13.4.11

554

માઈગ્રેટેડ..શહેરીજન ની વ્યથા

કીચૂડ...ધીરેથી ખુલતી ડેલીએ કચડાટ ઝંખુ છું
અજાણ્યા, શેરી ના એ શ્વાનનો પ્રતિસાદ ઝંખુ છું

ડિઓ, પરફ્યુમ, વાતાનુકુલિત, ડૂમો બઝાડે છે
ગમાણે, છાણ વાસીદા તણો પમરાટ ઝંખુ છું

હલો..હાઉ આર યુ ની અણદીઠી દિવાલ કરતાં તો
એ હા..લો, સાંભળી ભેળી થતી ભરમાર ઝંખુ છું

બૂફેની ડીશમાં, બદસ્વાદનો ઘોંઘાટ છાંડીને
ઝબોળી પ્રેમમાં બસ વાનગી બે ચાર ઝંખુ છું

હવા, હપ્તા ભરી ને આખરે નિ:શ્વાસ મળતો’તો
ભર્યા એ પાદરે ઊંડો મજાનો શ્વાસ ઝંખુ છું

ફકત ટચ સ્ક્રીન ઉપર લાગણીની છે અનૂભુતિ
ભલે બરછટ, છતાં હુંફાળો બાહુપાશ ઝંખુ છું

બિચારો આતમા પણ વીજળીમાં ખાખ થઈ જાતો
અગનની બાણ શૈય્યા, ને ઉપર આકાશ ઝંખુ છું

No comments: