31.3.10

પ્રેમનો પાડો.....( કે પછી ખાડો..?)

પ્રેમ એકુ પ્રેમ
પ્રેમ દુ ને સ્નેહ
પ્રેમ તેરી સગાઈ
પ્રેમ ચોકુ ચોરી
પ્રેમ પંચા છોકરાં
પ્રેમ છક કચકચ
પ્રેમ સત્તા શંકા
પ્રેમ અઠા કંકાસ
પ્રેમ નવ્વા જુદાઈ
પ્રેમ દાન તલ્લાક..!!
ખેલ બધો ખલ્લાસ..!!

પ્રેમ નુ ગણિત

પ્રેમ એકુ પ્રેમ
પ્રેમ દુ ને સમજણ
પ્રેમ તેરી સગાઈ
પ્રેમ ચોકુ બંધન
પ્રેમ પંચા પરિવાર
પ્રેમ છક સ્નેહી
પ્રેમ સત્તા સબંધો
પ્રેમ અઠા આબરૂ
પ્રેમ નવ્વા વિશ્વાસ
પ્રેમ દાન પરમેશ્વર..!!
હોજો આવું સૌનુ ઘર..!!

ફેંકેલા ગોટલામાં ઠાંસી ઠાંસીને ફરી ડાળ ડાળ વહાલપ ઘોળાતી,
ગીતામાં કાન તમે કીધું ન સમજાણુ, વાત બધી અહીંયા સમજાતી
.

ભણતરના ભારેથી માથુ કાઢીને કદી બાળકને થાય હુંય ઉડું,
પાંખો ને વિંઝવાની વાતો વિચારે ત્યાં સ્પર્ધાની ચાબુક વિંઝાતી
.

અંગુઠો આપ્યાનો ખેદ નથી અમને, પણ શ્રધ્ધાની ડોક તમે કાપી
વિશ્વાસે મુકેલી ખીચડીઓ આમ કદી પાકશે નહી ની વાત થાતી
.

ખુલ્લી બજારે હું તો લાગણીઓ લેવાને નીકળ્યો’તો થેલી લઈ ખાલી
ઉતર-ચડ એવાતો ભાવ થાય રીશ્તાના, જાત હારે થેલી વેંચાતી..!!
.

નીકળ્યા છે આજ બધાં અમને ઉપાડીને, ઉત્સવ હો જાણે કે નોખો
અત્તર, ગુલાલ, ફુલ, ચંદન, અબીલ, તોયે લાશ નથી સહેજે હરખાતી

30.3.10


એમ તો હું ક્યાં સુધી દોડી શકું ?
કેમ પડછાયા બધાં છોડી શકું


મૌનને બહાને અધરને વિનવી
શબ્દની દિવાલ હું તોડી શકું


આપના પત્રો ઉપર, ઝંખુ સદા
નામ મારૂં કોકદિ’ ચોડી શકું


સેતુઓથી નફરતોની ખાઈ પર
બે કિનારા પ્રેમથી જોડી શકું


આંગળી ચીંધી શકું, ચોરાહ પર
માર્ગ થોડો ઉંચકી મોડી શકું.?


પથ્થરોયે ક્યાં હવે એવા રહ્યાં
હેલ પનિહારી તણી ફોડી શકું


પ્રેમના સમરાંગણે ઘાયલ કરો,
તો પછી ખાંભી અહીં ખોડી શકું

29.3.10


ગીત-ગઝલ

સાવ અમસ્તાં આટા પાટા રમતાં રમતાં
કેમ ખબર, પણ અમને તારાં નખરાં ગમતાં

નખરાંની મૌસમ થઈ પુરી, ક્યાંક કશેથી
ટોળે ટોળાં લજ્જાના ચહેરે ઉતરતાં

ચહેરા પર સેંથીમાં રાતી કુંપળ ફુટી
ત્યાર પછી લાગણીઓ કેરાં વન ઉભરાતાં

જીવતર વનમાં એકબીજાના કેવટ થઈને
પ્રેમ હુંફના હલ્લેસે ભવ સાગર તરતાં

સાગરનાં તીરે બન્નેની નાવ ઉભી, લ્યો
ચાલ અલખ રેતીએ ગળીએ હસતાં હસતાં


પરથમ નશીલી આંખ બે, ગાગર બની ગઈ
સપના પછી ડુબાડવા સાગર બની ગઈ

અફાળાઈ, તારા પહાડ સરીખા ગરૂર પર
ઇચ્છા અમારી કેટલી પામર બની ગઈ

ગમતીલાં ગીત જે લખ્યાં, એની કડી બધી
રાધાની બેય પાનીએ ઝાંઝર બની ગઈ

શમ્મા બુઝાઇ, રાત અમાસી હતી, છતાં
પાલવ સર્યો, ને રાત ઉજાગર બની ગઈ

પાદરની પાર, વાસની ધિક્કાર સમ હવા
કરતાલ સહેજ વાગી, ને નાગર બની ગઈ

28.3.10


સાવ મારી પારદર્શક જાત રે
આંખથી વિંધાઈગ્યા ની ઘાત રે


એમને સંબોધનોમાં ’તું’ કહું
એટલી ક્યાં આપણી ઓકાત રે


જિંદગી ને મોતના સંવાદમાં
હું ફકત વચ્ચેનો ચંચૂપાત રે


બેહિસાબી લાગણીઓની સબબ
રક્તમાં ઉઠેલ ઝંઝાવાત રે


આ કબર તો ભીડની સોગાદ છે
દબદબે ઉજવુ હવે એકાંત રે

27.3.10



સમય મારોય નક્કી આવશે

ગળુ છોડી, ચરણ સૌ દાબશે


ધનુષી મેઘ, એના અંગમા

હજુયે રંગ નોખા લાવશે


પછી તડકો જનુની ક્યાં રહે?

ભરી બપ્પોર ઝાકળ ફાલશે


વખત આઘો નથી, ચેતી જજો

નદી દરિયાને પાછો તાણશે


તિમિરની છાતીએ બેસી હવે
નિશાને આગિયા પ્રગટાવશે

કસોટી ધૈર્યની છે બેયની

પ્રભુ ક્યારેક પાલવ ઝાલશે

25.3.10


સાજનો તુટી ગયેલો તાર છું
ના કદી પાછો વળે એ વાર છું


શબ્દના અવકાશમા હું તો ફકત
પૂર્ણના વિરામશો વિસ્તાર છું


શૂન્યતા મારી હતી ઓળખ, અને
ચોતરફની ભીડમાં લાચાર છું


સ્થાન ના પામ્યો હું છંદો-પ્રાસમાં
ગીતમાં આવે, એ બસ લલકાર છું


જીંદગી તો ઠીક પણ, આ કબ્રની
કોઈએ લીધી ન એ, દરકાર છું


છો મને ખેંચી અને છોડી દીધો
એ પણછથી નીકળ્યો, ટંકાર છું




એક ’ફિલ’ ટાવર


હે
શ્રી
શ્રી
રામ
સેવક,
ગદાધારી,
અંજની
પુત્ર,
પવન
સુત શીરોમણી,
રામ
લખન
જાનકી,
ઉર વસે
જીનકી,
લાખનકી
જીવન
દોરી,
હમ
સબકે
પરદુ:ખ
ભંજન,
કુંભકરણ વિભિષણ
કે ભ્રાતા,
અશોક
વાટીકા
માહીં નિશાચર,
લંકા પાપ દહનકરતા ઓ
સાગર...... સેતુ..... કે ..જગદાતા
રામ .....મુદ્રીકા...... વહન ...કરંતા
અસૂર........ રાક્ષસો .....કે .......યમરાજા
હનુમાનકી ................................જય જય હો
હનુમાનકી .........................................જય જય હો
હનુમાનકી ......................................................જય જય હો

22.3.10

હેય ઉનાળો
છેલ છોગાળો..!!

વૃક્ષની દેખાય સઘળી પાંસળી
પાનખર જ્યારે વગાડે વાંસળી

સુર્યને દોહ્યા પછી ઉભે ગળે
સૌ પીવે તડકો, ભરીને તાંસળી

ધોમ ધખતે, ઝાડનું ઠુંઠુ દીસે
આગનો પર્વત ઉંચકતી આંગળી

ધૂળની ડમરીઓ જાણે ગોકુળે
ગોપીઓ રૂમ ઝુમ રમે ઉછાંછળી

માનવી, દડ દડ પસીને, લૂ તણા
નાગને નાથી, ઉતારે કાંચળી

હા...શના વસ્ત્રો હરી વૈશાખડો
ઝુલતો, બેસી કદંબી ડાંખળી

20.3.10

બે મુક્તક
સાંવલી ભીની સુકોમળ પાંખડી
એમ એની અધ બિડેલી આંખડી
સ્વપ્ન રૂપે પણ પ્રવેશી ના શકો
પાંપણો ચોકી કરે દ્વારે ખડી
************************
હોઠ અમને કાનમાં એવું કહે
એક બીજા સંગ આલિંગન ચહે
પ્રેમની ભાષા હતી, એવું કહી
મૌનના નામે પછી ભગા રહે

બે મુક્તક

જામ નથી, જામગરી આ તો
લોક ભલેને કરતાં વાતો
રાખ અગર પાષાણી હૈયું
તોજ પછી આખો જીરવાતો
*********************
એટલું સમજી ગયો છું હું ખુદા
છે હલેસા જૂજ, અઢળક નાખુદા
પોતપોતાની દિશા પકડે બધાં
ને પછી મંઝિલ કરી દે ગુમશુદા

19.3.10

બે મુક્તક

શબ્દની એકેક ઇંટે ઘર બનાવ્યું
ને ગઝલ જેવું જ કૈં સુંદર બનાવ્યું
કાફીયા બારી, રદીફના દ્વાર મુકી
માતૃભાષા નામનું ઉદર બનાવ્યું
************************
કાંતવું ઝીણુ તમારું કામ છે..?
સત્યથી આઘું ઘણુયે ગામ છે
શ્વાસની ગોળી ગળી શક્તા નથી..!!
તો પછી શું કામ ગાંધી નામ છે..??

................બે મુક્તક...................

એ હજી થાક્યો નથી એને તપાસો
સાવ ઉથલાવે બધું ચોપાટ પાસો
દાવનાં અક્ષાંશ ને રેખાંશ ઉપર
દુર સુધી ના જડે કોઈ દિલાસો
*************************
અસ્ત પામી ગ્યા પછીનો કાળ છું
જે હજુ ઉગ્યો નથી, એ બાળ છું
ચાંદની તરસ્યા, અમાસી રાતમાં
શાંત જળ આ સરવરોનુ આળ છું

18.3.10

બે મુક્તક

આમ જુઓ તો બધું ઝાકળ હતું,
હાથમાં લીધા પછી પોકળ હતું
રૂબરૂ જેની થતો હું આયને,
એય મારી જાતનું એક છળ હતું
************************
આભને ચીરવું નથી કંઈ આકરૂં,
રામ નામે એક પથ્થર ઘા કરૂં
પેસવા જો કે હજુ એ દિલ મહી,
તીર મારાં નામના ભેગા કરૂં

એક ટચકુકડીક
ગઝલ
.
સવર્ણ ગાથા
(છંદ: ગા ગા ગા)
.
ના માનો
કે માનો
ભવ આખો
જુર્માનો
.
સેવ્યા કર
અરમાનો
સહેવાના
અપમાનો
.
નરસીના
યજમાનો
આપસના
મહેમાનો
.
નાટકીયા
’સલમાનો
’માયા’ ના
સન્માનો
.
ફગવી દો
ફરમાનો
સ્થાપી દો
હનમાનો....

17.3.10

અમે માની લીધો અક્ષર, તમારૂં હર કદમ જાણે
અમારાં ઘર સુધી આવો, તો રસ્તો પણ નઝમ જાણે
ચુકી જાતું આ દિલ ધડકન, તમારી હર અદાઓ પર
નિસા:સા નાખવા ઉંડા હવે થઈ ગઈ રસમ જાણે
અમે પુજા કરી, અર્ચન કીધાં, દીધી અઝાં કિંતુ
ધરી લીધો તમે તો બેવફાઈનો ધરમ જાણે
મધુરી યાદ, તમને ખત લખેલાં, મૈકદે રાખું
કદી એકાંતમા પીવું નહીં, લીધી કસમ જાણે
અમારી કબ્ર પર આવે, ધરીને મૌન હોઠોં પર
હજુયે એ ગુઝારે છે, અમારા પર સિતમ જાણે

15.3.10

રાધા

કોણ હતું એ યમુના તટ પર
હાથ સુકોમળ રાખી મટ પર
.

નાગ દમન પેઠે આંગળીઓ
ભીંસ કસે ઘુંઘરાળી લટ પર
.

વાટલડીની ભીની જાજમ
પાથરતી આખા પનઘટ પર
.

સહેલ સખી સાથે છણકો લઈ
વાત પહોંચતી છટ ને ફટ પર
.

ખોતરતી પતાળ સમૂળગું
રીસ ઉતારી, રસ નટખટ પર
.

કો’ક બનીને અંગત અંગત
જીદ કરે તારી ચોખટ પર
.

આજ છબી રાધાની ઉપસે
કાન, અમારાં અંતરપટ પર

12.3.10

આંખનાં આંજણ, તમે ભારે કરી
કેશનાં કામણ, તમે ભારે કરી
માનતો હું, વાટ જોતા’તાં તમે
અધખુલી પાપણ, તમે ભારે કરી
ધણ હરણના હાંફતાં દોડ્યા કરે
ઓ પ્રલોભી રણ, તમે ભારે કરી
રોજ તારે ચુમવા દૈવી ચરણ
વ્રજ તણી રજકણ, તમે ભારે કરી
લ્યો, હજુ લંબાય છે ક્ષણ આખરી
શ્વાસના વળગણ, તમે ભારે કરી
કેટલા ખભ્ભા ફર્યા, અવ્વલ સુધી
ક્યાં હતું ભારણ, તમે ભારે કરી

મુળથી મન સહેજ બાગી હોય છે
ને પછી ઇચ્છાઓ જાગી હોય છે

આમતો પીડા ઘણીએ પંડમાં
પણ અમે એનેય રંગી હોય છે

મૈકદે જે સાવ કોરો કટ્ટ રહે
એજ સાચ્ચમ સાચ, ત્યાગી હોય છે

હાશની નીંદર મળે, જ્યારે બધી
એષણા ખીંટીએ ટાંગી હોય છે

ફાળવેલી હોય છે, દો ગજ જમીં
ક્યાં કદી સામેથી માંગી હોય છે

11.3.10

આંગણુ આ ઝળહળે છે જ્યારથી
આવવાના એ, ખબર છે ત્યારથી

ભીતરી ડેલી કદી ના વાસજે
કાશ કોઈ સ્વપ્ન આવે બહારથી

થનગને જો અશ્વ ઈચ્છાઓ તણા
તો હજો એક કૃષ્ણ જેવો સારથી

પાંખડી જીરવી જતી ઝાકળ, અને
પાપણો ઝુકે આ અશ્રુ ભારથી

શ્વાન તું નાહક બને, ગાડાં તળે
કેવડો બેઠો છ ઉપર મ્હારથી

10.3.10

એટલી , અમને ખબર છે
એક, મારી પણ કબર છે
શુષ્ક જીવન આપની બસ
લાગણીઓથી સભર છે
કાંગરે ઉભો ભલે, પણ
છેક પાયેથી સફર છે
મસ્જીદે એકેક બંદો
બંદગીથી તરબતર છે
બેવફા આ જિંદગીથી
ચેતવાને, ઉમ્રભર છે

શબ્દ મારા, નોટ ચલણી
ને ગઝલ, મારી ચુકવણી
.

મ્હેલ આશાનો ચણ્યો, પણ
મુકતા ભુલ્યો નીસરણી
.

આપનાં એકાદ શમણે
રાત કંકુ, થાય, વરણી
.

મૃગજળો, હાજર ન રહીને
ઠેલતાં રણની સુનવણી
.

શ્વાસને ઉચ્છવાસ કેરી
આજ પુરી થઈ પજવણી
.

બંધ આંખે, દિવ્ય ચક્ષુ
ખુલવાની કર ઉજવણી

6.3.10

વાલમ

ઝાકળ જેવું અડકો વાલમ
વેરી મારો તડકો વાલમ

પડછાયો જો સ્પર્શું તારો
હૈયું ચુકે થડકો વાલમ

દુનિયા મુકી, મારી હાટુ
છાનુ છાનુ ધડકો વાલમ

પહેરી લઈએ બચપણ પાછું
રમીએ અડકો દડકો વાલમ

હુંફાળાની ઓથે ઉરમાં
પ્રગટાવોમાં ભડકો વાલમ

તાળી પણ સરખી ના લેતાં
એવો ક્યાં છું કડકો વાલમ

કાગળ કોરો દેખું જ્યારે
મનમાં પેસે ફડકો વાલમ

ચંદન સુખડ કાંઈ ન જોતું
જુની યાદો ખડકો વાલમ

પ્રેમમા ખુશ્બુ હતી વિશ્વાસની
આપલે, માટે કરી’તી શ્વાસની

આયને ડોકું જરા મારી તો જો
કેવડી દુનિયા વસે આભાસની

આગિયા બે સામસામે જો મળે
વાત પીડાની કરે અજવાસની

મસ્જીદોમાં ઝુમતો દેખી મને
લોક વ્યાખ્યાઓ કરે બિંદાસની..!!

આમ જો રેખા તમે તાણ્યા કરો
શું દશા થાશે પછી વનવાસની

ઉમ્ર ભર જે ના મળ્યું, એ કબ્રમાં
શોધ પુરી થઈ હવે આવાસની

5.3.10

બારખડીની સહેલગાહે

ચાલ કલમને ઘોડે ચડીએ

શબ્દ નગરને ખુંદી વળીએ
.

અલ્પ, અર્ધ ને પૂર્ણ વિરામે

ઉંઘ જરા બસ ખેંચી લઈએ
.

ડાંગ સમો ’કાનો’ થઈને સૌ
દ્વાર ઉભી, અક્ષરને રક્ષીએ
.

દીર્ધ, હ્રસ્વ ની છતરી નીચે
પ્રેમ સભર બે વાતો કહીએ
.

કૃર બની નવ મુળ ઉખેડો
ભૃણ હણી ના કુળ લજવીએ
.

એક ભલે કે ’માતર’ બે હો
આગ સમી સમશેર જગવીએ
.

ગૌર વર્ણ કે કાળા કૌવા
ગૌણ ગણી સૌ સાથે મળીએ
.

શુક્ર કણી થઈ નભમાં ઉંચે
ચંદ્ર ઉપર જાણે અનુસ્વરીએ
.

લિંગ પૂજા દ્વાદશ, છવ્વીસા
બારખડી ચાલીસા ભજીએ

3.3.10

દરિયે પુગવા, વચમાં આવે રેત રે
જીવતર આખું બળબળતું રણ, ચેત રે

રાતો , પીળો, ભુરો છોને મુળ રે
અમને ગમતો વ્હાલપનો રંગ શ્વેત રે

પથ્થર ફોડી, કૂંપળ ઉગે, છમ્મ રે
શોધો એમા ઇશ્વરનો સંકેત રે

સંબંધોના શમણા રેલમ છેલ રે
લગરીક દેજો નીંદર, નામે હેત રે

ગુંઠા, વીઘા, ખેતર, એકર, મેલ રે
સામી ભીંતે ફોટો રહેશે વ્હેંત રે..!!

2.3.10


રાધા ને કાન રમ્યાં
વ્રજમા
ઉલ્હાસથી, એ
હૈયામાં,
ધૂળેટી
સાચવો...
**

**

તમને યે
ક્યાંક કોઈ
રાધા મળે તો
સહેજ
ચપટી

ધૂળ એંઠી
સાચવો...!!!!

1.3.10

આંખ ડાબી વિંચાય છે, આ લ્લે લે
લાટ દલડાં ઘવાય છે, આ લ્લે લે

સોળ પુરા થવામાં હવે બાકી શું
રાહ એની જોવાય છે, આ લ્લે લે

સહેજ પાલવ સરક્યાની વાત આખ્ખાયે
ગામ વચ્ચે ચર્ચાય છે, આ લ્લે લે

ઠેસ વાગે, ને ઝાંઝરને રણકારે
કાન સરવા સહુ થાય છે, આ લ્લે લે

બે’ક ઘુંઘરાળી લટમા રે અટવાતી
કંઇક રાતો ગુંથાય છે, આ લ્લે લે

ઢોલ વાગ્યો, ને કેટલાય નિ:સ્સાસા
છેક પાદર સંભળાય છે, આ લ્લે લે

ને હવે

જેમ કાંસકા ને પરફ્યુમુ વેંચાતાં
એમ રાખડી વેંચાય છે, આ લ્લે લે..!!