14.4.11

જાત સાથે રોજ લડવું હોય છે
હાથમાં, પગ લઈને ચડવું હોય છે

આદરી’તી શોધ મેં ક્ષિતિજો સુધી
ને પછી ખુદમાં જ જડવું હોય છે

સ્પર્શ આછેરો સતત જીવ્યા કરૂં
આમતો નભને જ અડવું હોય છે

હાસ્યને, અટ્ટહાસ્યમાં રાચ્યા પછી
કોઈ ખૂણે, ક્યાંક રડવું હોય છે

આબરૂને કારણે મુઠ્ઠી વળે
આંગળીને તો ઉઘડવું હોય છે

સાવ મુશ્કેટાટ બંધાયા અમે
ને ખુદા સાથે ઝઘડવું હોય છે

No comments: