભરમાર ઝંખુ છું

બૂફેની ડીશમાં, બદસ્વાદનો ઘોંઘાટ છાંડીને
ઝબોળી પ્રેમમાં બસ વાનગી બે ચાર ઝંખુ છું

હવા, હપ્તા ભરી ને આખરે નિ:શ્વાસ મળતો’તો
ભર્યા એ પાદરે ઊંડો મજાનો શ્વાસ ઝંખુ છું

ફકત ટચ સ્ક્રીન ઉપર લાગણીની છે અનૂભુતિ
ભલે બરછટ, છતાં હુંફાળો બાહુપાશ ઝંખુ છું

બિચારો આતમા પણ વીજળીમાં ખાખ થઈ જાતો
અગનની બાણ શૈય્યા, ને ઉપર આકાશ ઝંખુ છું

553

क़यामत कभी गुनगुनाती नही है
कभी दे के दस्तक़ बुलाती नहीं है

ज़हर बेवफाईका रास आ गया है
हमे ख़ा म खा तुं पीलाती नहीं है

सताया चमनने हमे ईस क़दर कि
ये विरानीया अब रूलाती नहीं है

शहरकी ये गलियां अभी तक़ तुम्हारी
मेरे दिलके टुकडे उठाती नहीं है

चलो अब में ख़ुदकी ही अरथी उठा लुं
नज़र सख्सियत कोई आती नहीं है

12.4.11

552

મહેક શું પળવાર લીધી બાનમાં
કેમ જાણે બાગ આખો મ્યાનમાં

શબ્દને ગોઠી ગયું ચટ્ટાન પર
ક્યાં હવે પડઘા પડે છે કાનમાં

ના મસીદે ખોળતો તમને ખુદા
ના સબૂતે તોર પર કુર્રાનમાં

કૂંપળો સૌ આજીવન હદપાર હો...
મૃગજળી છે કાયદા વેરાનમાં

જ્યારથી દર્પણ ધર્યું ઈમાન ને
રાચતો ઈન્સાન બે-ઈમાનમાં

11.4.11

551th

ટેરવે નેવા બની ટપક્યાં કરે
ને ગઝલ, શબ્દો થકી છલક્યા કરે

એટલે અજવાસ ઉગ્યો રાસમાં
હાથ ગિરનારી પણે સળગ્યા કરે

પ્રેમની ભાષા હજી અકબંધ છે
રેશમી પાલવ હજુ સરક્યા કરે

જે ખબરને કોઈ સરનામુ નથી
એ પછી અફવા બની ભટક્યા કરે

જીંદગીનું શિલ્પ કંડાર્યુ નહીં,
મોતને, ચોરસ ઘડી ખડક્યા કરે

10.4.11

હરણનુ હજી દોડવું, એજ શ્રધ્ધા
સવારો થકી પોઢવું, એજ શ્રધ્ધા

પછી ફુલ ટહુકાના ખરશે, કહીને
તરૂ આંગણે રોપવું એજ શ્રધ્ધા

નરી સાવ અફવા ભર્યા આ નગરમાં
હકીકતનુ ઘર બાંધવું, એજ શ્રધ્ધા

ગઝને કહી, આપની દાદ માટે
ઘડી બે ઘડી થોભવું. એજ શ્રધ્ધા

સતત વિનવી, વિનવી, વિનવીને
ફરી લાશનું જીવવું, એજ શ્રધ્ધા

9.4.11

આંખોમાં આંજી લે રણ ને
ભિંજવશે મૃગજળ પાંપણને

સરનામુ સુંવાળા પણનુ
પુછે શું?, પિછું એરણને

હેરાફેરી લાગણીઓની
થકવી દે સાંજે તોરણને

ખભ્ભો દઈને ગોવર્ધનને
હળવું કર એના ભારણને

મૃત્યુ યાને ઉલ્ટાવીને
પહેરી લે પાછું પહેરણને..!!

8.4.11

સુર સામે જંગ છેડાયો હતો
એ પછી ઘોંઘાટ કહેવાયો હતો

સૂર્ય સાથે હોડ પડછાયો કરી
લ્યો, ક્ષિતિજે છેક લંબાયો હતો

શું ઉગે?, બસ મૌન ને એકાંત, જ્યાં
સ્તબ્ધતાનો છોડ રોપાયો હતો

આપણે મન એજ ગીતા, એ કુરાં
જે શિલા પર લેખ વંચાયો હતો

મોત નામે મહેબુબા ના દ્વાર પર
હું ફરીથી આજ પોંખાયો હતો

ને મઝારે એટલું લખજો, અહીં
એક માણસ આજ વિસરાયો હતો

7.4.11

તડકો

હાથ ધરો તોફાની તડકો
ફાંટ ભરો સૌ સૌની, તડકો
કુમળો બારે માસ, આકરો કો’ક દિવસ આ તડકો
ભેરૂ હાથ કરી લે તડકો

ઓઢાડે સોનાની ચાદર
ગલી શહેર શેઢો કે પાદર
બળબળતી, ઝળહળતી રે ચોપાટ મજાની તડકો
ભેરૂ હાથ કરી લે તડકો

પાણીડાનો રોફ વધ્યો છે
પરસેવો બેફામ વહ્યો છે
પરબુ ફુટી નીકળી તોયે સહેજ ઠરે ના તડકો
ભેરૂ હાથ કરી લે તડકો

આંખો પર હાથોના નેવા
છતરી છપ્પર કરતાં સેવા
ધગ ધખતી ધરતી પર કેવો ખેલ કરે આ તડકો
ભેરૂ હાથ કરી લે તડકો

દરિયા પર આંધણ મુકાયા
આભ ઉપર વાદળ બંધાયા
વસુંધરા ને મેહુલીયાના લગન લખે જો તડકો
ભેરૂ હાથ કરી લે તડકો

નદીયુના ખપ્પર હોમાયા
વાવ કુવા પાતાળ સમાયા
દુર્વાસાના શ્રાપ સરીખો, ત્રાસ ગુજારે તડકો
ભેરૂ હાથ કરી લે તડકો

ચાડીયે ગોફણ ઉપાડી હાથમાં
ખેતરો, ચાલ્યા બધાયે સાથમાં

પંખીઓ ચણતાં, હવે આ ગિધ્ધ તો
લે સમૂળગું વૃક્ષ આખું ચાંચમાં

લાગણી ખળખળ વહે કુવા થકી
પણ હવેડો લેશ ના વિશ્વાસમાં

એક મીઠી લહેરખી થી શું વળે
જોઈએ વંટોળ સૌને શ્વાસમાં

આંગળીએ ઉચક્યો જે પહાડને
ચક્રમાં બદલો, સહુ સંગાથમાં

છે "હજારે" એક, પણ ભેગા મળી
નાથીએ ભોરિંગને પળવારમાં

6.4.11

રે સમયની દોડથી છટકી જુઓ
ને પછી પળવાર પણ અટકી જુઓ

સત્યનો નખશીખ ઓઢી અંચળો
જુઠના વધસ્તંભ પર લટકી જુઓ

આંખમાં પણ કેટલું પાણી હશે
માપવા, થઈ ને કણું ખટકી જુઓ

સ્વપ્નમાયે એટલું સહેલું નથી
અધવચાળે પાંપણો મટકી જુઓ

ભીંત, ના ઉપલબ્ધ હો ઊકેલની
શિશ એની ચોકટે પટકી જુઓ

મોત પર હસ્તાક્ષરો કંડારતી
એ કલમની ટાંક થઈ બટકી જુઓ

4.4.11

સફરમાં હમસફર જો તું મળે
સરકતો પંથ બે પગની તળે

સમય કપરો પચાવી જાઉં, પણ
પિવાતું હોય છે નબળી પળે

શહેર આખું જીવે અફવા ઉપર
હકિકત સહેજ ના ઉતરે ગળે

સગાં બે ચાર એવા રાખજો
અરિસો ક્યાં સુધી તમને છળે

કડી અદભુત છેલા શ્વાસની
અલખને જાત સાથે સાંકળે

3.4.11

હજુ આશ થોડી ઘણી છે હરી
અરજ એટલે આટલી મેં કરી

વિંધાઈ જશું, રગ રગે વાંસ થૈ
અધર પર ધરો જો, કરી બંસરી

ચરણ ચૂમવા કાજ પથ્થર બનું
સજીવન કરો જો અમોને ફરી

ભલે બાઈ મીંરા હજો શ્યામની
બનીશું થિરક પેરની ઝાંઝરી

ધરો પહાડને આંગળીયે, અમે
ઉડે ગોધૂલી જે થકી, એ ખરી

મળે ઢેઢવાડે જો નરસી પણું
થશું નાત બહારી, સજા આકરી

લલાટે લખ્યા શ્વાસ છેલ્લા લગી
સ્વિકારો પ્રભુ પ્રેમથી ચાકરી
હવે તો આ રસ્તાયે થાક્યા હશે, નહીં ?
નિસા:સા હરેક મોડ નાખ્યા હશે, નહીં ?

અમસ્તા હરણ આમ દોડે નહીં ત્યાં
કદી ક્યાંક મૃગજળને ચાખ્યા હશે, નહીં ?

લખી આંસુઓથી વ્યથા પાપણો પર
પછી બંદગી કાજ રાખ્યા હશે, નહીં ?

ઘણા ઘાવ પીઠે હતા, આયનાને
ખબર જાણભેદુએ આપ્યા હશે, નહીં ?

તસુ એ તસુ બંધ બેઠી કબર આ
અમોને જમાનાએ માપ્યા હશે, નહીં ?
આજ બધાયે ઘર આંગણીયે બાળી લંકા
દેશ હજુ છે રામ ભરોસે, છે કોઈ શંકા..??

બેટ ઉલાળી, ચપટી પળમાં મળે કરોડો
આમ નજર કર, કરોડ તોડી રળતાં રંકા

દેશ ઉમટતો અરધી રાતે, ચોરે ચૌટે
વોટ સબબ તો કોઈ નીકળતા નહોતા બંકા

મેચ જીત્યો તો જંગ જિત્યો હો એમ ઉજવતાં
ફોજ જીતે તો કોણ વગાડે છે અહીં ડંકા..??

કેટ કેટલા હાથ હશે ખરડાયા સટ્ટે
આમ જુઓ તો નવટંકી નહીં છે નવટંકા

2.4.11

શમણાનો ભેદ જરી પાપણને પુછ
ઘરનો મિજાજ એના આંગણને પુછ

રણને ચીરીને કરી મૃગજળથી પ્રિત
હરણાની વેદનાઓ કણ કણને પુછ

તાળીની ભીડ મહીં રઘવાયું સાજ
વિતી શું તાર પર રણ ઝણને પુછ

સળગ્યાનું સુખ ભલે હાથોને હોય
ખણક્યાની લાગણીઓ કંકણને પુછ

સરનામુ છેક સુધી પામ્યો ના કોઈ
અસ્થિને ચોંટેલી રજકણને પુછ

1.4.11

સાવ ના સમજો બરફ અમને, તમે
હુંફથી પીગળી જશું તારી, અમે

શ્રી સવા મેં પાપણે ચિતર્યું, અને
ઢોલ શમણામાં સદાયે ધમ ધમે

કાપવાનું એક બીજાને રહે
ચોકડી ને શૂન રમત, સઘળાં રમે

શ્વાસ સિંચીને ઉછેર્યો જે જનમ
મોતનું વટવૃક્ષ થઈ ઉભો ક્રમે

સુર્યને તો છે સુવિધા રોજની
માનવી તો, આથમે ઇ આથમે