
સંસદનો તો રોજ કરે છે, સૌ જાણે
A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES...!.!. જીવનના કંઇક તોફાનોમાં ડેલી બંધ રાખી’તી ............. તમારા શ્વાસની ખુશબુથી ઘર આજે ઉઘાડ્યાં છે................. હરફ ના કોઇ ઉચ્ચારો , અમારી ખાનદાની પર................ સ્વિકારી કારમી મે હાર , દુશ્મનને જીતાડ્યાં છે
આયના સાથે પનારો રાખજે
છળ સમો, એક ભાઈચારો રાખજે
.
હો ભલે જ્વાળામુખી તું શાંત, પણ
રાખમા નાનો તિખારો રાખજે
.
થાક જીવતરનો જરા હળવો થશે
કોઈના દિલમાં ઉતારો રાખજે
.
હાથમાં તકદીરની રેખા તણો
બંધ મુઠ્ઠીમાં ઈજારો રાખજે
.
ફીણ થઈ પગમાં સમુંદર આવશે
બાનમાં તું બસ, કિનારો રાખજે
.
બંદગીથી વાત જ્યારે ના બને
તું મદિરાનો સહારો રાખજે
.
આપલે કરવા, પછીથી મૌનની
સાવ પડખે બે મઝારો રાખજે
સો દફા પકડી ખુદાની આંગળી
ના કદી દીદારની ઇચ્છા ફળી
.
વાંસનાં તો વન હતાં ગોકુળમાં
એકનું પ્રારબ્ધ, બનવું વાંસળી
.
રેતનાં અસ્ફાટ રણમાં, થોરનો
કાંકરી ચાળો કરે એક વાદળી
.
ગાલ પરનાં શેરડા, સંધ્યા ગણી
સાંજ પણ આજે જરા મોડી ઢળી
.
સૌ પતંગિયા, ફુલ પાસેથી હવે,
રંગ ઉઘરાવ્યાની અફવા સાંભળી
.
શ્વાસ છેલ્લા શું જરા ચોરી લીધા
ને સજાએ મોત બદલામાં મળી
સુર્ય પુજા
આ રાત ભલે રઢિયાળી પણ બહુ અડવું અડવું લાગે છે
એક સોનલ વર્ણા સાથ વગર બહુ અડવું અડવું લાગે છે
પરભાતે રાતો હેત ભર્યો
સંધ્યાએ ભીનો પ્રેમ કર્યો
સાથે એની ઉગીએ ઢળીએ
દિ’ આખો જેની આંગળીએ
મને હુંફળા એ હાથ વગર બહુ અડવું અડવું લાગે છે
દુનિયાને ચીંધે રોજ દિશા
આઘી રાખે ઘનઘોર નિશા
છે રોમ રોમ ને દલડામાં
જાગું કે જોઉં સપનામા
હવે અજવાળા સંગાથ વગર બહુ અડવું અડવું લાગે છે
પુજા અર્ચન મેં ખુબ કીધાં
તહેવારે, વારે દાન દીધાં
દ્વાદશ ચિર્યાશી ધામ ફર્યા
દુ:ખડાં નવ કોઈ તોય હર્યાં
નર નારાયણના નાથ વગર બહુ અડવું અડવું લાગે છે
કદી તો ખુલે બંધ બારી તમારી
સતત રાહમાં આંખ ખુલ્લી અમારી
સરે જીંદગાની, સહજ સોયમાંથી
નથી ગુંચ કોઈ, ન મેં ગાંઠ મારી
બડી બોલબાલા છે પ્રસ્તાવનાની
અને વારતા થોથવાતી બિચારી
ખબર કાઢવા ઘર સુધી છેક આવો
તો મંજુર છે આવી સો સો બિમારી
નયન બેય કાતિલ, અદા "માર ડાલે"
મદિરા, શમા, કેટલી છે કટારી..?
અરિસામાં ભાળ્યો જે જાણીતો ચહેરો
સફેદીની પાછળ હતી જાત મારી
ગઝલની આંગળી ઝાલીને નીકળ્યો રાહ પર
ભરોસો ક્યાં સુધી રાખું હવે અલ્લાહ પર
શબદના અર્થની બાંધીને ગઠરી ક્યારનો
ઉભો છું આપ સૌની દાદના ચૌરાહ પર
પ્રણય, ને પ્રેમ, પ્રિતી છે વિષય જુના હવે
નિબંધો સૌ હવે લખતાં અમારી આહ પર
લખ્યું તેં "દોસ્ત ", મારી પીઠ પર ખંજર વડે
છતાંયે કેમ વારી જાઉં, તારી ચાહ પર.?
ખબર છે આપના ખભ્ભે જવાનું છે પછી
ઉપાડ્યો કાં મને સીધોજ બિસ્મિલ્લાહ પર
એક સ્વ-છંદાસ
રચના
કાશ સમયને ઝોકું આવે,
હેલ શ્વાસની
જીવતરના આ
પનઘટ ઉપર
હળવેથી મુકીને તારી
ખળ ખળ વહેતી યાદ નદીમાં
ઘટનાનાં
બે પગ બોળીને
છબછબિયાં કરવા’તાં મારે.....
પણ હાય...
સમય કદી ના પોરો ખાતો,
શ્વાસ હેલને
માથે મુકી,
સંજોગોના નીર ભરીને
છલકાતી,
આછેરી યાદે
ભીંજાવાનો ડોળ કરીને,
ભવની કેડી
ઉપર ચાલું...
હચરક...ડચરક
હચરક...ડચરક
હચરક...ડચરક........
કાશ સમયને....
વસંતનો વરઘોડો
કંકુ ને અક્ષત ચોડાવો
તોરણીયા લીલા લટકાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો
ઝાકળને દ્વારેથી પેઠો
ફાગણને ઘોડે એ બેઠો
મોર બપૈયા સાજ બજાવો
ટહુકાના ગાણા ગવરાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો
કેસરીયા કેસુડે પોંખો
ગુલમહોરી દીસતો એ નોખો
કુમળા રે તડકા પથરાવો
ડોલરીયા મંડપ રોપાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો
યૌવન આખું ઉમટ્યું જાને
મોજ, મજા, મસ્તી યજમાને
ૠતુઓની પ્યાલી છલકાવો
દસે દિશાઓ આજ ગજાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો
પ્રેમનો પાડો.....( કે પછી ખાડો..?)
પ્રેમ એકુ પ્રેમ
પ્રેમ દુ ને સ્નેહ
પ્રેમ તેરી સગાઈ
પ્રેમ ચોકુ ચોરી
પ્રેમ પંચા છોકરાં
પ્રેમ છક કચકચ
પ્રેમ સત્તા શંકા
પ્રેમ અઠા કંકાસ
પ્રેમ નવ્વા જુદાઈ
પ્રેમ દાન તલ્લાક..!!
ખેલ બધો ખલ્લાસ..!!
પ્રેમ નુ ગણિત
પ્રેમ એકુ પ્રેમ
પ્રેમ દુ ને સમજણ
પ્રેમ તેરી સગાઈ
પ્રેમ ચોકુ બંધન
પ્રેમ પંચા પરિવાર
પ્રેમ છક સ્નેહી
પ્રેમ સત્તા સબંધો
પ્રેમ અઠા આબરૂ
પ્રેમ નવ્વા વિશ્વાસ
પ્રેમ દાન પરમેશ્વર..!!
હોજો આવું સૌનુ ઘર..!!
ફેંકેલા ગોટલામાં ઠાંસી ઠાંસીને ફરી ડાળ ડાળ વહાલપ ઘોળાતી,
ગીતામાં કાન તમે કીધું ન સમજાણુ, વાત બધી અહીંયા સમજાતી
.
ભણતરના ભારેથી માથુ કાઢીને કદી બાળકને થાય હુંય ઉડું,
પાંખો ને વિંઝવાની વાતો વિચારે ત્યાં સ્પર્ધાની ચાબુક વિંઝાતી
.
અંગુઠો આપ્યાનો ખેદ નથી અમને, પણ શ્રધ્ધાની ડોક તમે કાપી
વિશ્વાસે મુકેલી ખીચડીઓ આમ કદી પાકશે નહી ની વાત થાતી
.
ખુલ્લી બજારે હું તો લાગણીઓ લેવાને નીકળ્યો’તો થેલી લઈ ખાલી
ઉતર-ચડ એવાતો ભાવ થાય રીશ્તાના, જાત હારે થેલી વેંચાતી..!!
.
નીકળ્યા છે આજ બધાં અમને ઉપાડીને, ઉત્સવ હો જાણે કે નોખો
અત્તર, ગુલાલ, ફુલ, ચંદન, અબીલ, તોયે લાશ નથી સહેજે હરખાતી
એમ તો હું ક્યાં સુધી દોડી શકું ?
કેમ પડછાયા બધાં છોડી શકું
મૌનને બહાને અધરને વિનવી
શબ્દની દિવાલ હું તોડી શકું
આપના પત્રો ઉપર, ઝંખુ સદા
નામ મારૂં કોકદિ’ ચોડી શકું
સેતુઓથી નફરતોની ખાઈ પર
બે કિનારા પ્રેમથી જોડી શકું
આંગળી ચીંધી શકું, ચોરાહ પર
માર્ગ થોડો ઉંચકી મોડી શકું.?
પથ્થરોયે ક્યાં હવે એવા રહ્યાં
હેલ પનિહારી તણી ફોડી શકું
પ્રેમના સમરાંગણે ઘાયલ કરો,
તો પછી ખાંભી અહીં ખોડી શકું
ગીત-ગઝલ
સાવ અમસ્તાં આટા પાટા રમતાં રમતાં
કેમ ખબર, પણ અમને તારાં નખરાં ગમતાં
નખરાંની મૌસમ થઈ પુરી, ક્યાંક કશેથી
ટોળે ટોળાં લજ્જાના ચહેરે ઉતરતાં
ચહેરા પર સેંથીમાં રાતી કુંપળ ફુટી
ત્યાર પછી લાગણીઓ કેરાં વન ઉભરાતાં
જીવતર વનમાં એકબીજાના કેવટ થઈને
પ્રેમ હુંફના હલ્લેસે ભવ સાગર તરતાં
સાગરનાં તીરે બન્નેની નાવ ઉભી, લ્યો
ચાલ અલખ રેતીએ ગળીએ હસતાં હસતાં
પરથમ નશીલી આંખ બે, ગાગર બની ગઈ
સપના પછી ડુબાડવા સાગર બની ગઈ
અફાળાઈ, તારા પહાડ સરીખા ગરૂર પર
ઇચ્છા અમારી કેટલી પામર બની ગઈ
ગમતીલાં ગીત જે લખ્યાં, એની કડી બધી
રાધાની બેય પાનીએ ઝાંઝર બની ગઈ
શમ્મા બુઝાઇ, રાત અમાસી હતી, છતાં
પાલવ સર્યો, ને રાત ઉજાગર બની ગઈ
પાદરની પાર, વાસની ધિક્કાર સમ હવા
કરતાલ સહેજ વાગી, ને નાગર બની ગઈ